હોમપેજદુનિયાવેનેઝુએલા પર અમેરિકાની નાકાબંધી, નાર્કોની આડમાં ચાલી રહ્યો છે તેલ મેળવાનો ખેલ:...

વેનેઝુએલા પર અમેરિકાની નાકાબંધી, નાર્કોની આડમાં ચાલી રહ્યો છે તેલ મેળવાનો ખેલ: ભારતની અર્થવ્યવસ્થા પર કેટલી થશે અસર

અમેરિકાએ કરેલ વેનેઝુએલાની નાકાબંધી તેલની લાલચમાં છે. વૈશ્વિક સપ્લાય ચેઇનથી તેને કોઈ મતલબ નથી દેખાતો. તે માત્ર અમેરિકાની તિજોરી ભરવા માંગે છે અને વેનેઝુએલન તેલ ભંડારો પર કબ્જો કરવાની નીયત રાખે છે.

- Advertisement -

દુનિયાના સૌથી મોટા તેલ ભંડાર ધરાવતા દેશોમાંનો એક વેનેઝુએલા ફરીથી અમેરિકી નિશાના પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 16 ડિસેમ્બર 2025ના રોજ એક મોટી જાહેરાત કરી કે તમામ સેન્ક્શન્ડ તેલ ટેન્કરો પર ‘ટોટલ બ્લોકેડ’. આનો અર્થ સ્પષ્ટ છે કે વેનેઝુએલામાં તેલ લેવા કે વેચવાવાળા જહાજોને રોકી દેવા. હવે વેનેઝુએલા પર અમેરિકાની નાકાબંધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના શાસનને ‘ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન’ કહ્યું છે. આ બધા માટે ટ્રમ્પે નાર્કો-ટેરરિઝમ, ડ્રગ્સ અને હ્યુમન ટ્રાફિકિંગનું બહાનું બનાવ્યું છે. પરંતુ વાસ્તવિકતા ઘણા ઓછા લોકો સમજી રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ બધું તેલ માટે થઈ રહ્યું છે. વેનેઝુએલા પાસે દુનિયાના સૌથી મોટા તેલ ભંડાર છે. આ ભંડાર લગભગ 303 અબજ બેરલના છે. અમેરિકાની જૂની રિફાઇનરીઓ આ જ હેવી ક્રૂડ ઓઇલના શુદ્ધિકરણ માટે બની હતી, જે હાલમાં બંધ છે. આવામાં ટ્રમ્પનો અસલી હેતુ માદુરોને હટાવીને તેલ પર કંટ્રોલ મેળવવાનો લાગે છે, જેથી તે અમેરિકી અર્થતંત્રને ગતિ આપી શકે.

- Advertisement -

જોકે અમેરિકાની આ ઘેરાબંધી માત્ર વેનેઝુએલાને જ નહીં, આખી દુનિયાને હચમચાવી શકે છે. સપ્લાય ચેઇનમાં અડચણ આવવાથી તેલના ભાવ વધશે. ખાસ કરીને ભારત જેવા આયાતકાર દેશો પર અસર પડશે. ભારત 85% તેલ બહારથી આયાત કરે છે. વેનેઝુએલાથી સસ્તું હેવી ક્રૂડ મળવાનું બંધ થવાથી ડીઝલ મોંઘું થશે, ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે, મોંઘવારી વધશે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ 2025માં વેનેઝુએલા પાસેથી તેલ ખરીદનારા દેશો પર 25% ટેરિફ પણ લગાવી દીધો હતો. જેનાથી ભારતની રિલાયન્સ જેવી કંપનીઓએ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. કંઈક આવું જ હાલ ટ્રમ્પે રશિયન તેલને લઈને કર્યું છે, આવામાં ભારતીય કંપનીઓને નુકસાન થતું દેખાઈ રહ્યું છે.

જોકે, ટ્રમ્પે વેનેઝુએલાની નાકાબંધીના કારણ તરીકે જે ડ્રગ્સના દાવા કર્યા છે તે વાસ્તવિકત આંકડાઓથી અલગ દેખાઈ રહ્યા છે. કારણ કે વેનેઝુએલા ડ્રગ્સ માટે એક ટ્રાન્ઝિટ પોઈન્ટ તો છે, પરંતુ કોકેઈનનો માત્ર 5-8% હિસ્સો જ અમેરિકી ભાગમાંથી પસાર થાય છે. ડ્રગ્સ માટે યુએસ પહોંચવાનો મુખ્ય ભૂમિ માર્ગ મેક્સિકો છે.

આ બધા વચ્ચે આપણે તેલ અંગેની રમત સમજવી પડશે જેને જીતવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને એક નવા યુદ્ધમાં ધકેલવા તૈયાર છે.

વેનેઝુએલા વિશ્વનો સૌથી મોટો તેલનો ખજાનો:, પણ ઉત્પાદન કેમ ઘટ્યું?

વેનેઝુએલા ‘તેલના ભંડાર’ તરીકે ઓળખાય છે. તેની પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે – 303.3 અબજ બેરલ, જે સાઉદી અરેબિયા (297 અબજ) કરતા વધુ છે. મોટાભાગનું તેલ ઓરિનોકો બેલ્ટમાં છે, જે એક્સ્ટ્રા-હેવી ક્રૂડથી ભરેલું છે. આ તેલ ઘટ્ટ, ચીકણું અને સલ્ફરથી ભરપૂર છે. તેને કાઢવું ​​મુશ્કેલ અને ખર્ચાળ છે. જોકે, તેની માંગ ખૂબ વધારે છે કારણ કે આ હેવી તેલને ડીઝલ, ડામર અને ભારે ઉદ્યોગના ઇંધણમાં રિફાઇન કરી શકાય છે. વેનેઝુએલા અને રશિયા વિશ્વના લગભગ 67% હેવી-ગ્રેડ તેલના ભંડારો ધરાવે છે.

હવે, વેનેઝુએલાનું તેલ ઉત્પાદન ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. 2000 માં 3.2 મિલિયન બેરલ પ્રતિ દિવસનું (bpd) ઉત્પાદન કરતું વેનેઝુએલા નવેમ્બર 2025માં ફક્ત 860,000 bpd તેલનું જ ઉત્પાદન શક્યું. આનું કારણ એ છે કે PDVSA (સરકારી તેલ કંપની) હ્યુગો ચાવેઝ અને માદુરો શાસન હેઠળ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અનુસાર ઓક્ટોબરમાં વેનેઝુએલાનું તેલ ઉત્પાદન 1.01 મિલિયન બેરલ પ્રતિ દિવસ હતું, પરંતુ તે ઘટી રહ્યું છે. જો પ્રતિબંધો હટાવવામાં આવે તો, 1-2 વર્ષમાં તેલ ઉત્પાદન 2 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી શકે છે. જોકે, ટ્રમ્પની નવી નાકાબંધીને કારણે આ ઉત્પાદન વધારે પ્રમાણમાં ઘટી રહ્યું છે.

અમેરિકી રિફાઇનરીઓ વેનેઝુએલાના તેલ પર જ બની હતી, હવે કેમ પરેશાન?

અમેરિકા વિશ્વનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે, પરંતુ તે આયાત પણ મોટી માત્રામાં કરે છે. અમેરિકાની ક્ષમતાના 40% સુધી હિસ્સો ધરાવતી ગલ્ફ કોસ્ટ રિફાઇનરીઓ હેવી ક્રૂડ માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ રિફાઇનરીઓ 1970 અને 1980ના દાયકામાં મેક્સિકો, કેનેડા અને વેનેઝુએલાથી હેવી તેલનું સંચાલન કરવા માટે બનાવવામાં આવી હતી. તેઓ ખાસ કરીને વેનેઝુએલાના મેરે બ્લેન્ડ (સુપર-હેવી) માટે પરફેક્ટ ફીટ બેસે છે. જોકે, વેનેઝુએલાથી તેલની આયાત પર પ્રતિબંધને કારણે, આ ફેક્ટરીઓ લગભગ બંધ જેવી હાલતમાં છે. હાલમાં, તેઓ તેમના કુલ ઉત્પાદનના માત્ર 15-17% ઉત્પાદન કરી શકે છે.

હવે ડોનાલ્ડ ટ્રમ્પની નાકાબંધીથી અમેરિકાને પણ નુકસાન થવાની ખાતરી છે. ભારે ક્રૂડની અછતને કારણે ડીઝલના ભાવ વધશે. રિફાઇનરીઓ લાઇટ ક્રૂડ (શેલ ઓઇલ) પર ઓછો નફો કમાય છે. EIA અનુસાર અમેરિકાએ 2001માં વેનેઝુએલાથી 1.3 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત કરી હતી, જે હાલમાં કરેલી 100,000 bpdથી ઓછી છે. કેનેડાથી વધુ આયાત શક્ય બનશે પરંતુ પાઇપલાઇનની મર્યાદાઓ છે. નિષ્ણાતો કહે છે, યુએસ ‘થોભી ગયું’ છે, પર્યાવરણીય નિયમોને કારણે નવી રિફાઇનરીઓ નથી બની. આવામાં ટ્રમ્પ તેલ તો ઇચ્છે છે, પરંતુ બહાનેથી.

ટ્રમ્પના નાર્કો-ટેરરિઝમવાળા બહાનામાં વેનેઝુએલાની ભૂમિકા કેટલી મોટી?

ટ્રમ્પનો મુખ્ય આરોપ છે કે માદુરો નાર્કો-ટેરરિસ્ટ છે, તે કાર્ટેલ ડે લોસ સોલ્સ ચલાવે છે. યુએસએ તેને ટેરરિસ્ટ ગ્રુપ જાહેર કરી દીધું છે. UNODCના જણાવ્યા મુજબ, યુએસ-બાઉન્ડ કોકેઇનનું માત્ર 5% વેનેઝુએલા રૂટથી આવે છે, જ્યારે 80% ઇસ્ટર્ન પેસિફિકથી (કોલંબિયા-ઇક્વાડોર) અને મેક્સિકોના રસ્તે આવે છે. તો ફેન્ટેનિલ ચીનથી મેક્સિકોના રસ્તે અમેરિકામાં જાય છે.

સેન્ક્શન્સની નીચે તેલનો કાળો બજાર, વેનેઝુએલા વેપાર કેવી રીતે કરે છે?

અહીં એ સમજવું આવશ્યક છે કે અમેરિકાએ વેનેઝુએલાને 2017થી વધુ ટાર્ગેટ બનાવ્યું છે. સરકારી કંપની PDVSA પર આ જ વર્ષે બેન લગાવ્યો હતો, તો અમેરિકી લોકોના વેનેઝુએલા સાથે વેપાર પર 2019માં પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે વેનેઝુએલા તેમના પ્રયત્નોથી રોકાયું નહીં, પરંતુ શેડો ફ્લીટ્સની મદદથી પોતાનો વેપાર કરતું રહ્યું. પરંતુ સંપૂર્ણ નાકાબંધીથી તેના પર પણ ઘણી હદે અંકુશ લાગી જશે. વેનેઝુએલા ન તો કાચું તેલ ગેરકાયદેસર રીતે બહાર મોકલી શકશે અને ન રશિયાથી નેફ્થા જેવા ઉત્પાદનો ખરીદી શકશે, જે રિફાઇનિંગ માટે અત્યંત જરૂરી છે.

વૈશ્વિક અર્થતંત્ર પર છવાયશે સંકટ

વૈશ્વિક તેલ સપ્લાયમાં વેનેઝુએલાનો હિસ્સો માત્ર 1% જ છે, પરંતુ તે મોટે ભાગે હેવી ક્રૂડનું ઉત્પાદન કરે છે. હેવી ક્રૂડની અછતથી તેના બાય-પ્રોડક્ટ્સના ભાવ વધશે. વિમાનોમાં વપરાતા ઇંધણની સપ્લાયમાં મુશ્કેલી આવશે, તો મિડલ ડિસ્ટિલેટનું (ડીઝલ) માર્કેટ પણ ટાઇટ થઈ જશે. રશિયા-ઈરાન પર બેનને કારણે દુનિયા પહેલેથી જ પરેશાન છે અને હવે વેનેઝુએલાની નાકાબંધી આ વૈશ્વિક સમસ્યાને વધુ મોટી કરી શકે છે.

ભારતના અર્થતંત્ર પર સીધો વાર

ભારત ત્રીજો સૌથી મોટો તેલ ખરીદનાર દેશ છે. વર્ષ 2023-24માં ભારતે વેનેઝુએલાથી 254,000 bpd લીધું હતું. મુખ્યત્વે રિલાયન્સ અને નાયરા એનર્જી વેનેઝુએલન તેલને પ્રોસેસ કરે છે. પરંતુ ટ્રમ્પના 25% ટેરિફથી ફેબ્રુઆરી 2025માં આ ખરીદી 93,000 bpd સુધી ઘટી ગઈ હતી. બીજી તરફ રશિયાથી સપ્લાય વધ્યો હતો, પરંતુ રશિયા પર પણ બેનને કારણે હવે મુશ્કેલીઓ અસર દેખાડી રહી છે.

આ કારણે ભારતમાં ડીઝલ 10-15 ટકા મોંઘું થઈ શકે છે. આનાથી ટ્રાન્સપોર્ટ અને કૃષિ ક્ષેત્ર પર પણ વ્યાપક અસર પડી શકે છે. પરિણામે જીડીપી પર નકારાત્મક અસર તરીકે દેખાઈ શકે છે. એટલું જ નહીં, ભારતમાં મોંઘવારી પણ 6-7 ટકા સુધી વધી શકે છે.

તેલની રમત ક્યારે ખતમ થશે?

અમેરિકાએ કરેલ વેનેઝુએલાની નાકાબંધી તેલની લાલચમાં છે. વૈશ્વિક સપ્લાય ચેઇનથી તેને કોઈ મતલબ નથી દેખાતો. તે માત્ર અમેરિકાની તિજોરી ભરવા માંગે છે અને વેનેઝુએલન તેલ ભંડારો પર કબ્જો કરવાની નીયત રાખે છે. આવામાં ગ્લોબલ સાઉથને એકજુટ થઈને અમેરિકી દબાણનો મુકાબલો કરવા તૈયાર થવું પડશે, કારણ કે વેનેઝુએલા પર સંકટ આવશે તો નુકસાન ગ્લોબલ સાઉથને વધુ થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં