CJI પર જૂતું ફેંકનાર વકીલને પોલીસે મુક્ત કર્યા, પૂછપરછમાં કહ્યું– કોઈ પશ્ચાતાપ નથી, ઈશ્વરનું અપમાન સહન થઈ શક્યું ન હતું

સુપ્રીમ કોર્ટમાં 6 ઑક્ટોબર, 2025ના રોજ CJI ગવઈ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને ઘણી માહિતી સામે આવી છે. 71 વર્ષીય વકીલની ઓળખ રાકેશ કિશોર તરીકે થઈ છે અને પોલીસ પૂછપરછમાં તેમણે કોઈ પસ્તાવો ન હોવાનું જણાવ્યું છે. આ ઘટના બાદ BCIએ વકીલને સસ્પેન્ડ કરી દીધા છે અને પીએમ મોદીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 

આ સમગ્ર ઘટનાનું મૂળ CJI ગવઈ દ્વારા એક અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણી હતી. થોડા દિવસ પહેલાં એક કેસની સુનાવણી કરતી વખતે તેમણે ખજુરાહો સ્થિત ભગવાન વિષ્ણુની એક પ્રતિમા પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશોની માંગ કરતી અરજી નકારીને અરજદારને સંબોધીને ટિપ્પણીમાં કહ્યું હતું કે, “તમે તો ભગવાનના ભક્ત છો. તમારા ભગવાનને જ કહો કે કશુંક કરે.” 

આ ઘટનાને લઈને વકીલ નારાજ હતા અને તેમણે મુખ્ય ન્યાયાધીશ સામે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ‘સનાતન ધર્મનું અપમાન, નહીં સહે હિન્દુસ્તાન’ જેવા નારા પણ લગાવ્યા હતા. જોકે, જૂતું CJI સુધી પહોંચ્યું નહોતું અને ત્યારબાદ વકીલને કસ્ટડીમાં લઈને દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. 

શું કાર્યવાહી થઈ? 

આ ઘટના બાદ CJIએ કોર્ટ રજીસ્ટ્રીને વકીલ વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાની સૂચના આપી હતી. દિલ્હી પોલીસે વકીલને કસ્ટડીમાં લઈને લગભગ ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ પણ કરી હતી. પૂછપરછ દરમિયાન વકીલે કહ્યું હતું કે તેઓ CJIની ભગવાન વિષ્ણુ પરની ટિપ્પણીથી નારાજ હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ટિપ્પણી દ્વારા મુખ્ય ન્યાયાધીશે સનાતન ધર્મનું અપમાન કર્યું હતું. જોકે, પોલીસે આ મામલે કોઈ FIR નોંધી નથી અને વકીલને તાત્કાલિક છોડી પણ મૂકવામાં આવ્યા હતા. 

પોલીસ પૂછપરછમાં વકીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમને આ ઘટના પર કોઈ પસ્તાવો નથી. વકીલે કહ્યું હતું કે, તેઓ CJIની ભગવાન વિષ્ણુ પરની ટિપ્પણી બાદ રાત્રે સૂઈ પણ નહોતા શક્યા. તેમણે એવો દાવો પણ કર્યો છે કે, “સર્વશક્તિમાન (ભગવાન) મને દરરોજ રાત્રે પૂછતા હતા કે આટલા અપમાન બાદ પણ તું આરામ કઈ રીતે કરી શકે છે?”

સાથે-સાથે વકીલે તે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ રાજકીય સંગઠન સાથે નથી જોડાયેલા અને જેલ જવા પણ તૈયાર છે. તેમણે કહ્યું કે, “હું જેલમાં હોત તો વધુ સારું થયું હોત. મારો પરિવાર ખૂબ દુઃખી છે. તે સમજી શકતો નથી. SCBAના સંયુક્ત સચિવ મીનેશ દુબેએ વકીલ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે તેમને કોઈ ‘અપરાધબોધ’ નથી.

આ ઘટના બાદ બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ (BCI) વકીલની વકીલાતની પ્રેક્ટિસ તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દીધી છે. કાઉન્સિલે આ ઘટનાને કોર્ટની માન-મર્યાદા અને ન્યાયતંત્રની પવિત્રતાનું ઉલ્લંઘન ગણાવી હતી. આ ઘટનાને લઈને સોમવારે (6 ઑક્ટોબર) પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમણે CJI સાથે વાત કરી છે. 

વડા પ્રધાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ પરિસરમાં CJI પર થયેલા હુમલાથી ભારતીયો આક્રોશમાં છે. તેમણે આગળ એવું પણ કહ્યું કે સમાજમાં આવા નીંદનીય કૃત્યો માટે કોઈ જગ્યા નથી, આ સંપૂર્ણપણે નીંદનીય કૃત્ય છે. આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે, “આવી સ્થિતિમાં ન્યાયાધીશ ગવઈ દ્વારા દર્શાવાયેલ ધૈર્યની પણ હું સરાહના કરું છું. આ ન્યાયના મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને આપણાં બંધારણની ભાવનાને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”