
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે (RSF-Reporters sans frontières) ‘પ્રેસ ફ્રીડમ પ્રિડેટર્સ’ શીર્ષકથી એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં મીડિયા અને પત્રકારો માટે તથાકથિત રીતે જોખમ હોય તેવા અનેક લોકો, સંસ્થાઓને યાદીમાં સમાવવામાં આવ્યાં છે. યાદીમાં ટેસ્લા ચીફ ઈલોન મસ્ક, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વગેરેનાં નામ છે. સંસ્થાઓમાં ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ, આલ્ફાબેટ (ગૂગલની પેરન્ટ કંપની) અને મેટા (ફેસબુકની પેરેન્ટ કંપની) વગેરેનાં પણ નામ છે.
આ જ યાદીમાં RSFએ પત્રકારો અને મીડિયા માટે જોખમરૂપ ગણાવીને બે સંસ્થાઓને સમાવી છે. એક– અદાણી ગ્રુપ અને બીજું ઑપઇન્ડિયા. બંને પર પત્રકારોને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
યાદીમાં RSF ઑપઇન્ડિયા વિશે લખે છે, “હિંદુ નેશનાલિસ્ટ વેબસાઇટ ઑપઇન્ડિયાએ વર્ષ 2025માં એવા ઘણા પત્રકારો વિરુદ્ધ ‘ડિસઇન્ફોર્મેશન’ અને ‘હેરેસમેન્ટ’ કેમ્પેઇન ચલાવ્યાં છે, જેઓ ભારત સરકારના ટીકાકાર રહ્યા હોય.”
આ સિવાય ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ (CSDS) પર ઑપઇન્ડિયાએ પ્રકાશિત કરેલા ડોઝિયરનો પણ RSFના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વેબસાઈટને આ યાદીમાં ટાંકવા માટે આ ડોઝિયર એક પ્રમુખ કારણ જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટમાં ઑપઇન્ડિયાનું નામ લઈને બહુ રોદણાં રડવામાં આવ્યાં છે. જેમાં લખવામાં આવ્યું કે, ઑપઇન્ડિયા પત્રકારો અને મીડિયા આઉટલેટ્સને બેઆબરૂ કરવા માટે જાણીજોઈને નરેટિવ ફેલાવે છે અને આવા પત્રકારો અને મીડિયા સંસ્થાઓ પર ‘સોરોસ ઇકોસિસ્ટમ’ અને ‘એન્ટી ઇન્ડિયા લૉબી’ માટે કામ કરવાનો આરોપ લગાવે છે. આરોપ એવો પણ છે કે ઑપઇન્ડિયાના લેખ બાદ જે-જે પત્રકારોને કથિત રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેમની વિરુદ્ધ ઓનલાઈન હેરેસમેન્ટ શરૂ થઈ જાય છે!
યુરોપિયન દેશો દ્વારા ફંડેડ આ NGOના રિપોર્ટમાં ઑપઇન્ડિયાના એ લેખનો પણ સંદર્ભ ટાંકવામાં આવ્યો છે, જે ‘ધ ન્યૂઝ મિનિટ’નાં એડિટર ધન્યા રાજેન્દ્રન પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ 2025માં મીડિયા અને પત્રકારોને ટાર્ગેટ કરતા કુલ 96 લેખો પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે.
RSFના રિપોર્ટમાં ‘કૉન્સ્પિરસી થિયરી’ ઑપઇન્ડિયાનું ‘ઘાતક હથિયાર’ હોવાનું કહીને રડારોળ કરવામાં આવી છે. પણ નોંધવા જેવી વાત એ છે કે આ સિવાય ક્યાંય ઑપઇન્ડિયાના લેખોને તાર્કિક રીતે કાઉન્ટર કરવામાં આવ્યા નથી, કોઈ પણ પ્રકારનું કારણ જણાવ્યા વગર સીધા જજમેન્ટ પાસ કરી દેવામાં આવ્યા.
આ સિવાય અદાણી જૂથને અમુક ‘પત્રકારો’ વિરુદ્ધ કેસ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યું છે. જ્યારે હકીકત એ છે કે આ પત્રકારો વિરુદ્ધ કેસ અદાણી જૂથ વિરુદ્ધ અપમાનજનક અને બદનક્ષીભર્યા અહેવાલો પ્રકાશિત કરવા બદલ કરવામાં આવ્યા હતા. કોર્ટે પણ આવા લેખોને પાયાવિહોણા ગણાવ્યા છતાં RSFએ પત્રકારોને કોર્ટમાં ઘસડવાને ‘પ્રેસ ફ્રીડમ’ પર હુમલો ગણાવ્યું છે.
ઈલોન મસ્કને ટાર્ગેટ કરીને લખવામાં આવ્યું કે તેમણે ‘X’ને (જે પહેલાં ટ્વિટર હતું) એક ખોટી માહિતી ફેલાવવાનું મોટું સાધન બનાવી દીધું છે. સાથે મસ્કે જે વિકિપીડિયાની ટીકા કરી હતી, એનો પણ સંદર્ભ લેવામાં આવ્યો છે અને તેને પણ મીડિયા પર હુમલો ગણાવવામાં આવી છે.
ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસને ટાર્ગેટ કરીને કહેવામાં આવ્યું કે તેમણે પેલેસ્ટેનિયન મીડિયા પર ‘અત્યાચાર’ ગુજાર્યો હતો અને ઑક્ટોબર 2023થી અત્યાર સુધીમાં 220થી વધુ પત્રકારો ગાઝામાં માર્યા ગયા છે એમ પણ કહ્યું. અહીં એ વાતનો ઉલ્લેખ નથી કે ગાઝામાં સક્રિય ઘણા પત્રકારો હમાસ માટે પણ કામ કરતા હોવાનું અનેક તબક્કે સામે આવી ચૂક્યું છે.
‘મેટા’ અને ‘આલ્ફાબેટ’ વગેરેને મીડિયાને નાણાકીય રીતે નબળું પાડવાના આરોપી બનાવી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ બંને માધ્યમો પર ન્યૂઝ મીડિયાની વિઝિબલિટી ઓછી કરવામાં આવી રહી છે. આ રીતે કુલ 34 વ્યક્તિ-સંસ્થાઓનો ઉલ્લેખ છે.

