Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાઅધૂરી માહિતી, ખોટાં તથ્યો, CAA-વક્ફ પર જુઠ્ઠાણાં… અમેરિકી સંસ્થાના જે રિપોર્ટને સરકારે...

    અધૂરી માહિતી, ખોટાં તથ્યો, CAA-વક્ફ પર જુઠ્ઠાણાં… અમેરિકી સંસ્થાના જે રિપોર્ટને સરકારે કચરાપેટીમાં ફેંકી દીધો, તેમાં કઈ રીતે ચલાવાયો છે ભારતવિરોધી પ્રોપગેન્ડા?

    ટૂંકમ કહીએ તો આ આખા રિપોર્ટમાં અડધી-અધૂરી માહિતી, ખોટાં તથ્યો અને એજન્ડાને અનુરૂપ વિગતોને આવરી લઈને ભારતને બદનામ કરવા માટે પ્રોપગેન્ડા ચલાવવામાં આવ્યો છે, તેનાથી વિશેષ કશું જ નથી. જેમાં અમુક ઘટનાઓને બતાવીને કહી દેવામાં આવ્યું કે ભારતમાં આવું થાય છે, પરંતુ આખું ચિત્ર ક્યાંય રજૂ કરવામાં ન આવ્યું.

    - Advertisement -

    પોતાને ‘જગત જમાદાર’ માનતા અમેરિકાને અન્ય દેશોના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાની કુટેવ બહુ પહેલેથી છે. ત્યાંની સરકાર, ડીપ સ્ટેટ, એજન્સીઓ કે પછી જ્યોર્જ સોરોસ જેવાઓ કાયમ આ જ ફિરાકમાં દુનિયાભરમાં ફરતા રહે છે. હમણાં જ બાંગ્લાદેશમાં સત્તાપલટો થયો તો પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ સીધી આંગળી અમેરિકા તરફ ચીંધી. અમેરિકાનો ઇતિહાસ જોતાં તેમણે હસ્તક્ષેપ કર્યો હશે તેમ નકારી પણ શકાય નહીં. ભારત પણ વર્ષોથી આવું બધું જોતું આવ્યું છે અને જે મોડસ ઓપરેન્ડી બાંગ્લાદેશમાં ઉપયોગમાં લેવામાં આવી, તેવા પ્રયાસ અહીં પણ થયા હતા, પણ આપણે દસ વર્ષ પહેલાં ચેતી ગયા અને યોગ્ય માણસોને સત્તા પર બેસાડ્યા એટલે આ ટોળકીને ધારેલી સફળતા ન મળી. 

    જોકે તેમ છતાં પ્રયાસો તેઓ ચાલુ જ રાખે છે. તાજેતરમાં અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે ભારત ઉપર છે. આ સંસ્થા અમેરિકન સરકારની એક એજન્સી છે અને વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે કામ કરે છે. મજાની વાત એ છે કે વિશ્વના કોઈ દેશે તેમને આમ કરવા માટે કહ્યું નથી કે સલાહ માંગી નથી. 

    બીજી એક અગત્યની વાત એ પણ કે આ સંસ્થાના કમિશનરોમાં આસિફ મહમૂદનો પણ સમાવેશ થાય છે, જે મૂળ પાકિસ્તાની છે અને ભારતવિરોધી વલણ માટે અહીં કુખ્યાત છે. ભૂતકાળમાં તેણે ભારત વિરુદ્ધ ઘણાં કાવતરાં કર્યાં હતાં. 

    - Advertisement -

    તાજેતરમાં ભારત પર પ્રકાશિત થયેલા રિપોર્ટમાં આ સંસ્થાએ નકરો કચરો ઠાલવ્યો છે અને એવું સાબિત કરવાના પ્રયાસ કર્યા છે કે હિંદુઓની બહુમતીવાળા આ દેશમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર અત્યાચાર થાય છે, સરકાર પણ તેમાં સામેલ છે અને ધાર્મિક સ્વતંત્રતા નામની કોઈ ચીજ આ દેશમાં અસ્તિત્વ ધરાવતી નથી. 

    કેન્દ્ર સરકારના ધ્યાને આ રિપોર્ટ આવ્યો તો કડક શબ્દોમાં ઝાટકણી કાઢી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, આ સંસ્થા પહેલેથી જ ભારત પ્રત્યે પક્ષપાતી રહી છે અને આ રિપોર્ટ દેશ વિરુદ્ધ નરેટિવ ઘડવાનો એક પ્રયાસ છે, જેમાં તથ્યોથી વેગળી વાતો લખવામાં આવી છે. સાથે ભારતે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું કે, અમેરિકાની સંસ્થા પોતાના જ દેશ પર ધ્યાન આપે એ વધુ સલાહભર્યું છે. 

    હવે જોઈએ કે આ રિપોર્ટમાં શું છે. 

    ‘સિનિયર પોલિસી એનાલિસ્ટ’ સીમા હસને તૈયાર કરેલા આ અહેવાલનું શીર્ષક છે- ‘ભારતમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ વધતો અત્યાચાર.’ 

    શરૂઆત એ રીતે કરવામાં આવી છે કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં અને ત્યારપછી પણ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ અત્યંત કથળેલી છે. આગળ ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કરતાં લખવામાં આવ્યું કે, તેમણે ચૂંટણીમાં કરેલા અમુક વાયદાઓ પૂર્ણ કરવામાં એવી સ્થિતિ ઊભી કરી છે, જેનાથી ધાર્મિક લઘુમતીઓ પર સીધી અસર પડી છે અને આ નકારાત્મક અસરના કારણે તેઓ પોતાનો પંથ-મઝહબ યોગ્ય રીતે પાળી શકતા નથી. 

    આ વાયદો કયા? CAA, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, નેશનલ કોડમાં ફેરફાર. હવે અમેરિકાના જમાદારો આપણને એ જવાબ આપે કે આખરે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું એ લઘુમતીઓના હકો પર તરાપ કે તેમની ઉપર અત્યાચાર કઈ રીતે થયો? CAA લાગુ કરવું એ કઈ રીતે મુસ્લિમ કે ખ્રિસ્તીવિરોધી થઈ ગયું? અંગ્રેજ સમયના કાયદાઓ બદલવામાં આવ્યા તેમાં ધાર્મિક સ્વતંત્રતાની વાત ક્યાંથી આવી? 

    રિપોર્ટમાં લખ્યું છે કે, આ તમામ પગલાં સરકારે એમ કહીને યોગ્ય ઠેરવ્યાં છે કે દેશનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે તે આવશ્યક છે. તો તેમાં ખોટું શું કહ્યું? શું દેશનો વારસો જાળવવો જરૂરી નથી? અહીં પણ અમેરિકનો માટે જ દ્વાર ખોલી દેવામાં આવે? સંસ્થાનો રિપોર્ટ આગળ જણાવે છે કે હિંદુ સુપ્રિમસી જાળવવા માટે કાયમ આવી દલીલો આપવામાં આવતી રહે છે, જેના કારણે ધાર્મિક લઘુમતીઓએ ભોગવવું પડે છે. થઈ ને હાસ્યાસ્પદ વાત!

    હજાર વખત સ્પષ્ટતા પછી પણ CAA પર ચલાવ્યો એજન્ડા 

    CAA સંસદમાંથી પસાર થયા બાદ અને ત્યારપછી જે વિરોધ પ્રદર્શનોના નામે ઉત્પાત મચાવવામાં આવ્યો ત્યારે પણ સરકારે બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે કોઈ રીતે મુસ્લિમવિરોધી નથી અને ભારતના મુસ્લિમોને કોઈ રીતે અસર નહીં કરે. આ જ વાતો માર્ચ, 2024માં કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે પણ જણાવવામાં આવી. પરંતુ તેમ છતાં અહીં USCIRFએ એ જ મુસ્લિમવિરોધી કાયદાનો પ્રોપગેન્ડા ચલાવ્યો છે. 

    અહીં દલીલ છે કે કાયદામાં રોહિંગ્યા, અહમદિયા મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે. પરંતુ મૂળ વાત એ છે કે ભારત તેમનું મૂળ સ્થાન નથી. રોહિંગ્યા મૂળ બર્માના છે અને અહમદિયા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના. બીજું, દુનિયામાં અનેક ઇસ્લામિક રાષ્ટ્રો છે અને મુસ્લિમ દેશોમાં જ મુસ્લિમોની પ્રતાડના થાય? 

    આગળ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેવાઓની વકાલત કરવામાં આવી, જેમણે દિલ્હીમાં CAAના વિરોધના નામે તોફાનો કરાવ્યાં હોવાનું સરકાર પણ કોર્ટમાં કહી ચૂકી છે. CAAના વિરોધના નામે રીતસર હિંસા થઈ હતી, પણ અહીં ‘વિરોધ પ્રદર્શનો’ લખવામાં આવ્યું છે. જ્યારે આ ‘વિરોધ’ના નામે દિલ્હીમાં અનેક નિર્દોષ હિંદુઓ માર્યા ગયા હતા. 

    રામ મંદિર પર પણ ચલાવ્યો પ્રોપગેન્ડા 

    રામ મંદિરને પણ પ્રોપગેન્ડા ચલાવવામાંથી બાકાત રાખવામાં આવ્યું નથી. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ભારત સરકાર પૂજાસ્થળો પડાવી લેવામાં લાગી છે, જેમાં મસ્જિદના સ્થળે હિંદુ મંદિર બાંધવું પણ સામેલ છે. 

    અહીં સ્પષ્ટ રીતે રામ મંદિરને ટાર્ગેટ કરીને લખ્યું કે, પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી અને સરકારે બાબરી મસ્જિદના સ્થાને મંદિર બાંધી દીધું. પરંતુ એ હકીકત જણાવવામાં નથી આવી કે આ સ્થળે હજારો વર્ષોથી મંદિર હતું અને 1500ની સદીમાં બાબરના સેનાપતિએ તોડીને ત્યાં મસ્જિદ બાંધી હતી. સરકારે માત્ર એક ઐતિહાસિક ભૂલ સુધારી છે અને તે પણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ. 

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશમાં ધાર્મિક લઘુમતીઓ પર હુમલા કર્યા હોવાનું તદ્દન વાહિયાત જુઠ્ઠાણું અહીં ચલાવવામાં આવ્યું છે. જ્યારે હકીકત એ છે કે મુસ્લિમ ટોળાંએ જ અનેક ઠેકાણે રામયાત્રાઓ પર હુમલા કર્યા હતા, જેમાં ગુજરાતનું ખેરાલુ પણ સામેલ છે. જ્યાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અગાઉ જ ઇસ્લામી કટ્ટરપંથીઓએ યાત્રા પર હુમલો કર્યો હતો. એ વાતમાં બિલકુલ આશ્ચર્ય ન થવું જોઈએ કે આવી ઘટનાઓ આ અમેરિકનોના ધ્યાને આવી નથી. 

    વક્ફ પર પણ જુઠ્ઠાણું ફેલવાયું 

    અહીં વક્ફને લઈને પણ પ્રોપગેન્ડા ચલાવવમાં આવ્યો છે અને મુસ્લિમો ચિંતા વ્યક્ત કરી રહ્યા હોવાનું કહીને અધૂરી માહિતી સાથે જ્ઞાન આપવામાં આવ્યું છે. જ્યારે હકીકત એ છે કે સરકાર માત્ર અનિયંત્રિત સત્તાઓ પર લગામ લગાવી રહી છે. વક્ફ કાયદાના નામે કઈ રીતે ગમે તે સંપત્તિને વકફ સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવે છે તેના અગણિત દાખલાઓ ભૂતકાળમાં મળી ચૂક્યા છે. 

    કોઈ પણ દેશ ગેરકાયદેસર થતા ધર્માંતરણને રોકવા માટે કાયદો બનાવે જ, પણ અમેરિકાના આ ‘નિષ્ણાતો’ને અહીં પણ લઘુમતીઓ પર અત્યાચાર દેખાયો છે. તેમના માટે ધર્માંતરણ રોકવા માટે કાયદાઓ બનાવવા એ લઘુમતીઓ સાથે અન્યાય છે. 

    ‘લવ જેહાદ’ એક કોન્સ્પિરસી થિયરી નથી અમેરિકનો, એ હકીકત છે!

    આ જ રિપોર્ટ ‘લવ જેહાદ’ને એક ‘કોન્સ્પિરસી થિયરી’ ગણાવે છે. એટલે કે વાસ્તવમાં ધરાતલ પર આવું કશું જ નથી અને માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે હિન્દુત્વવાદીઓએ આ ‘લવ જેહાદ’વાળું શોધી કાઢ્યું છે એવું આ રિપોર્ટ લખનારાઓનું કહેવું છે. પરંતુ વાચકો સુપેરે જાણે છે કે દેશમાંથી દૈનિક ધોરણે આવા કેસ આવતા રહે છે, જ્યાં મુસ્લિમ યુવકો ઓળખ છુપાવીને હિંદુ યુવતીઓને ફસાવતા હોય. એટલું જ નહીં, તાજેતરમાં બરેલીની કોર્ટે પણ માન્યું કે લવ જેહાદ દેશ અને સમાજ માટે અત્યંત ઘાતક છે. ઑપઇન્ડિયા નિયમિત રીતે આવા કેસોને કવર કરતું રહે છે. 

    હેટ સ્પીચની વાત, પણ મૌલવી-મૌલાનાઓનો ઉલ્લેખ નહીં 

    અહીં હેટ સ્પીચને પણ મુદ્દો બનાવવામાં આવ્યો છે. પણ અહીં સૌથી વધુ ભડકાઉ ભાષણો કોણ આપે છે તે કહેવાની જરૂર નથી. તેમ છતાં કટ્ટરપંથી મુસ્લિમ મૌલવીઓ અને તેમના નેતાઓનાં ભડકાઉ ભાષણોનો અહીં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરથી મોદી અને શાહને મુસ્લિમવિરોધી ભાષણ આપનારા ગણાવવામાં આવ્યા છે. 

    અહીં ટી રાજા સિંઘ અને નિતેશ રાણે જેવા નેતાઓને ભડકાઉ ભાષણો આપનારા ગણાવ્યા છે. પરંતુ તેમનાં ભાષણો પહેલાં અને પછી બનેલી ઘટનાઓને છુપાવી દેવામાં આવી. બીજી તરફ, ભડકાઉ ભાષણો આપનારા મુસ્લિમ નેતાઓનો કોઈ ઉલ્લેખ નથી. જેથી એવું લાગે કે ભડકાઉ ભાષણો તો હિંદુઓ જ આપી રહ્યા છે અને લઘુમતીઓને ડરાવી રહ્યા છે. જ્યારે હકીકત શું છે એ તો સુજ્ઞ વાચક જાણે છે. 

    રિપોર્ટમાં ભારતમાં મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ પર હુમલા થતા હોવાનાં રોદણાં રડવામાં આવ્યાં છે. જેના માટે મરચમાં ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી બબાલનો સહારો લેવામાં આવ્યો અને દાવો એવો કરવામાં આવ્યો કે રમઝાન માટે એકઠા થયેલા વિદ્યાર્થીઓને હિંદુઓએ માર્યા હતા. જ્યારે વિડીયો આવ્યા પછી જાણવા મળ્યું હતું કે પહેલો હાથ મુસ્લિમ વિદ્યાર્થીઓએ ઉપાડ્યો હતો. પરંતુ તેનો અહીં કોઈ ઉલ્લેખ નથી, કારણ કે તેમ કરવામાં એજન્ડાનો ફુગ્ગો ફૂસ થઈ જાય એમ હતું. 

    અમેરિકી સંસ્થા આતંકવાદીઓને ‘એક્ટિવિસ્ટ’ જણાવવા સુધી પણ પહોંચી ગઈ છે અને દાવો કર્યો છે કે ભારતની એજન્સી રૉએ અમેરિકી શીખ એક્ટિવિસ્ટની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત શીખ ફોર જસ્ટિસ નામના સંગઠનના પ્રમુખ ગુરપતવંત સિંઘ પન્નુની છે, જે ભારતમાં એક ઘોષિત આતંકવાદી છે. 

    ટૂંકમાં કહીએ તો આ આખા રિપોર્ટમાં અડધી-અધૂરી માહિતી, ખોટાં તથ્યો અને એજન્ડાને અનુરૂપ વિગતોને આવરી લઈને ભારતને બદનામ કરવા માટે પ્રોપગેન્ડા ચલાવવામાં આવ્યો છે, તેનાથી વિશેષ કશું જ નથી. જેમાં અમુક ઘટનાઓને બતાવીને કહી દેવામાં આવ્યું કે ભારતમાં આવું થાય છે, પરંતુ આખું ચિત્ર ક્યાંય રજૂ કરવામાં ન આવ્યું. ઉપરથી મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવતા ગુનાઓથી સદંતર અંતર બનાવી લેવામાં આવ્યું, કારણ કે તેમ કરવાથી તો આ રિપોર્ટ જ કચરાપેટીમાં ફેંકી દેવો પડ્યો હોત. જોકે, એ તો આમ પણ ત્યાં જ ફેંકવાનો રહે છે. તે સિવાય તેનું બીજું કોઈ સ્થાન નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં