ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો: ગુનો નોંધી તપાસ શરૂ, રાઈસિન ઝેર બનાવવાનો હતો ઇરાદો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે નવેમ્બર 2025માં એક મોટી કાર્યવાહી કરીને ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા, જેમાં અત્યંત ઘાતક ઝેર ‘રાઈસિન’નો ઉપયોગ કરવાની યોજના હતી. કેસની ગંભીરતાને જોતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેને રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAને સોંપી દીધો છે.

NIAએ આ મામલે ગુનો નોંધીને FIR નોંધી છે. હવે NIA આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરશે. નોંધનીય છે કે ગત નવેમ્બર 2025માં ગુજરાત ATSએ અડાલજ-ઝુંડાલ હાઇવે નજીક ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન અને આઝાદ સુલેમાન શેખની સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ, કેસ્ટર ઓઇલ એટલે કે રાઈસિન ઝેર બનાવવા માટેનો કાચો માલ અને અન્ય રાસાયણિક સામગ્રી મળી આવી હતી.

મુખ્ય આરોપી ડૉ. સૈયદ અફઘાનિસ્તાનમાં રહેતા ISIS હેન્ડલર ‘અબુ ખદીજા’ના સંપર્કમાં હતો અને તેના માર્ગદર્શન હેઠળ રાઈસિન ઝેર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તેઓ અમદાવાદ, દિલ્હી, લખનૌ સહિત અનેક શહેરોમાં હુમલાનું આયોજન કરી રહ્યા હતા.

આ કેસમાં વિદેશી હેન્ડલર્સની સંડોવણી અને દેશભરમાં સંભવિત જોડાણોને ધ્યાનમાં રાખીને NIAને તપાસ સોંપવામાં આવી છે. ATSએ આરોપીઓના રહેઠાણો પરથી ડિજિટલ સાહિત્ય, હથિયારો અને અન્ય પુરાવા મેળવ્યા છે. આ ઘટના દેશમાં બાયોલોજિકલ આતંકવાદના વધતા જોખમને ઉજાગર કરે છે.