Sunday, May 5, 2024
More
    હોમપેજદેશભારતીય નાગરિકોને અસર નહીં કરે CAA, મુસ્લિમોને ટાર્ગેટ કરાયાની વાતો તથ્યવિહિન: જાણો...

    ભારતીય નાગરિકોને અસર નહીં કરે CAA, મુસ્લિમોને ટાર્ગેટ કરાયાની વાતો તથ્યવિહિન: જાણો શા માટે લવાયો કાયદો, એક ક્લિકથી તમામ ભ્રમ કરો દૂર

    આ કાયદો માત્ર ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર, 2014 પહેલાં પ્રતાડિત થઈને આવેલા ત્યાંના લઘુમતીઓ (હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તી) માટે જ લાગુ પડે છે. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે (11 માર્ચ, 2024) નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવાની જાહેરાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે નોટિફિકેશન બહાર પાડતાંની સાથે જ દેશભરમાં આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો અને તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાનો વધુ એક વાયદો પૂરો કર્યો. હવે દેશભરમાં આ કાયદા વિશે ચર્ચા ચાલી રહી છે. 

    CAA વર્ષ ડિસેમ્બર, 2019માં સંસદનાં બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગતિ અને કાયદો બન્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિ ભવનના ગેઝેટ અનુસાર, ગૃહ મંત્રાલય તેને લાગુ કરવાની અધિસૂચના બહાર પાડે ત્યારબાદ તે લાગુ કરવામાં આવે છે. દરમ્યાન, દેશભરમાં આ કાયદા વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવીને પ્રદર્શનો પણ કરવામાં આવ્યાં અને મહિનાઓ સુધી દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનો ચાલ્યાં. આ જ પ્રદર્શનના નામે પછીથી રાજધાનીમાં હિંદુવિરોધી હિંસા થઈ. ત્યારબાદ કોરોના મહામારી આવવાના કારણે ગૃહ મંત્રાલય નિયમો બનાવીને અધિસૂચના બહાર પાડી શક્યું ન હતું. 

    ઘણા સમયથી CAA લાગુ કરવાની ચર્ચા ચાલતી હતી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક વખત કહી ચૂક્યા હતા કે તે દેશનો કાયદો છે અને ચૂંટણી પહેલાં જ લાગુ થશે. એક તરફ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોદી સરકારે આખરે ‘માસ્ટરસ્ટ્રોક’ ખેલી દીધો અને CAA માટે અધિસૂચના જાહેર કરી દેવામાં આવી. 

    - Advertisement -

    CAA (સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ) એટલે કે નાગરિકતા સંશોધન કાયદો- 2019 એ ખરેખર 1955ના નાગરિકતા કાયદામાં કરવામાં આવેલું એક સંશોધન છે. CAA નાગરિકતા કાયદો- 1955ની કલમ 6(B)માં સુધારો કરવા માટે લાવવામાં આવ્યો હતો, જેથી ત્રણ પાડોશી દેશો- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી પ્રતાડિત થઈને આવેલા ત્યાંના લઘુમતીઓને (હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી) નાગરિકત્વ આપી શકાય. 

    આટલી પ્રસ્તાવના બાદ હવે વિગતે જાણીએ. 

    શા માટે લાવવો પડ્યો આ કાયદો?

    ભારતના ત્રણ પાડોશી દેશો- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઇસ્લામિક રાષ્ટ્રો છે. એટલે કે તેમનો રાજ્યધર્મ (સ્ટેટ રિલિજિયન) ઈસ્લામ છે. અહીં ત્રણેય દેશોમાં મુસ્લિમો બહુમતીમાં છે. જેથી ત્યાં લઘુમતીઓ હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તી થયા. 

    દેશના ભાગલા પડ્યા ત્યારબાદ આ દેશોમાંથી ત્યાંના લઘુમતીઓ ધાર્મિક આધારે ભેદભાવનો સામનો કરીને શરણ લેવા માટે ભારતમાં આવી ગયા હતા. તેમના માટે ભારત સિવાય બીજો કોઈ આશરો નથી. આવા લોકોને ભારતમાં નાગરિકતા પ્રદાન કરવા માટે 2019માં આ કાયદો લાવવામાં આવ્યો હતો. 

    નિયમ કોને લાગુ પડશે? 

    આ નિયમ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ કે જૈન વ્યક્તિ, જેણે 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ કરી લીધો હોય અને જેમને પાસપોર્ટ એક્ટ, 1920ની કલમ 3(2)(C) હેઠળ અને ફોરેનર્સ એક્ટ, 1946ની જોગવાઈઓ હેઠળ બનાવવામાં આવેલ નિયમો કે આદેશોમાંથી છૂટ મળી હોય, તેઓ નાગરિકત્વ પ્રાપ્ત કરી શકશે.

    નોંધનીય છે કે પાસપોર્ટ એક્ટમાં ભારતમાં પ્રવેશ માટે અમુક જરૂરી દસ્તાવેજોની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે ફોરેનર્સ એક્ટમાં પણ કોને વિદેશી નાગરિકો ગણવા અને કોણ ગેરકાયદેસર, તે માટેના નિયમો છે. 

    ભારતમાં વિદેશી નાગરિકોને નાગરિકત્વ તો બીજા નિયમો અનુસાર પણ મળે છે, આ કાયદાની શું જરૂર પડી? 

    ભારતમાં કોઇ પણ વિદેશી નાગરિક જો નિયમો અનુસાર પાત્રતા ધરાવતો હોય તો તેને નાગરિકતા આપવામાં આવે છે, પરંતુ તેના અમુક નિયમો છે. જેમકે, જે વ્યક્તિ નાગરિકતા માટે અરજી કરે તે અરજી કર્યા પહેલાંના 12 મહિના (1 વર્ષ)થી ભારતમાં રહેતો હોવો જોઈએ અને અરજી કર્યાના 12 મહિના પહેલાં પણ છેલ્લાં 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં રહ્યો હોવો જોઈએ. આ નિયમને સામાન્ય ભાષામાં 11+1નો નિયમ કહેવાય છે. કુલ મળીને વ્યક્તિ 12 વર્ષ ભારતમાં રહ્યો હોય અને અન્ય બીજી કેટલીક પાત્રતા ધરાવતો હોય તો તેને નિયમો અનુસાર નાગરિકતા આપવામાં આવે છે. 

    આ નવો કાયદો ત્રણ દેશોમાંથી પ્રતાડિત થઈને આવેલા ત્યાંના લઘુમતીઓ માટે આ નિયમ 1+5 વર્ષનો કરી દેશે. એટલે કે જે-તે વ્યક્તિ અરજી કર્યા પહેલાંના 1 વર્ષથી ભારતમાં રહેતો હોવો જોઈએ અને છેલ્લાં 14માંથી ઓછામાં ઓછાં 5 વર્ષ ભારતમાં રહ્યો હોવો જોઈએ. 

    તમામ કાયદેસર શરણાર્થીઓ (જેમની પાસે ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે) તેઓ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે પહેલાં પણ અરજી કરી શકતા હતા અને પછી પણ કરી શકશે. CAA આ સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં લાવે. પરંતુ ત્રણ પાડોશી દેશોમાંથી આવેલા અમુક લઘુમતીઓ એવા છે જેમની પાસે ડોક્યુમેન્ટ પૂરતાં નથી કે બિલકુલ નથી, કે પછી એક્સપાયર થઈ ગયાં છે, અથવા જેમણે ધર્મના આધારે ભેદભાવનો સામનો કરીને ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં પ્રવેશ મેળવ્યો છે. તેવા શરણાર્થીઓને CAAથી મદદ મળશે. 

    CAA હેઠળ આવા લોકોને 1955ના સિટિઝનશિપ એક્ટમાં સમાવેશિત ‘ગેરકાયદેસર શરણાર્થી’ની વ્યાખ્યામાંથી બાકાત કરવામાં આવ્યા છે. જેથી ખાસ જોગવાઇ હેઠળ તેઓ 6 વર્ષમાં નાગરિકતા મેળવી શકશે, જે અન્ય વિદેશી નાગરિકો માટે 12 વર્ષ છે.

    શું અન્ય કોઇ દેશમાંથી હિંદુઓ ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવ્યા હોય તો તેમને CAAનો લાભ મળશે? 

    આ કાયદો માત્ર ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર, 2014 પહેલાં પ્રતાડિત થઈને આવેલા ત્યાંના લઘુમતીઓ (હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તી) માટે જ લાગુ પડે છે. 

    તે સિવાયના બાકીના તમામ લોકો જો ભારતની નાગરિકતા લેવા ઇચ્છતા હોય તો તેમણે સિટિઝનશિપ એક્ટ, 1955 હેઠળના નિયમો અનુસાર (11+1) નાગરિકતા મેળવવી પડશે. CAA તેમને મદદરૂપ થશે નહીં.

    આ ત્રણ દેશો જ કેમ અને માત્ર ધાર્મિક ભેદભાવનો સામનો કરીને આવેલા શરણાર્થીઓ જ કેમ?

    CAAમાં જોગવાઈ અનુસાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ નાગરિકતા મેળવી શકશે. આ ચોક્કસ જોગવાઈઓ માટે સરકારનું કહેવું છે કે આ ત્રણ દેશોમાં ત્યાંનાં બંધારણમાં એક ચોક્કસ ધર્મને (ઈસ્લામને) ‘સ્ટેટ રિલિજિયન’ બનાવવામાં આવ્યો છે. જ્યાં અન્ય ધર્મના અનુયાયીઓએ ધાર્મિક ભેદભાવો અને પ્રતાડના સહન કર્યાં છે. આ એક ચોક્ક્સ પરિસ્થિતિ માટે જ CAA લવાયો છે, જેથી આવા લોકો સાથે ન્યાય થઈ શકે.

    કાયદો કોઇ ભારતીય નાગરિકને અસર કરતો નથી 

    આટલી વિગતો પરથી સ્પષ્ટ છે કે આ કાયદો કોઇ પણ રીતે કોઇ પણ ભારતીય નાગરિકને દૂર-દૂર સુધી અસર કરતો નથી. તે પછી હિંદુ હોય કે મુસ્લિમ કે અન્ય કોઇ પણ ધર્મનો. ભારતના બંધારણમાં જેટલા અધિકારો દેશના નાગરિકોને પ્રાપ્ત છે તે મળતા જ રહેશે અને CAAથી તેમાં કોઇ ફેર પડશે નહીં. ભારતમાં રહેતા મુસ્લિમોને આ કાયદો કોઇ પણ રીતે અસર કરતો નથી. તેની જોગવાઈઓ અમુક ચોક્કસ લોકો માટે છે, જેઓ અન્ય દેશોમાંથી ધાર્મિક ભેદભાવના આધારે પ્રતાડિત ભારતમાં શરણ લેવા માટે આવ્યા છે. 

    શું આ કાયદો મુસ્લિમવિરોધી છે? ના 

    2019માં કાયદો પસાર કરવામાં આવ્યા બાદ અને હવે લાગુ થયા બાદ અમુક ઇસ્લામી-વામપંથી નેતાઓ રાજનીતિક ફાયદા માટે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને દાવા કરવામાં આવી રહ્યા છે કે કાયદામાં ધાર્મિક આધાર પર ભેદભાવ દાખવીને મુસ્લિમો સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને તે ‘મુસ્લિમવિરોધી’ છે. પરંતુ વાસ્તવિકતા એ નથી. 

    CAA હેઠળ મુસ્લિમ સમુદાયને સમાવવામાં ન આવવાનું કારણ એ છે કે જે ત્રણ પાડોશી દેશોના લઘુમતી નાગરિકો માટે આ કાયદો લાવવામાં આવ્યો છે ત્યાં મુસ્લિમો બહુમતીમાં છે અને તેમને પોતાના જ દેશમાં પ્રતાડિત કરવામાં આવે એ શક્ય નથી. 

