
અમદાવાદમાં દાણીલીમડા પોલીસે અમદાવાદના રીઢા ગુનેગાર તૌફીકને પકડવા માટે ફિલ્મી રણનીતિ અપનાવી હતી. આરોપી ઘણા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો, તેના પર 14 ગુના નોંધાયેલા છે. પોલીસે તેને પકડવા માટે અનોખી યોજના બનાવી હતી. જે દરમિયાન મહિલા પોલીસકર્મીઓએ બુરખો ધારણ કરીને મુસ્લિમ મહિલા તરીકેની ઓળખ સાથે આરોપીને ફસાવ્યો હતો અને બાદમાં મુલાકાત દરમિયાન તેની ધરપકડ કરી લીધી હતી.
મળતી માહિતી અનુસાર, કુખ્યાત આરોપી તૌફીક ઘણા સમયથી ફરાર હતો, તેના પર અઢળક ગુના દાખલ થયા છે, પણ તે હમણાં સુધી પોલીસ પકડથી દૂર હતો. તેને પકડવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનનાં મહિલા પોલીસકર્મીએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું હતું અને છેલ્લા એકાદ મહિનાથી તેની સાથે વાતચીત કરી રહ્યા હતા. આરોપી સાથે પ્રેમભરી વાતચીત કરીને ફોસલાવીને તેને રિવરફ્રન્ટ પર મળવા બોલાવ્યો હતો.
બુરખાની જાળમાં ફસાયો 14 ગુનાનો ફરાર આરોપી તૌફિક
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 10, 2025
દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા કર્મીએ
ફેક ID બનાવીને તેને પ્રેમજાળમાં ફસાવ્યો , બાદમાં તેને રિવરફ્રન્ટ મળવા બોલાવ્યો
અહીં પોલીસ બુરખા સહિતના છુપાવેશમાં હતી હાજર
તૌફિક જેવો દેખાયો, એવો તરત પકડી પડાયો
Ahmedabad Police pic.twitter.com/BVGamZl9vi
આ દરમિયાન મહિલા અધિકારી બુરખો પહેરીને તેની રાહ જોઈ રહ્યા હતા. મહિલા મળવા આવતી હોવાની લાલચમાં તૌફીક મળવા પહોંચી ગયો હતો. આ સમયે અન્ય પોલીસકર્મીઓ પણ સાદા કપડાં પહેરીને ત્યાં જ હાજર હતા. તૌફીક આવ્યો અને તેણે મહિલા અધિકારીને તેની એક્ટીવા પર બેસવા કહ્યું, તે જ સમયે મહિલા પોલીસકર્મીએ ત્યાં હાજર અન્ય અધિકારીઓને ઈશારો કર્યો હતો.
મહિલાકર્મીનો ઈશારો જોઈને બાકીના અધિકારીઓ તરત દોડી આવ્યા હતા અને તૌફીકને ઝડપી લીધો હતો. નોંધનીય છે કે તૌફીક વિરુદ્ધ લૂંટ, મારામારી, ખંડણી, જેલમાંથી નાસી જવા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

