એક તરફ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા સામે એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે સીબીઆઈની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં હવે એજન્સીએ દિલ્હી સરકાર એક હજાર DTC બસની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપોને લઈને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી.
CBI has already registered a preliminary enquiry (PE) over allegations of corruption in the procurement of 1,000 low-floor buses by Delhi Government: CBI Sources pic.twitter.com/JDDOgdIFIa
— ANI (@ANI) August 21, 2022
સીબીઆઈએ આ કાર્યવાહી ગૃહ મંત્રાલયની ભલામણ બાદ શરૂ કરી છે. આ વર્ષે માર્ચમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં DTC બસની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો મુદ્દો ઉઠાવ્યો હતો. દિલ્હી પરિવહન નિગમ દ્વારા બસોની ખરીદી અને વાર્ષિક મેન્ટેનન્સમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા હતા, જે બાદ ગૃહમંત્રાલયને પણ ફરિયાદ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉપરાજ્યપાલે આ મામલે વિચાર કરવા માટે મામલો ગૃહમંત્રાલય સમક્ષ મોકલ્યો હતો. અધિકારીઓ અનુસાર, ફરિયાદમાં આરોપો જાણવા માટે પ્રાથમિક તપાસ પહેલું પગલું છે, જેનાથી જાણી શકાશે કે શું પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં એફઆઈઆર થઇ શકે કે નહીં.
ઓગસ્ટ 2021માં આ મામલો સામે આવ્યો હતો. જેમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર આરોપ લાગ્યો હતો કે તેમણે 2 કંપનીઓ સાથે 1000 લૉ ફ્લોર બસ ખરીદવાના કરાર કર્યા હતા, જે ખરીદ પ્રક્રિયામાં અનિયમિતતા જણાઈ હતી. આ મામલે સૌથી પહેલાં ભાજપ ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ ઉપરાજ્યપાલ સમક્ષ ફરિયાદ કરી હતી. જે બાદ ઉપરાજ્યપાલ ભવને આ મામલો ગૃહમંત્રાલયને મોકલી આપ્યો હતો.
ગૃહમંત્રાલયે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં દિલ્હીના મુખ્ય સચિવને આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવા માટેના આદેશ આપ્યા હતા. જે બાદ 27 જાન્યુઆરી 2022ના રોજ સીબીઆઈએ આ મામલો હાથ પર લીધો હતો.
આ ઉપરાંત, મે 2022માં પણ દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને DTC બસના મેન્ટેનન્સ મામલે સીબીઆઈ તપાસ કરવાનો આદેશ આપવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ડીટીસીની જૂની બસના ત્રણ વર્ષના મેન્ટેનન્સ માટે 50 લાખ રૂપિયાનું ટેન્ડર આપવામાં આવ્યું છે, જેમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 7.5 લાખ કિલોમીટર ચાલવા પર કે 12 વર્ષ પૂરા કરવા પર આ તમામ બસ તબક્કાવાર ઘટાડવાની જોગવાઈઓ હતી પરંતુ કેજરીવાલ સરકારે આ જોગવાઈઓને બદલીને 15 વર્ષ કરી નાંખી હતી.
આ ઉપરાંત, દિલ્હી ભાજપ અધ્યક્ષે પત્રમાં એમ પણ જણાવ્યું હતું કે, કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા તે બાદ ડીટીસી માટે કોઈ નવી બસ ખરીદવામાં આવી નથી અને ઉપરથી બસની સંખ્યા 6200 થી ઘટીને 3,700 રહી ગઈ છે.
જોકે, એક તરફ જ્યાં ડીટીસી બસ મામલે સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યાં બીજી તરફ આજે અરવિંદ કેજરીવાલે જુલાઈ 2021ના સમાચારની લિંક શૅર કરીને જાતે જ પોતાને ક્લીનચીટ આપી દીધી હતી. કેજરીવાલે જુલાઈ 2021નો એક લેખ શૅર કર્યો હતો. જેમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે ડીટીસી બસ ખરીદી મામલે કેજરીવાલને ક્લિન ચીટ આપવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ગડબડ થઇ ન હતી. આ સમાચારમાં દિલ્હીના ઉપરાજ્યપાલે બનાવેલી સમિતિનો ઉલ્લેખ હતો, ત્યારે સીબીઆઈને તપાસ સોંપવામાં પણ આવી ન હતી.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 21, 2022
ગૃહમંત્રાલયે ઓગસ્ટ 2021માં સીબીઆઈને તપાસ સોંપી હતી, જ્યારે કેજરીવાલે ટ્વિટ કરેલો લેખ તે પહેલાંનો (જુલાઈ 2021) છે. વધુમાં સીબીઆઈએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે.