પાડોશી ઇસ્લામી દેશ બાંગ્લાદેશ ફરી એક વખત અરાજકતા અને અવ્યવસ્થા હેઠળ ધકેલાઈ રહ્યો છે. પાછલા થોડા દિવસમાં અહીં ઘણી ઘટનાઓ બની રહી છે, જેનાથી કાયદો-વ્યવસ્થાને અસર પહોંચી છે. ત્રણ દિવસથી પાટનગર ઢાકા ઉપરાંત ગાઝીપુર, બ્રાહ્મણબારિયા, નારાયણગંજ, મુન્શીગંજ સહિત દેશભરમાં ક્રૂડ બોમ્બ વિસ્ફોટો, બસ-ટ્રેનને આગચંપી, ગ્રામીણ બેંકની શાખાઓ પર હુમલા અને રસ્તા રોકવાની ઘટનાઓ છાપાં-ન્યૂઝ ચેનલોની હેડલાઈન બની રહી છે. બીજી તરફ આગામી 17 નવેમ્બરના રોજ બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના વિરુદ્ધ જે આરોપો લાગ્યા છે તે મામલે પોતાનો ચુકાદો આપશે. તે પહેલાં શેખ હસીનાએ ઘણી ભારતીય ચેનલોને, મીડિયા સંસ્થાઓને ઇન્ટરવ્યુ પણ આપ્યા છે.
એક પછી એક તમામ ઘટનાક્રમો પર નજર કરીએ.
બાંગ્લાદેશમાં 12 નવેમ્બર સુધીમાં દેશભરમાં 17 જગ્યાએ ક્રૂડ બોમ્બ ફૂટ્યા છે. તેમાંથી ગ્રામીણ બેંકના હેડક્વાર્ટર્સ આગળ, બ્રાહ્મણબારિયામાં ગ્રામીણ બેંકની શાખામાં, સેન્ટ જોસેફ સ્કૂલ-કોલેજના પુરોહિતોના ઘર આગળ, ઢાકા-મયમનસિંઘ હાઈવે પર પાંચ ખાલી બસોને આગ ચાંપવામાં આવી, તેજગાંવમાં એક ટ્રેન અને બસને આગ લગાવવા જેવા હિંસાના વિવિધ મામલા સામે આવી ચૂક્યા છે.
Massive protests are going on against Dictator Yunus in Dhaka Bangladesh. pic.twitter.com/mnyVXLVH61
— War & Gore (@Goreunit) November 12, 2025
ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં પણ બોમ્બ ફૂટ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાઓ બાદ ઢાકાના રસ્તાઓ સૂમસામ બની ગયા છે અને ટ્રાફિક 50%થી પણ ઓછો થઈ ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હિંસાની ઘટનાઓના પગલે શાળાઓએ ઑનલાઇન ક્લાસ શરૂ કરી દીધા છે. પોલીસે ઢાકામાંથી આવામી લીગના 44 સભ્યો અને નારાયણગંજમાંથી 29 સભ્યોની ધરપકડ કરી છે. આ સિવાય પોલીસે મોટી માત્રામાં ક્રૂડ બોમ્બ-પેટ્રોલ બોમ્બ જપ્ત કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. સરકારે 17,000થી વધુ પોલીસ, બીજીબી અને આર્મીના જવાનો તૈનાત કર્યા છે. ઉપરાંત વચગાળાના નેતા મુહમ્મદ યુનુસના નિવાસસ્થાન તરફ જતાં વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
શેખ હસીના સામે શું છે આરોપો?
જુલાઈ 2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના નામે જે હિંસક પ્રદર્શનો થયાં તે આખરે 5 ઑગસ્ટ, 2024ના રોજ સત્તાપલટાનું કારણ બન્યાં. તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભાગવું પડ્યું અને ભારતમાં શરણ લીધું. હાલ પણ તેઓ ભારતમાં જ રહે છે. શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ નોબેલ પારિતોષિક વિજેતા અને અમેરિકન ડીપ સ્ટેટની કઠપૂતળી મનાતા મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકાર રચવામાં આવી. ત્યારથી આ જ સરકાર સત્તામાં છે. 2026માં બાંગ્લાદેશમાં ચૂંટણીઓ થશે તેવી ઘોષણા પહેલાં જ થઈ ચૂકી છે.
શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા બાદ તેમની વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે પૂર્વ ગૃહ પ્રધાન અને તત્કાલીન ઇન્સ્પેક્ટર જનરલ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તમામને ભાગેડુ ઘોષિત કરવામાં આવ્યા બાદ કોર્ટે સુનાવણી શરૂ કરી હતી. ટ્રાયલ ઑક્ટોબર 2025ના અંત સુધી ચાલી અને હવે આગામી 17 નવેમ્બરથી કોર્ટ ચુકાદો આપવાનું શરૂ કરશે તેમ જણાવવામાં આવ્યું છે.
શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા પહેલાં હિંસક પ્રદર્શનો થયાં હતાં તેનો આરોપ તેમની ઉપર જ મૂકવામાં આવ્યો છે. આ જ મામલે કુલ પાંચ આરોપો લગાવવામાં આવ્યા છે. હસીના, પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન અને પૂર્વ આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ-મામુન પર પાંચ મુખ્ય આરોપ છે.
હસીના અને તેમના સાથીઓ વિરુદ્ધ આરોપોમાં નાગરિકો સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ટોર્ચર અને અન્ય અમાનવીય કૃત્યોનો સમાવેશ થાય છે. આરોપ છે કે હસીનાના આદેશ પર તત્કાલીન સરકારના અધિકારીઓએ ‘નિશસ્ત્ર, નિર્દોષ વિદ્યાર્થીઓના સમૂહ પર સિસ્ટેમેટિક રીતે હુમલા’ કર્યા હતા. બીજો એવો આરોપ છે કે હસીનાએ વિદ્યાર્થીઓના વિરોધને ડામવા જીવલેણ હથિયારોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.
ત્રીજો આરોપ છે કે હસીના સરકારે રંગપુરની એક યુનિવર્સિટી પાસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થી અબુ સઈદની હત્યા કરી હતી. ચોથો આરોપ એવો છે કે શેખ હસીનાએ ઉશ્કેરણીજનક અને ‘પ્રોવોકેટિવ’ નિવેદનો આપ્યાં હતાં. પાંચમો આરોપ છે કે ઑગસ્ટ 2024માં ઢાકાના ચાંખરપુલ વિસ્તારમાં 6 નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.
શેખ હસીનાએ ભારતીય મીડિયાને શું કહ્યું?
નોંધનીય છે કે શેખ હસીનાને ભારત આવ્યે 15 મહિના થઈ ચૂક્યા છે. તેઓ ભારતમાં એક અજ્ઞાત સ્થળે રહે છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર અનેક વખત તેમને પ્રત્યાર્પિત કરવા માટે હવાતિયાં મારી ચૂકી છે, પણ ભારત સરકાર ખાસ ધ્યાન આપતી નથી. અત્યાર સુધી શેખ હસીનાએ મીડિયા સાથે કોઈ પ્રકારની વાતચીત કરી ન હતી, પણ તાજેતરમાં તેમણે અમુક ચેનલોને ઇન્ટરવ્યુ આપ્યા. જેમાં તેમણે જણાવ્યું કે તેઓ બાંગ્લાદેશ પરત ફરવા માગે છે, પરંતુ પહેલાં મુક્ત, ન્યાયી રીતે ચૂંટણી થાય એ જરૂરી છે.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેના અન્ય એક ઈન્ટરવ્યુમાં હસીનાએ કહ્યું કે જો તક આપવામાં આવે તો તેમનો પક્ષ, આવામી લીગ, દેશની આગામી સંસદીય ચૂંટણીઓમાં ચોક્કસપણે ભાગ લેશે. તેમણે 15 જુલાઈથી 5 ઓગસ્ટ, 2024 દરમિયાન તેમની સરકાર વિરુદ્ધ થયેલાં વિશાળ વિરોધ પ્રદર્શન દરમિયાન ‘હજારો નાગરિકો’ની હત્યા માટે ‘નેતૃત્વની જવાબદારી’ પણ સ્વીકારી છે.
PTIને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ચૂંટણી વખત થોપી બેસાડવામાં આવેલી યુનુસ સરકાર પર આરોપ મૂક્યા છે. તેમણે કહ્યું કે, “આ વહીવટ ભારત સાથેના સંબંધોને જોખમમાં મૂકી રહ્યો છે અને ઉગ્રવાદી તાકાતોને સત્તા આપી રહ્યો છે.” પોતાની વિદેશ નીતિની સરખામણી કરતાં તેમણે કહ્યું કે ઢાકા અને નવી દિલ્હી વચ્ચે કાયમ સંબંધો સારા જ રહ્યા છે, પણ યુનુસની મૂર્ખતાના કારણે થોડો વિરામ લાગી ગયો છે. તેમણે ખરા સમયે મદદનો હાથ લંબાવવા બદલ ભારત સરકારનો અને નાગરિકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
PTI INFOGRAPHICS | PTI Exclusive Interview with ousted former Bangladesh PM Sheikh Hasina
— Press Trust of India (@PTI_News) November 12, 2025
In an exclusive email interview with Press Trust of India from an undisclosed location in India, ousted former Bangladesh prime minister Sheikh Hasina said her return home hinges on the… pic.twitter.com/nUAVJYUcxZ
ન્યૂઝ18 સાથે વાત કરતાં તેમણે અમેરિકા પરના આરોપો ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, “મારા પદભ્રંશમાં અમેરિકાએ કોઈ જૂથોને સમર્થન આપ્યું હોવાના અહેવાલો ખોટા છે. મેં અમેરિકી પ્રશાસન સાથે હંમેશા સારા સંબંધો જાળવ્યા છે. વોશિંગ્ટન કે અન્ય વિદેશી શક્તિઓનો દેશના રાજકીય વિકાસમાં સીધો હાથ હોવાનું માનવાનું કોઈ કારણ નથી.”
નોંધનીય છે કે વર્ષ 2024 જૂન-જુલાઈ દરમિયાન વિદ્યાર્થી વિરોધના નામે એક આંદોલન શરૂ થયું હતું. જે બાદમાં હિંસક ઘટનાઓમાં ફેરવાઈ ગયું હતું. સરકારી સંપત્તિને નુકસાન, તોડફોડ, આગચંપી જેવી ઘટનાઓ રોજનો ક્રમ થઈ ગયો હતો. આ હિંસા લગભગ 1 અઠવાડિયા સુધી ચાલી હતી. ત્યારબાદ શેખ હસીનાએ દેશ છોડી દેવાની ફરજ પડી હતી.
બાંગ્લાદેશના સરકારી આંકડાઓ અનુસાર આ હિંસામાં 800થી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ 14,000 ઘાયલ થયા હતા. જોકે સંયુક્ત રાષ્ટ્રએ ફેબ્રુઆરીમાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે અથડામણોમાં લગભગ 1,400 લોકો માર્યા ગયા હોઈ શકે છે. અહીં એ ખાસ નોંધવા જેવું છે કે આ હિંસા બાદમાં હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગઈ હતી. હિંદુઓનાં મંદિરો, ઘરો, દુકાનો અને શોરૂમ પર હુમલા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. આ સિવાય હિંદુ દેવતાઓની મૂર્તિઓ પણ ખંડિત કરવામાં આવી હતી.
હિંદુ મહિલાઓ અને દીકરીઓનું અપહરણ તેમની સાથે અત્યાચારો જેવા મામલા સામે આવી ચૂક્યા છે. આ સિવાય તાજેતરમાં જ અહેવાલ સામે આવ્યા છે કે હિંદુ સેવાભાવી સંગઠન ISKCONને કટ્ટરપંથી સંગઠન જાહેર કરવાની માંગો ઉઠી હતી. આ તમામ ઘટનાઓ પર ઑપઇન્ડિયાએ વિગતવાર લખ્યું છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


