સાબરમતીમાં ખસેડાયેલા રાઈસિન ટેરર પ્લોટના આતંકી સૈયદને અન્ય ત્રણ કેદીઓએ ઢીબી નાખ્યો: વાંચો શું બન્યું હતું

તાજેતરમાં ગુજરાત ATSએ રાઈસિન ટેરર પ્લોટ કેસમાં જે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી તેમાંથી એકને સાબરમતી જેલમાં અન્ય ત્રણ કેદીઓએ મળીને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટના મંગળવારે (18 નવેમ્બર) સવારે બની હતી. આ મામલે રાણીપ પોલીસ મથકે એક FIR દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSની કસ્ટડી પૂર્ણ થયા બાદ સોમવારે સાંજે જ ત્રણેય આતંકવાદીઓને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકને અન્ય કેદીઓએ ઢીબી નાખતાં તેને આંખ અને નાકના ભાગે ઈજા પહોંચી હતી. તેને પછીથી અમદાવાદ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ સાંજે ફરી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.

શું બન્યું હતું?

કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતાં સોમવારે સાંજે ત્રણેય કેદીઓને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા બાદ એક બેરેકમાં ત્રણેયને સાથે રાખવામાં આવ્યા હતા. મંગળવારે સવારે ત્રણેય તેમના શેલમાં ઊંઘી રહ્યા હતા ત્યારે ત્રણ અન્ય કેદીઓ ત્યાં આવ્યા, તેમને જોયા અને ચાલ્યા ગયા હતા.

દસેક મિનિટ પછી ત્રણેય ફરી આવ્યા અને આતંકીઓ સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. જેમાં મોહિયુદ્દીનને વધુ માર પડ્યો. તેને ચહેરાના ભાગે મારવામાં આવતાં એક આંખ અને નાકમાં ઈજા પહોંચી હતી. સૈયદે બૂમાબૂમ કરી દેતાં ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા. જેલના સ્ટાફે પછીથી સૈયદને હોસ્પિટલ પહોંચાડ્યો.

પછીથી રાણીપ પોલીસ મથકે સૈયદની ફરિયાદના આધારે એક FIR દાખલ કરવામાં આવી, જેમાં અનિલ કુમાર, શિવમ શર્મા અને અંકિત લોધી એમ ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બે હત્યાના કેસના અન્ડર ટ્રાયલ કેદીઓ છે, જ્યારે ત્રીજો પોક્સો હેઠળ ચાલતા એક કેસમાં જેલમાં બંધ છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ રિપોર્ટમાં જેલના અધિકારીને ટાંકીને ઘટના પાછળનું કારણ જણાવતાં કહ્યું છે કે ત્રણ કેદીઓએ દેશભક્તિ દર્શાવવાના ઈરાદે હુમલો કર્યો હતો, બીજું કોઈ કારણ ન હતું. પોલીસ અધિકારીઓએ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.