‘દીવડા પાછળ પૈસા શું કામ ખર્ચવા’: અયોધ્યાના દીપોત્સવ પર અખિલેશ યાદવે આપ્યું જ્ઞાન, હિંદુઓને ક્રિસમસ પરથી શીખ લેવાની આપી સલાહ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે દિવાળી પર્વે એક વણમાગી સલાહ આપતાં કહ્યું કે દીવડાઓ પાછળ પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી અને ખ્રિસ્તીઓ પાસેથી હિંદુઓએ શીખવું જોઈએ. આ નિવેદન બાદ હવે ભરપૂર ટીકા થઈ રહી છે.

અખિલેશ યાદવે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “દુનિયામાં ક્રિસમસ સમયે આખાં શહેરો ઝગમગે છે. આખી દુનિયામાં થાય છે. દિવસો સુધી રોશની રહે છે. તેમની પાસેથી જ શીખી લેવું જોઈએ.”

આગળ તેમણે કહ્યું, “વારંવાર કેમ દીવડા, મીણબત્તી વગેરેનો ખર્ચ કરવો. આ સરકાર પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ? આ બધું હટાવી દેવું જોઈએ. અમે વધુ સારી રીતે રોશની કરાવીશું.”

અખિલેશના આ નિવેદન પર હવે પ્રતિક્રિયાઓ આવી રહી છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, “જેહાદીઓ અને ધર્માંતરણકારી ગેંગના કથિત મસીહાને હિંદુથી વધુ ખ્રિસ્તીઓ પ્રત્યે પ્રેમ છે. સ્વદેશીથી વધુ વિદેશી તહેવારો પસંદ છે.” તેમણે પૂછ્યું કે અયોધ્યા ઝગમગી રહ્યું છે અને હિંદુઓ ખુશ છે તો અખિલેશને કેમ તકલીફ થઈ રહી છે.  ત્યારબાદ સમાજવાદી પાર્ટી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા.

બીજી તરફ, ભાજપે પણ અખિલેશ પર નિશાન સાધ્યું છે. પાર્ટી પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ સમાજવાદી પાર્ટીનો ઇતિહાસ જણાવતાં કહ્યું કે જે પાર્ટીનો ઇતિહાસ રામ મંદિર ચળવળનો વિરોધ કરવાનો, વર્ષો સુધી અયોધ્યાને અંધકારમાં રાખવાનો રહ્યો હોય અને જેમણે રામભક્તો પર ગોળીઓ ચલાવવાનો ગર્વ લીધો હોય તેઓ હવે દીપોત્સવનો વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે યોગી સરકાર આવ્યા બાદથી અયોધ્યામાં દર વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને મોટેભાગે દર વર્ષે આગલા વર્ષનો વિક્રમ તૂટે છે. 2024માં પાંચ સદીના સંઘર્ષ બાદ પ્રભુ શ્રીરામનું મંદિરમાં આગમન થયું ત્યારથી આ ઉજવણી વધુ ભવ્યતાથી કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણી એટલા માટે પણ ખાસ છે કારણ કે મંદિર પૂર્ણતાને આરે છે.