ગુજરાત બનશે એનર્જી હબ, સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સહિત ત્રણ મહત્વપૂર્ણ પોલિસીઓ કરી લૉન્ચ

(Photo: AI)

ગાંધીનગરમાં 25 ડિસેમ્બર 2025ના રોજ સુશાસન દિવસની ઉજવણી વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ મહત્વપૂર્ણ ઊર્જા પોલિસીઓનું વિમોચન કર્યું હતું. આ ત્રણ પોલિસીઓમાં ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025, ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી-2025 અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી-2025નો સમાવેશ થાય છે. આ પોલિસીઓથી ગુજરાતને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જીના મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો હેતુ છે, જેમાં અંદાજે 5 લાખ કરોડનું રોકાણ આકર્ષવું અને 6 લાખથી વધુ ગ્રીન જોબ્સનું સર્જન કરવાની યોજના છે.

આ પોલિસીઓ ભારતના પંચામૃત લક્ષ્યાંકો અને વિકસિત ગુજરાત 2047ની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ગુજરાત હાલમાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે અને આ નવી પોલિસીઓ તેને વધુ મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાં જળવાયુ પરિવર્તન સામે લડવા, ગ્રીડની સ્થિરતા વધારવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે છે.

ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025

ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025નો મુખ્ય ઉદ્દેશ્ય 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો છે. હાલ ગુજરાતમાં આશરે 41 ગીગાવોટની ક્ષમતા છે, જેમાં સૌર ઊર્જા 25 ગીગાવોટ અને પવન ઊર્જા 15 ગીગાવોટ જેટલી છે. આ પોલિસી સૌર-પવન હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS), પવન ઊર્જાના રિપાવરિંગ તથા નવી ટેક્નોલોજીઓ જેમ કે એગ્રીવોલ્ટેઇક્સ, ઓશન એનર્જી અને જીઓથર્મલને પ્રોત્સાહન આપશે.

રોકાણકારોને આકર્ષવા માટે આ પોલિસીમાં સરળ સમયમર્યાદા, અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ દ્વારા સરળ કનેક્ટિવિટી, ટ્રાન્સમિશન ચાર્જમાં છૂટ અને કેપિટલ સબસિડી જેવાં પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. તેનાથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધશે અને રોજગારની તકોમાં વધારો થશે.

પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી-2025

આ પોલિસી ઊર્જા સંગ્રહને મજબૂત બનાવવા પર કેન્દ્રિત છે. આ પોલિસી અનુસાર 2035 સુધીમાં 75 ગીગાવોટ અવર (GWh) સ્ટોરેજ ક્ષમતા અને 2047 સુધીમાં 100 પમ્પ્ડ સ્ટોરેજ યુનિટ્સ વિકસાવવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ્સ ગ્રીડની સ્થિરતા વધારશે અને અંદાજે 75,000 કરોડનું રોકાણ આકર્ષશે.

ગ્રીન હાઇડ્રોજન પોલિસી-2025

આ પોલિસી ગુજરાતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના મુખ્ય હબ તરીકે સ્થાપિત કરવાની છે. આ પોલિસી હેઠળ 2035 સુધીમાં વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદનનો લક્ષ્યાંક છે, જેનાથી 2 મિલિયન ટન નેચરલ ગેસનો વપરાશ ઘટશે અને 5 મિલિયન ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ ક્ષેત્રમાં પણ મોટું રોકાણ અને રોજગાર સર્જાશે.

ત્રણેય પોલિસીઓમાં સામાન્ય રીતે ઇનપુટ ઊર્જા પર વીજળી ડ્યુટીમાં છૂટ, 20 ટકા સુધી કેપિટલ સબસિડી, વ્હીલિંગ અને ટ્રાન્સમિશન ચાર્જમાં 50 ટકા સુધી રિઇમ્બર્સમેન્ટ તથા જમીન ફાળવણીમાં સરળતા જેવા પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. આ પોલિસીઓ આગામી 10 વર્ષ માટે અમલમાં રહેશે અને તેના લાભ આગામી 40 વર્ષ સુધી મળશે.આ પહેલથી ગુજરાત નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ મેળવશે અને ભારતના સ્વચ્છ ઊર્જા લક્ષ્યાંકોને વેગ આપશે.