માત્ર બે ટેક્સ સ્લેબ (5% અને 18%)ને GST કાઉન્સિલની મંજૂરી, 22 સપ્ટેમ્બરથી લાગુ 

GST કાઉન્સિલે બે ટેક્સ સ્લેબના માળખાને મંજૂરી આપી છે. બુધવારે (3 સપ્ટેમ્બર) દિલ્હીમાં યોજાયેલી કાઉન્સિલની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. નવા માળખા અનુસાર 5% અને 18%ના બે સ્લેબ રહેશે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યો સાથે ચર્ચાવિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. જેમાં 12% અને 28% GST ટેક્સ સ્લેબ દૂર કરવા સહમતિ બની. જેથી હવે માત્ર બે જ સ્લેબ હશે– 5% અને 18%. લક્ઝરી અને સ્વાસ્થ્યને હાનિકારક પદાર્થો માટે એક 40%નો પણ ટેક્સ સ્લેબ હશે.

જાણકારી અનુસાર, નવું માળખું 22 સપ્ટેમ્બરના રોજથી લાગુ કરવામાં આવશે. 

GST ટેક્સ સ્લેબમાં ફેરફારના કારણે જીવનજરૂરિયાતની અનેક ચીજવસ્તુઓ સસ્તી થઈ જશે, કારણ કે તેના ઉપર લાગતો કર ઓછો થશે. તહેવારો પહેલાં મધ્યમ વર્ગીય પરિવારો માટે આ મોટી રાહત સાબિત થશે. 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં દિવાળી પહેલાં દેશના લોકોને ભેટ આપવાની ઘોષણા કરીને GST ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની વાત કહી હતી. ત્યારબાદ પ્રક્રિયાઓને ગતિ આપવામાં આવી. નાણાં મંત્રાલયે ભલામણ પહેલાં ગ્રુપ ઑફ મિનિસ્ટર્સને મોકલી હતી, જ્યાંથી કાઉન્સિલને મોકલવામાં આવી, જે સ્વીકારી લેવામાં આવી છે. 

GST કાઉન્સિલમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ હોય છે અને GSTને લગતા તમામ નિર્ણયો આ બોડીના હોય છે. નાણાંમંત્રી કાઉન્સિલનાં અધ્યક્ષ છે.