
ગુજરાત ATSએ પકડેલા રાઈસિન ટેરર પ્લોટ કેસના મુખ્ય આરોપી આતંકવાદી અહેમદ મોહિયુદ્દીન સૈયદના હૈદરાબાદ સ્થિત ઘરે એજન્સીએ દરોડા પાડીને અમુક શંકાસ્પદ ચીજો જપ્ત કરી છે. જેમાં અમુક રસાયણો અને રૉ મટિરિયલ ભરેલાં કાર્ટનનો સમાવેશ થાય છે.
ગુજરાત ATSની એક ટીમ હૈદરાબાદ પહોંચી હતી. ત્યાંથી સ્થાનિક પોલીસની મદદથી સૈયદના ઘરે તપાસ હાથ ધરવામાં આવી. ત્યાંથી જે ચીજો અને રસાયણ મળી આવ્યાં છે તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.
અગાઉ ATSની તપાસમાં ધ્યાને આવ્યું હતું કે સૈયદ રાઈસિન ઝેર બનાવવાની ફિરાકમાં હતો અને તેના માટે તેણે પ્રાથમિક સંશોધન પણ શરૂ કરી દીધું હતું. જોકે તે રાઈસિન મેળવી શક્યો ન હતો અને તે પહેલાં જ ગુજરાતથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
સૈયદ વિશે વધુ જાણકારી સામે આવી
બીજી તરફ, સૈયદ વિશે વધુ જાણવા મળ્યું છે કે તે અપરણિત છે અને હૈદરાબાદના રાજેન્દ્રનગરના એક પાંચ માળના એપાર્ટમેન્ટ બિલ્ડિંગના ફ્લેટમાં એકલો જ રહેતો હતો. તેણે વર્ષ 2010માં ચીનથી MBBSની ડિગ્રી મેળવી હતી, પરંતુ ભારતમાં લાઈસન્સ માટે જરૂરી પરીક્ષામાં પાસ ન થતાં પ્રેક્ટિસ કરી શકે તેમ ન હતો.
આ સિવાય ગુજરાન ચલાવવા માટે તે એક ફૂડ આઉટલેટના ધંધામાં પાર્ટનર પણ હતો. જ્યાં તેઓ સેન્ડવિચ અને શાવરમા વગર ફૂડ ડિલિવરી એપની મદદથી વેચતા હતા.
ATSએ જ્યારે પરિવાર પાસેથી જાણવા મળી તો જાણવા મળ્યું કે સૈયદનાં ઘણાં પાર્સલ આવતાં રહેતાં હતાં, જેમાં જાતજાતનાં કેમિકલ આવતાં. પરિવારને તે આશ્વાસન આપતો હતો કે કમર્શિયલ હેતુ માટે તે આ રસાયણોનો ઉપયોગ કરે છે.
હાલ ATS આ બાબતે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત બાકીના બે આતંકવાદીઓના ઘરે પણ તપાસ હાથ ધરવા માટે ટીમો મોકલવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારે (9 નવેમ્બર) આ સમગ્ર મોડ્યુલ પકડાયું હતું, જ્યારે હૈદરાબાદથી હથિયારોની ડિલિવરી લેવા માટે ગુજરાતના કલોલ આવેલા મોહિયુદ્દીન સૈયદને ATSએ અડાલજ પાસે એક ટોલનાકા પરથી પકડી લીધો હતો. ત્યારબાદ તેણે જે હથિયાર મેળવ્યાં હતાં તે હથિયારો રાજસ્થાનથી કલોલ સુધી પહોંચાડનાર બે શખ્સોને પણ પાલનપુરથી પકડી લેવામાં આવ્યા હતા. આ બંને હેન્ડલરના કહેવા પર અહીં હોટેલમાં રોકાયા હતા.
ગુજરાત ATSનું કહેવું છે કે સમગ્ર કાવતરું રાઈસિન ઝેર બનાવીને મોટી ઘટનાને અંજામ આપવાનું હતું, પરંતુ તે પહેલાં જ આતંકવાદીઓ પકડાય ગયા. હાલ તેમની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાઈસિન ઝેર વિશે અહીંથી વિગતો જાણી શકાશે.