    આ કાયદાનો અર્થ એવો પણ નથી કે પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી આવેલા મુસ્લિમો ભારતમાં નાગરિકત્વ પ્રાપ્ત ન કરી શકે. તેઓ CAA આવ્યા પહેલાં પણ નાગરિકતા મેળવી શકતા હતા અને પછી પણ મેળવી શકશે. પરંતુ તેમણે વિદેશી નાગરિકો માટેના નિયમ અનુસાર 11+1=12 વર્ષના નિયમ પ્રમાણે નાગરિકત્વ પ્રાપ્ત કરવાનું રહેશે, CAA હેઠળના વિશેષાધિકાર પ્રાપ્ત થશે નહીં. 

    શું આ ત્રણ દેશોમાંથી આવેલા કોઇ મુસ્લિમ શરણાર્થીને CAA હેઠળ પોતાના દેશમાં ડિપોર્ટ કરી દેવાશે? ના. 

    CAAને ડિપોર્ટેશન સાથે કશું જ લાગતું-વળગતું નથી. કોઇ પણ વિદેશી નાગરિક (ધર્મ કે દેશને ધ્યાનમાં લીધા વગર)ને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ફોરેનર્સ એક્ટ, 1946 અને પાસપોર્ટ એક્ટ, 1920 હેઠળ હાથ ધરવામાં આવે છે. ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ભારતમાં ગેરકાયદેસર રહેતા કોઇ પણ વિદેશી નાગરિક માટે લાગુ કરવામાં આવી શકે, પરંતુ તે પહેલાં પૂરતી તપાસ કરવામાં આવે છે.

    અન્ય એક જુઠ્ઠાણું એવું પણ ફેલાવવામાં આવી રહ્યું છે કે CAAથી ભારતમાં મુસ્લિમોને નાગરિકત્વ પ્રાપ્ત કરવામાંથી બાકાત કરી દેવામાં આવશે. પરંતુ તે પણ સત્ય નથી. કારણ કે આ કાયદો ભારતના નાગરિકોને લાગુ જ નથી પડતો. 

    વચ્ચે એવું પણ ચલાવવામાં આવ્યું હતું કે CAA પછી NRC આવશે અને મુસ્લિમો સિવાયના તમામ શરણાર્થીઓને નાગરિકત્વ આપીને મુસ્લિમોને ડિટેન્શન કેમ્પમાં મોકલી આપવામાં આવશે. પરંતુ હકીકત એ છે કે CAA અને NRC બંને ભિન્ન છે અને બંને વચ્ચે કોઇ સંબંધ નથી. આ દાવાઓમાં કોઇ વાસ્તવિકતા નથી અને માત્ર ભડકાવવા માટે કરવામાં આવી રહ્યા છે. 

    ભારતમાં અન્ય શરણાર્થીઓ પણ રહે જ છે

    પ્રશ્ન એવો પણ થશે કે શું સંયુક્ત રાષ્ટ્રના એક સભ્ય તરીકે પોતાના દેશમાં આવેલા શરણાર્થીઓને આશરો આપવો ભારતની જવાબદારી નથી? જેની ઉપર સરકાર કહે છે કે, હાલ દેશમાં 2 લાખ શ્રીલંકન તમિલો અને તિબેટિયનો રહે છે. 15 હજાર અફઘાનો જ્યારે 20-25 હજાર રોહિંગ્યા રહે છે અને અન્ય કેટલાક દેશોના હજારો શરણાર્થીઓ ભારતમાં રહે જ છે. પરંતુ અનુમાન છે કે જ્યારે પોતાના દેશમાં સ્થિતિ સુધરશે ત્યારે તેઓ પરત ફરશે. ભારતે UN કન્વેન્શન ઑફ 1951 અને UN પ્રોટોકોલ ઑફ 1967 પર હસ્તાક્ષર કર્યા નથી. વધુમાં, આવા શરણાર્થીઓને ફરજિયાત નાગરિકત્વ આપવા માટે ભારત બંધાયેલું નથી. નાગરિકત્વ માટે દરેક દેશના નિયમ જુદા હોય છે, ભારતના પણ પોતાના નિયમો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં