Wednesday, April 1, 2026
More
    હોમપેજદુનિયાસાઉદીમાં વિદેશથી આવીને કામ કરતા લાખો કામદારોના શોષણનો પર્યાય બનેલી 'કફાલા સિસ્ટમ'...

    સાઉદીમાં વિદેશથી આવીને કામ કરતા લાખો કામદારોના શોષણનો પર્યાય બનેલી ‘કફાલા સિસ્ટમ’ સમાપ્ત: શું હતી આ સિસ્ટમ, હવે શું આવશે પરિવર્તન

    ઘણા સમયથી વિવાદોમાં રહેલી સિસ્ટમ સાઉદી અરેબિયાએ ખતમ કરી, હવે શ્રમિકો મુક્તપણે કામ કરી શકશે.

    - Advertisement -

    સાઉદી અરેબિયાએ 5 દાયકાથી ચાલી આવતી કફાલા સિસ્ટમને સત્તાવાર રીતે ખતમ કરી નાખી છે. કફાલાનો અર્થ થાય ‘સ્પોન્સરશિપ’. વર્ષોથી ગુલામી પ્રથાની પર્યાય જેવી ગણાતી આ સિસ્ટમના કારણે લાખોની સંખ્યામાં આવીને કામ કરતા વિદેશી શ્રમિકો જાણે કેદમાં હતા, પરંતુ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નિર્દેશથી સિસ્ટમ સમાપ્ત કરવામાં આવી હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું છે. લગભગ 13 લાખથી વધુ કામદારોને આ નિર્ણયની અસર થશે તેવું અહેવાલો જણાવી રહ્યા છે.

    શું હતી કફાલા સિસ્ટમ

    કફાલા સિસ્ટમની શરૂઆત 1950ના દાયકામાં થઈ હતી. તે સમયે સાઉદી અરેબિયા જેવા ખાડીના દેશોમાં તેલના ખોદકામથી આર્થિક વિકાસ થઈ રહ્યો હતો. આ વિકાસ માટે દેશની વસ્તી વધાર્યા વિના સરળતાથી મળી રહે તેવા શ્રમિકોની જરૂર ઊભી થઈ. તેથી આ સિસ્ટમ બનાવવામાં આવી હતી. જેમાં દરેક વિદેશી મજૂરને એક સ્થાનિક ‘કફીલ’ (સ્પોન્સર) સાથે બાંધી દેવામાં આવતો હતો. આ કફીલ મોટેભાગે મજૂરનો નોકરીદાતા જ હોય છે.

    સરળ શબ્દોમાં કહીએ તો, મજૂરનું વિઝા, રહેઠાણ અને કામનું અધિકાર બધું કફીલના હાથમાં હતું. મજૂર કફીલની પરવાનગી વિના ન નોકરી બદલી શકે, ન દેશ છોડી શકે કે ન કાયદાકીય મદદ લઈ શકતો હતો. આ સિસ્ટમનો હેતુ હતો કે સરકારને વધારાનું કામ ન પડે અને મજૂરોને ખાનગી કંપનીઓ કંટ્રોલ કરે. પરંતુ વાસ્તવમાં આ સિસ્ટમના કારણે મજૂરો કફીલના ‘ગુલામ’ જેવા બની જતા હતા. આ સિસ્ટમ માત્ર સાઉદીમાં જ નહીં, કતાર, કુવૈત અને જોર્ડન જેવા દેશોમાં પણ ચાલતી હતી.

    - Advertisement -

    કફાલા સિસ્ટમ અને શ્રમિકોનું શોષણ

    આ સિસ્ટમ કાગળ પર એટલી શોષણદાયી નથી લગતી, પણ વાસ્તવમાં તે મજૂરો માટે ભયાનક જેલખાના સમાન હતી. કારણ કે મજૂરની સંપૂર્ણ લગામ કફીલના હાથમાં આવી જતી, જેના કારણે શોષણના અનેક કિસ્સા સામે આવતા હતા. એવું સામે આવી ચૂક્યું છે કે કફીલો શ્રમિકોના પાસપોર્ટ રાખી લેતા. જેથી શ્રમિકો પોતાના દેશ પાછા ફરી શકતા નહીં અને તેમના માટે ક્યાંય પણ જવું મુશ્કેલ બની જતું હતું.

    આ ઉપરાંત કફીલો માસિક પગાર ન આપે અથવા ઘણા મહિના પછી આપે એવા કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. પગાર મોડો થવાથી મજૂરો પોતાના પરિવારને નાણાં મોકલી શકતા નહીં, જેનાથી તેઓ ભૂખ અને ગરીબીમાં જીવવા મજબૂર બનતા હતા. આ સિવાય મજૂરોને નિશ્ચિત કલાકો કરતા વધુ કલાકો સુધી કામ કરાવવામાં આવતું, ખાનગી જગ્યામાં રહેવું પડતું અને શારીરિક અથવા માનસિક અત્યાચાર સહન કરવા પડતા હતા.

    જો મજૂરો આ અત્યાચારનો વિરોધ કરે તો તેમનો દેશનિકાલ કરવાની ધમકી આપી દેવામાં આવતી હતી. ખાસ કરીને મહિલા કારીગરોને આ અત્યાચારોનો વધુ ભોગ બનવું પડતું હતું, કારણ કે તેઓ ઘરમાં અલગ-થલગ જીવતા હતા અને કાયદાકીય સુરક્ષાઓ પણ ખૂબ ઓછી મળતી હતી.

    નોંધનીય છે કે માનવ અધિકાર સંસ્થાઓ જેમ કે હ્યુમન રાઇટ્સ વોચ અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) આને ‘આધુનિક ગુલામી’ ગણાવતાં હતાં. તેમની દલીલ હતી કે આ સિસ્ટમથી બળજબરીપૂર્વક કામ કરાવવા અને માનવ વેપાર કરવાનું પ્રોત્સાહન મળતું હતું. નોંધનીય છે કે સાઉદીમાં 1.34 કરોડ વિદેશી મજૂરોમાંથી ઘણા આવા શોષણનો ભોગ બન્યા, જે દેશની વસ્તીના 42% છે.

    ભારતીયો પર કફાલા સિસ્ટમની અસર

    ભારતમાંથી સાઉદી અરેબિયામાં રોજગારી માટે જતો વર્ગ ઘણો મોટો છે. વર્તમાનમાં પણ લાખોની સંખ્યામાં ભારતીય લોકો સાઉદીમાં કામ કરે છે અને મુખ્યત્વે બાંધકામ, કૃષિ, હોસ્પિટાલિટી અને ઘરેણાંના કામોમાં રોકાયેલા છે. શ્રમિકોમાં ઘણા બાંગ્લાદેશ, નેપાળ અને ફિલિપાઇન્સના લોકોનો પણ સમાવેશ છે પરંતુ ભારતીયોની સંખ્યા પણ ઠીકઠાક પ્રમાણમાં છે. તેથી અન્ય મજૂરો સાથે જે અન્યાય થતો તેમાં ભારતીયોનો પણ સમાવેશ થતો હતો.

    હવે કેમ આવ્યો બદલાવ, કયા-કયા ફેરફારો થયા

    કફાલા નાબૂદ કરવાનો નિર્ણય ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ‘વિઝન 2030’નો એક ભાગ છે. સાઉદી અરેબિયા તેલ પરની તેની નિર્ભરતા બદલીને અને વિદેશી રોકાણ આકર્ષીને તેના અર્થતંત્રને આધુનિક બનાવવા માંગે છે. માનવ અધિકાર જૂથો અને આંતરરાષ્ટ્રીય ટીકાના વધતા દબાણને કારણે પણ આ ફેરફાર જરૂરી બન્યો હતો. ઉદાહરણ તરીકે, 2022 ફિફા વર્લ્ડ કપ પહેલાં કતારે પણ તેના કાયદામાં કેટલાક ફેરફારો કર્યા હતા.

    હવે આવેલ બદલાવ અંતર્ગત હવે કામદારો પોતાના કફીલની પરવાનગી વિના નવી નોકરીમાં જોડાઈ શકશે. એક્ઝિટ વિઝા કે કફીલની સંમતિ વિના દેશ છોડી શકશે, જેથી અત્યાચારથી બચી શકશે. લેબર કોર્ટ અને ફરિયાદના વધુ સરળ માર્ગો મળશે, જેથી મજૂરો વાયોલેશનની રિપોર્ટ કરી શકશે. આ ફેરફાર લાવવાથી વૈશ્વિક સ્તરે સાઉદી અરેબિયાની છબી સુધરશે તેવી પણ ત્યાંની સરકારને આશા છે.

    આ ફેરફારોથી 1.3 કરોડ વિદેશી મજૂરોને ફાયદો થશે, જેમાં લાખો ભારતીયોનો સમાવેશ થાય છે. તેઓ વધુ સારી કામની શરતો, પગાર અને આદર સાથે કામ કરી શકશે. આનાથી સાઉદીની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે, કારણ કે કુશળ મજૂરો આકર્ષાશે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ માત્ર કાગળ પરના ફેરફાર છે. વાસ્તવિક અમલીકરણમાં સમય લાગશે. કેટલાક કફીલો હજુ પણ જૂની પદ્ધતિથી કામ કરી શકે છે. તેમની અનુસાર ‘કાયદો બદલવો’ પ્રથમ પગલું છે, પણ જમીન પર બદલાવ આવવામાં વધુ સમય લાગશે.

    જોકે, કફાલા સિસ્ટમનો અંત એ શ્રમિકો માટે ઐતિહાસિક ક્ષણ છે. તે લાખો વિદેશી કામદારોને મુક્તિ આપશે, જેથી તેઓ સ્વાભિમાન સાથે જીવી શકે. પરંતુ આ ફેરફારને અસરકારક બનાવવા માટે સાઉદી સરકારરે અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ મળીને કામ કરવું પડશે. જો આ સુધારા સફળ થયા તો ખાડીના અન્ય દેશો પણ આનું અનુસરણ કરશે તેવું અનુમાન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં