ફેક્ટચેકના નામે હિંદુ વિરોધી પ્રોપેગેન્ડા ચલાવનાર ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર (Mohammad Zubair) વિરુદ્ધ વધુ એક એફઆઈઆર (FIR) ચર્ચામાં આવી છે. જોકે, આ એફઆઈઆર 10 મહિના પહેલાં ઉત્તપ્રદેશના લખીમપુર ખીરીમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે.
મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ આ એફઆઈઆર ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુદર્શન ન્યૂઝના લખીમપુર ખીરી બ્યુરો ચીફ આશિષ કુમાર કટિયારે કોર્ટના માધ્યમથી નોંધાવી હતી. જોકે, તેમણે આ માટે મે 2021 માં પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસે એફઆઈઆર દાખલ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આખરે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ ઝુબૈર પર આઈપીસીની કલમ 153-A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆરમાં (FIR) ફરિયાદી આશિષ કટિયારે ઝુબૈર પર આખી દુનિયાના મુસ્લિમોને ભારત વિરુદ્ધ એક કરવા અને કોરોના જેવા સંકટકાળમાં પણ સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ફરિયાદમાં ટ્વિટરને પણ આરોપી બનાવ્યું છે.
ફરિયાદમાં આશિષ કુમારે જણાવ્યું કે, ‘ઝુબૈરે 14 અને 15 મે 2021ના રોજ સુદર્શન ન્યૂઝ પર પ્રસારિત એક ગ્રાફિક્સને મદીનાની અલ-નવાબી મસ્જિદ બતાવીને આખા દેશમાં સાંપ્રદાયિક માહૌલ બગાડવાનો પત્યાસ કર્યો હતો. આ ગ્રાફિક્સ સુદર્શન ન્યૂઝ પર ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ 2021 પર આધારિત એક શૉ દરમિયાન પ્રતીકાત્મક તસ્વીર તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને જેને ઝુબૈરના દાવા સાથે કોઈ સબંધ નથી. ઝુબૈરે આમ કરીને દુનિયાભરમાં ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે.’
ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા ફરિયાદી આશિષ કટિયારે કહ્યું કે, “10 મહિનાથી કેસ પેન્ડિંગ રહ્યો, પરંતુ આખરે દિલ્હી પોલીસ અને સીતાપુર પોલીસની કાર્યવાહી બાદ હવે લખીમપુર ખીરી પોલીસે (Lakhimpur Kheri Police) પણ ઝુબૈર પર કાર્યવાહી શરૂ કરી છે. ખીરી પોલીસે મને જણાવ્યું કે ઝુબૈરની કસ્ટડી સબંધિત કાગળો સબંધિત અધિકારીઓ અને કોર્ટ સુધી જમા કરી દેવામાં આવ્યા છે. જલ્દીથી જ ઝુબૈરે ખીરીમાં આવવું પડશે.”
ઑપઇન્ડિયા સાથે વાત કરતા ખીરી પોલીસના SHO મોહમ્મદીએ કહ્યું, “અમે સીતાપુર જેલમાં વોરન્ટ બી દાખલ કરી દીધું છે. આગળ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.” ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ આરોપી વિરુદ્ધ અન્ય પોલીસ મથકો, જિલ્લાઓ કે રાજ્યોમાં કેસ દાખલ હોય ત્યારે તેની કસ્ટડી મેળવવા માટે પોલીસ વોરંટ B દાખલ કરે છે.
ઉલ્લેખનીય છે કે હિંદુ સંતોના અપમાન બદલ ઝુબૈર પર યુપીના સીતાપુરમાં એક એફઆઈઆર દાખલ થઇ હતી. જે મામલે સુપ્રીમ કોર્ટે ઝુબૈરને પાંચ દિવસ માટે વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોકે, ઝુબૈર વિરુદ્ધ દિલ્હીમાં અન્ય એક કેસ દાખલ હોઈ તે કસ્ટડીમાં જ રહેશે.