પહેલાં કરી હત્યા, પછી મૃતદેહને ઝાડ સાથે બાંધી ચાંપી આગ: બાંગ્લાદેશમાં ‘ઇશનિંદા’ના આરોપ સાથે કટ્ટરપંથીઓએ લીધો હિંદુ યુવકનો જીવ

બાંગ્લાદેશમાં મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ ઇશનિંદાના આરોપમાં એક હિંદુ વ્યક્તિની હત્યા કરી હતી. ત્યારબાદ હુમલાખોરોએ તેના મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી. પીડિતની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે અને આ ભયાનક ઘટના 18 ડિસેમ્બરની રાત્રે સ્ક્વેર માસ્ટર બારીના દુબલિયા પારા વિસ્તારમાં બની હતી.

BBC બાંગ્લાના અહેવાલ અનુસાર આ ઘટનાની પુષ્ટિ બાંગ્લાદેશના અધિકારીઓએ કરી છે. જોકે, પોલીસે હજુ સુધી કેસ નોંધ્યો નથી. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં કટ્ટરપંથીઓ ‘નારા-એ તકબીર અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આ કટ્ટરપંથી ટોળું દીપુની હત્યા કરતું અને મોબાઈલ ફોન પર આ જઘન્ય કૃત્યની રેકોર્ડિંગ કરતું જોવા મળે છે.

મૃતક આ વિસ્તારમાં ભાડૂઆત તરીકે રહેતો હતો અને નજીકની કપડાંની ફેક્ટરીમાં કામ કરતો હતો. ભાલુકા પોલીસ સ્ટેશનના ડ્યુટી ઓફિસર રિપન મિયાએ જણાવ્યું કે, પ્રોફેટ મુહમ્મદ વિશે અપમાનજનક શબ્દો બોલવાના આરોપમાં ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. રિપને કહ્યું, “ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે પ્રોફેટ મુહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં ગુસ્સે ભરાયેલી ટોળાએ તેને પકડી લીધો. તેને મારી નાખ્યો અને પછી મૃતદેહને આગ લગાવી દીધી.”

અધિકારીએ આક્ષેપ કર્યો કે, મામલાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ દીપુનો મૃતદેહ મળી આવ્યો અને તેને મૈમનસિંઘ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રિપને ઉમેર્યું, “અમે તેના સંબંધીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેસ નોંધાયા પછી કાયદા અનુસાર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

નોંધનીય છે કે શેખ હસીનાએ સત્તા છોડ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ કફોડી બની રહી છે. 2024માં બાંગ્લાદેશના હિંદુઓએ ભારે અત્યાચારનો સામનો કર્યો છે. હવે એન્ટી-ઇન્ડિયા અને જિહાદી કટ્ટરપંથી શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી આ ભયાનક હત્યાઓ ફરી તીવ્ર બની છે. મુસ્લિમ કટ્ટરપંથીઓ મીડિયા, ભારતીય દૂતાવાસ અને રાજદ્વારીઓ તેમજ અસુરક્ષિત અલ્પસંખ્યક હિંદુઓને નિશાન બનાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.