Tuesday, March 31, 2026
More
    હોમપેજદુનિયાDW ન્યૂઝ, ધ્રુવ રાઠી અને KAS: NGO, એક્ટિવિઝમના સહારે ભારત વિરુદ્ધ જર્મનીનું...

    DW ન્યૂઝ, ધ્રુવ રાઠી અને KAS: NGO, એક્ટિવિઝમના સહારે ભારત વિરુદ્ધ જર્મનીનું વૈચારિક યુદ્ધ; રાહુલ ગાંધી કેમ પહોંચ્યા હર્ટી સ્કૂલ?

    સામાન્ય રીતે જ્યારે ભારતમાં વિદેશી હસ્તક્ષેપ, 'રેજીમ ચેન્જ' (સત્તા પરિવર્તન) કે 'નેરેટિવ વોર'ની (વૈચારિક યુદ્ધ) ચર્ચા થાય છે ત્યારે આંગળીઓ સીધી અમેરિકા તરફ ઉઠે છે. CIA, USAID અને 'ડીપ સ્ટેટ' જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. પરંતુ આ જ શોરબકોર વચ્ચે એક દેશ અવારનવાર કોઈનું ધ્યાન ખેંચ્યા વગર નીકળી જાય છે– તે છે જર્મની.

    - Advertisement -

    2023માં ભારતની એક અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં દોષિત ઠેરવ્યા. તેમને સજા સંભળાવવામાં આવી અને થોડા સમય માટે તેમની લોકસભાની સદસ્યતા પણ રદ કરવામાં આવી. આ મામલો સંપૂર્ણપણે ભારતનો હતો– નાગરિકથી લઈને અદાલત અને કાયદા સુધી બધું જ ભારતીય હતું. પરંતુ આ ચુકાદા પર સૌથી પહેલું આંતરરાષ્ટ્રીય નિવેદન ભારતના કોઈ પડોશી કે વ્યૂહાત્મક હરીફ દેશ તરફથી નહીં, પણ જર્મની તરફથી આવ્યું. જર્મન વિદેશ મંત્રાલયે કહ્યું કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આશા રાખે છે કે ‘ન્યાયિક સ્વતંત્રતા’ સાથે કોઈ બાંધછોડ નહીં થાય.

    અહીંથી જ એક મોટો સવાલ ઊભો થાય છે. સવાલ એ નથી કે નિવેદન આવ્યું, પણ સવાલ એ છે કે જર્મનીને કેમ લાગ્યું કે તેણે ભારતના એક આંતરિક ન્યાયિક મામલા પર ટિપ્પણી કરવી જોઈએ? આ સવાલ આજે એ મોટી ગૂંચવણનો હિસ્સો બને છે જેને અત્યાર સુધી અવારનવાર અવગણવામાં આવતી રહી છે.

    DW ન્યૂઝ અને હિન્દી-ઉર્દૂ સ્પેસમાં જર્મની

    સામાન્ય રીતે જ્યારે ભારતમાં વિદેશી હસ્તક્ષેપ, ‘રેજીમ ચેન્જ’ (સત્તા પરિવર્તન) કે ‘નેરેટિવ વોર’ની (વૈચારિક યુદ્ધ) ચર્ચા થાય છે ત્યારે આંગળીઓ સીધી અમેરિકા તરફ ઉઠે છે. CIA, USAID અને ‘ડીપ સ્ટેટ’ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. પરંતુ આ જ શોરબકોર વચ્ચે એક દેશ અવારનવાર કોઈનું ધ્યાન ખેંચ્યા વગર નીકળી જાય છે– તે છે જર્મની.

    - Advertisement -

    BBC અને Voice of America સિવાય જો કોઈ વિદેશી શક્તિએ ભારતના હિન્દી-ઉર્દૂ સ્પેસને વ્યૂહાત્મક રીતે સાધ્યું હોય, તો તે ન રશિયા હતું, ન તો ફ્રાન્સ હતું, એ હતું– જર્મની. ડૉયચે વેલે (DW) ન્યૂઝ આનું સૌથી મોટું ઉદાહરણ છે. વર્ષ 2024માં DWના હિન્દી-ઉર્દૂ પ્લેટફોર્મને ભારતમાં 60 વર્ષ પૂર્ણ થયા. ટેક્સપેયર્સના પૈસાથી ચાલતું આ સ્ટેટ-ફન્ડેડ મીડિયા ભારતના કવરેજમાં એક સ્પષ્ટ પેટર્ન દર્શાવે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય મીડિયા અને બહુમતી સમાજ પર સતત હુમલા, કોવિડ કાળ દરમિયાન ‘out of control India’ જેવા નેરેટિવ, કાશ્મીરમાં સુરક્ષા દળોને ‘occupying force’ કહેવા અને અલગતાવાદી અવાજોને મંચ આપવાનો સમાવેશ થાય છે.

    BBCની ભારતમાં ઊંડી પકડને કૉલોનિયલ અને કોમનવેલ્થ ઈતિહાસ દ્વારા સમજી શકાય છે, પરંતુ DWની આટલી લાંબી અને સુનિયોજિત હાજરીને માત્ર સંયોગ કહી શકાય નહીં. આ જર્મનીની નવી સોફ્ટ પાવર વ્યૂહરચનાનો એક ભાગ છે, જેમાં ઓછા અવાજ સાથે પણ ઊંડી પકડ બનાવીને નેરેટિવ સેટ કરવાનું સામેલ છે.

    બીજા વિશ્વયુદ્ધ બાદનું જર્મની

    બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાએ માની લીધું હતું કે જર્મની હવે માત્ર એક વ્યાપારી ભાગીદાર બનીને રહી જશે. વાસ્તવિકતા એ છે કે શરૂઆતના અમુક ઉતાર-ચડાવ પછી જર્મની ક્યારેય હાંસિયામાં ગયું જ નથી. તેની વાપસી ટેન્કો અને મિસાઈલો સાથે નહીં, પરંતુ સંસ્થાઓ, નૈતિકતા અને લોકશાહીની ભાષા દ્વારા થઈ છે.

    યુદ્ધ પછી જર્મનીએ ‘Wandel durch Handel’ એટલે કે ‘વ્યાપાર દ્વારા પરિવર્તન’ની નીતિ અપનાવી હતી, જેમાં ઓછી રાજનીતિ, ઓછા નૈતિક ઉપદેશો અને વધારે આર્થિક-સોફ્ટ પાવર હતો. આ તેનો પ્રથમ તબક્કો હતો. હવે જર્મની પોતાની જાતને માત્ર આર્થિક શક્તિ તરીકે નહીં, પરંતુ એક ‘મોરલ સુપરપાવર’ (નૈતિક મહાશક્તિ) તરીકે રજૂ કરવા માંગે છે, જે દુનિયાને જણાવે કે લોકશાહી કેવી હોવી જોઈએ, માનવાધિકાર શું છે અને સ્વતંત્રતાની સાચી વ્યાખ્યા શું છે.

    અહીંથી જ સમસ્યા શરૂ થાય છે. જ્યારે કોઈ દેશ પોતાની જાતને નૈતિક નિર્ણાયક માની લે છે, ત્યારે બીજા દેશોની સાર્વભૌમત્વ તેને અવરોધરૂપ લાગવા માંડે છે. ભારત જેવો દેશ પોતાની લોકશાહી માટે પશ્ચિમી દેશો પાસેથી પ્રમાણપત્ર નથી ઇચ્છતો તે સ્વાભાવિક રીતે જ આ ટકરાવનું કેન્દ્ર બની જાય છે.

    અપરાધભાવથી લઈને નૈતિક દાદાગીરી સુધી

    જર્મનીની આધુનિક વિદેશ નીતિ તેના નાઝી ભૂતકાળ અને યહૂદીઓના નરસંહારના ઊંડા અપરાધભાવ સાથે જોડાયેલી છે. દાયકાઓ સુધી ચાલેલા આ અપરાધભાવમાંથી બહાર નીકળવા માટે જર્મનીએ ‘મોરલ રીબ્રાન્ડિંગ’નો (નૈતિક છબી સુધારવી) રસ્તો પસંદ કર્યો, એટલે કે પોતાની જાતને દુનિયાના ‘નૈતિક શિક્ષક’ તરીકે સ્થાપિત કરવી. સમય જતાં આ પશ્ચાતાપ હસ્તક્ષેપમાં બદલાતો ગયો. આ હસ્તક્ષેપનું પરિણામ ભારત જેવા દેશોની લોકશાહીને ‘સુધારવાની’ જીદમાં જોવા મળી રહ્યું છે.

    અમેરિકા જ્યાં ખુલ્લેઆમ સૈન્ય ઑપરેશન, સત્તાપલટો અને યુદ્ધ કરે છે; ત્યાં જર્મનીની રીત શાંત અને સંસ્થાગત છે. તે NGOs, શૈક્ષણિક નેટવર્ક, મીડિયા અને ફાઉન્ડેશનો દ્વારા પોતાની વિચારધારાનો વિસ્તાર કરે છે. આ જ કારણ છે કે જર્મની ઓછું દેખાય છે, પરંતુ પાયાના સ્તરે તેની પકડ ઘણી વધારે મજબૂત હોય છે.

    ભારતમાં જર્મનીના ફ્રન્ટ્સ (મોરચાઓ)

    ભારતમાં જર્મનીનો પ્રભાવ અનેક ચહેરાઓમાં જોવા મળે છે, જેમ કે: સિવિલ સોસાયટી, શૈક્ષણિક નેટવર્ક, મીડિયા, ડિજિટલ ઈન્ફ્લુએન્સર્સ અને ‘ડેમોક્રેટિક બેકસલાઈડિંગ’ની (લોકશાહીનું પતન) ફ્રેમ વગેરે. આ બધાના ચહેરા અલગ છે, પરંતુ દિશા એક જ છે.

    એવું પણ નથી કે કોઈનું ધ્યાન જર્મનીની આ રીતો પર ક્યારેય ગયું જ નથી. ઑપઈન્ડિયાએ જ્યારે CSDS પર રિસર્ચ કર્યું હતું ત્યારે જણાવ્યું હતું કે CSDS જેવી સંસ્થાઓ પાછળ જર્મનીની ભૂમિકા કેટલી ઊંડી છે. અમારા આ રિસર્ચ પેપરમાં તમે વાંચી પણ શકો છો કે જર્મની પોતાની સંસ્થાઓને એવા દેશોમાં સક્રિય થવા માટે ફન્ડિંગ આપી રહ્યું છે જ્યાં તેણે ‘લોકશાહી જોખમમાં છે’ એવુ માની લીધું છે.

    આ જ કારણ છે કે જર્મન વિદેશ મંત્રાલય અરવિંદ કેજરીવાલની ધરપકડ, મણિપુર હિંસા કે અન્ય ભારતીય આંતરિક બાબતો પર નિવેદન આપતા અચકાતું નથી. આ માત્ર એક રાજદ્વારી પ્રતિક્રિયા નથી, પરંતુ જર્મનીની એ નવી વિદેશ નીતિનો ભાગ છે, જેમાં ‘માનવાધિકારોની રક્ષાને દેશની પોતાની સાર્વભૌમત્વ કરતા ઉપર’ રાખવામાં આવે છે.

    રાહુલ ગાંધી, હર્ટી સ્કૂલ અને નેરેટિવ એક્સપોર્ટ

    આ સંદર્ભમાં રાહુલ ગાંધીની જર્મની યાત્રાઓને પણ જોવામાં આવે છે. તાજેતરમાં તેમણે જર્મનીની ‘હર્ટી સ્કૂલ ઓફ ગવર્નન્સ’માં (Hertie School of Governance) લેક્ચર આપ્યું હતું. આ સંસ્થા પણ નાઝી ભૂતકાળના ‘પશ્ચાતાપ’ સાથે જોડાયેલી છે. આ સ્કૂલ જે હર્ટી ફાઉન્ડેશને બનાવી હતી, તે હકીકતમાં 19મી સદીના એક મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી (Tietz department store) આવી છે. પરંતુ નાઝી કાળ દરમિયાન આ યહૂદી ટિટ્ઝ (Tietz) પરિવારની સંપત્તિ ‘આર્યીકરણ’ના (Aryanization) નામે છીનવી લેવામાં આવી હતી, જેનાથી ફાઉન્ડેશનને ફાયદો થયો હતો. આ ફાઉન્ડેશન હવે ‘પશ્ચાતાપ’ના નામે ‘લોકશાહીને મજબૂત કરવા’ માટે ભારે રોકાણ કરે છે.

    હવે આ કથિત ‘પશ્ચાતાપ’ બીજા દેશોની લોકશાહીમાં દખલગીરી કરવાનું બહાનું બની ગયું છે, જેમાં ભારત જેવા દેશોની રાજનીતિમાં પોતાની નીતિઓ અને વિચારો થોપવાનો સમાવેશ થાય છે. જ્યારે આવા મંચો પરથી રાહુલ ગાંધી ‘Institutional Capture’ (સંસ્થાઓ પર કબજો) કે ‘People will fight each other’ જેવાં નિવેદનો આપે છે, ત્યારે તે માત્ર ભાષણ નથી રહી જતાં, પરંતુ તે એક ‘નેરેટિવ પ્રચાર’ (Narrative Export) બની જાય છે. અને તેનું અસલી એન્જિન KAS (Konrad-Adenauer-Stiftung) છે.

    KAS: એક વૈચારિક એન્જિન

    કોનરાડ આડેનાઉઅર શ્ટિફ્ટુંગ (Konrad Adenauer Stiftung) જેને ટૂંકમાં KAS કહેવામાં આવે છે, તે આ આખી વાર્તાનું સૌથી મહત્વનું પાત્ર છે. આ કોઈ ન્યુટ્રલ (તટસ્થ) NGO કે સામાન્ય થિંક-ટેન્ક નથી. KAS હકીકતમાં જર્મનીની સત્તાધારી રાજકીય પરંપરાનું વૈચારિક મશીન છે, જેના મૂળ સીધા Christian Democratic Union સાથે (CDU) જોડાયેલાં છે. ખુદ KAS તેની સત્તાવાર વેબસાઇટ પર સ્પષ્ટપણે સ્વીકારે છે કે તે CDU સાથે રાજકીય રીતે જોડાયેલી (politically affiliated) સંસ્થા છે. આમાં કોઈ પડદો નથી, કોઈ સંકોચ નથી.

    આમાં નવાઈ પણ ન લાગવી જોઈએ કારણ કે CDU અને KAS, આ બંને પાછળ જે વૈચારિક આત્મા હતી, તે એક જ વ્યક્તિ હતી– કોનરાડ આડેનાઉઅર (Konrad Adenauer). જો આ એક વ્યક્તિને સમજી લેવામાં આવે, તો માત્ર આધુનિક જર્મનીની રાજનીતિને જ નહીં, પરંતુ એ પણ સમજી શકાય છે કે આજે જર્મની અનેક મોરચે આટલું બેચેન અને આક્રમક કેમ દેખાઈ રહ્યું છે.

    કોનરાડ આડેનાઉઅર: જર્મનીના પ્રથમ ચાન્સેલરની વાર્તા

    કોનરાડ આડેનાઉઅર કોઈ સાધારણ નેતા નહોતા. તેઓ બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ જર્મનીના પ્રથમ ચાન્સેલર બન્યા હતા. તેઓ નાઝી તબાહી પછી ખંડેરોમાં ફસડાઈ પડેલા જર્મનીને ફરી બેઠું કરવા અને તેને પશ્ચિમી વિશ્વના મુખ્ય પ્રવાહમાં પાછું લાવનાર ચહેરો હતા. તેમણે જર્મનીને અલગ-થલગ ન છોડ્યું. તેમણે જર્મનીને અમેરિકા અને પશ્ચિમ યુરોપ સાથે જોડ્યું, NATOમાં સામેલ કરાવ્યું અને યુરોપીયન એકીકરણનો પાયો નાખ્યો, જેની શરૂઆત ‘European Coal and Steel Community’થી (‘યુરોપિયન કોલસા અને સ્ટીલ કમિટી’) થઈ હતી. આ બધું માત્ર સત્તા કે વ્યૂહરચનાની રાજનીતિ નહોતી; તેની પાછળ એક ઊંડી વૈચારિક યોજના હતી.

    કોનરાડ ચુસ્ત રોમન કેથોલિક હતા. તેઓ આખી જિંદગી બાઇબલ વાંચતા રહ્યા અને રાજનીતિને ખ્રિસ્તી નૈતિકતાથી અલગ માનવા તૈયાર નહોતા. તેમનો વિશ્વાસ હતો કે ખ્રિસ્તી સામાજિક મૂલ્યો વિના કોઈ પણ સમાજ ટકી શકે નહીં. તેમના માટે યુરોપ માત્ર ભૌગોલિક એકમ નહીં પરંતુ એક Christian Civilization (ખ્રિસ્તી સભ્યતા) હતું અને જો તેમાંથી ખ્રિસ્તી મૂલ્યો કાઢી નાખવામાં આવે તો તે સભ્યતા ખોખલી થઈ જશે.

    આ જ કારણે બીજા વિશ્વયુદ્ધ પછી કોનરાડની નજરમાં અસલી વૈશ્વિક સંઘર્ષ હતો— ખ્રિસ્તી સભ્યતા વિરુદ્ધ માર્ક્સવાદ. તેઓ સામ્યવાદને (Communism) નાઝીવાદ જેટલો જ ખતરનાક માનતા હતા અને સોવિયત સંઘને સ્વતંત્રતા માટે સૌથી મોટો ખતરો સમજતા હતા. આ જ વિચારધારા તેમને NATO અને અમેરિકા સાથેની વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ ગઈ.

    આ જ વૈચારિક આધાર પર ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયનની (Christian Democratic Union-CDU) રચના થઈ. CDU કોઈ સામાન્ય પાર્ટી નહોતી. તેને જાણીજોઈને એવી રીતે ઘડવામાં આવી હતી કે સદીઓથી વહેંચાયેલા કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ એક મંચ પર આવી શકે અને ખ્રિસ્તી સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ કરી શકે. કોનરાડનું માનવું હતું કે રાજનીતિ ખ્રિસ્તી નૈતિકતાથી ચાલવી જોઈએ.

    વ્યવસાયે વકીલ એવા કોનરાડ 1917માં કોલોનના મેયર બન્યા હતા, પરંતુ 1933માં નાઝીઓ સત્તામાં આવતા જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. નાઝી શાસન દરમિયાન તેમને જેલમાં જવું પડ્યું હતું. 1944માં હિટલરની હત્યાના પ્રયાસ પછી ગેસ્ટાપોએ (નાઝીઓની સિક્રેટ પોલીસ) તેમની ફરી ધરપકડ કરી હતી. યુદ્ધ પછી તેઓ રાઈનલેન્ડના ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષના અધ્યક્ષ બન્યા, ત્યારબાદ બ્રિટિશ ઝોનના CDUના અધ્યક્ષ, પછી પાર્લામેન્ટરી કાઉન્સિલના પ્રમુખ અને અંતે પશ્ચિમ જર્મનીના ચાન્સેલર બન્યા.

    20 ડિસેમ્બર 1955ના રોજ CDU સાથે જોડાયેલા નેતાઓએ સોસાયટી ફોર ક્રિશ્ચિયન ડેમોક્રેટિક એજ્યુકેશનલ વર્ક (Society for Christian Democratic Educational Work) નામની સંસ્થા બનાવી, જેનો ઉદ્દેશ્ય શિક્ષણ, સંશોધન અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક દ્વારા ખ્રિસ્તી લોકશાહી વિચારધારાને ફેલાવવાનો હતો. 1964માં આ સંસ્થાનું નામ બદલીને કોનરાડ એડેનોઅર ફાઉન્ડેશન (Konrad Adenauer Stiftung-KAS) રાખવામાં આવ્યું. એટલે કે, KAS સીધી રીતે CDUના વૈચારિક વારસા અને કોનરાડ આડેનાઉઅરના વિચારોનું સંસ્થાગત વિસ્તરણ છે.

    ભારત અને દુનિયામાં KASનું વૈચારિક યુદ્ધ

    આજે આ જ KAS ભારતમાં સક્રિય છે. તે CSDS જેવી સંસ્થાઓને ફન્ડિંગ આપે છે. આ સંસ્થાઓ દ્વારા જ ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓ પર સવાલ ઉઠાવવામાં આવે છે, બહુમતી સમાજને નિશાન બનાવવામાં આવે છે અને સાર્વભૌમત્વને નબળું પાડતા નેરેટિવ ઘડવામાં આવે છે. અહેવાલો મુજબ, 2016થી અત્યાર સુધીમાં KAS એ CSDS ને 2.6 કરોડથી વધુનું ફન્ડિંગ આપ્યું છે.

    કાગળ પર KAS શિક્ષણ, સંશોધન અને સ્કોલરશિપની વાત કરે છે, પરંતુ પાયાના સ્તરે તેનું કામ યુવાનોને તાલીમ આપવાનું, પોલિસી નેરેટિવ તૈયાર કરવાનું અને મીડિયા તથા શૈક્ષણિક નેટવર્ક ઊભું કરવાનું છે. આનાથી સીધી રીતે સરકારો નથી પડતી, પરંતુ સમાજની વિચારસરણી બદલવામાં આવે છે. આજે સરકારો ટેન્કોથી નહીં, પરંતુ વિચારો અને ડિજિટલ નેરેટિવ્સથી અસ્થિર થાય છે.

    ભારત સાથે જોડાયેલા મામલાઓ પર જર્મનીનાં નિવેદનો—જેમ કે કેજરીવાલની ધરપકડ, મણિપુર હિંસા અથવા ‘માનવાધિકાર વિરુદ્ધ સાર્વભૌમત્વ’—આ બધું આ જ નેરેટિવમાંથી આવે છે. KAS જેવી સંસ્થાઓ ટેન્કથી નહીં પણ, વિચાર, નેટવર્ક અને નેરેટિવથી યુદ્ધ લડે છે.

    આ મોડેલ અમેરિકાના USAID જેવું જ છે. તફાવત માત્ર એટલો છે કે USAID અમેરિકન મોડેલને પ્રોત્સાહન આપે છે, જ્યારે KAS યુરોપિયન અને ખાસ કરીને જર્મન માર્ગને. KAS દેશોને EUના (યુરોપિયન યુનિયન) મોડેલ મુજબ ઢાળવાનો પ્રયાસ કરે છે. આ જ કારણે બંને સંસ્થાઓ વચ્ચે ઘણા દેશોમાં ટકરાવ પણ જોવા મળે છે. KAS ઈચ્છે છે કે દેશો યુરોપ સાથે જોડાય અને USAID ઈચ્છે છે કે દેશો અમેરિકા મુજબ ચાલે.

    ઇતિહાસમાં પણ ભારત પ્રત્યે જર્મનીનું વલણ આ જ વ્યૂહરચના દ્વારા નક્કી થતું રહ્યું છે. 1961માં ગોવા મુક્તિ વખતે પશ્ચિમ જર્મનીએ ભારતની ટીકા કરી હતી કારણ કે પોર્ટુગલ NATO નુંસભ્ય હતું. 1971માં બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન પણ શરૂઆતમાં જર્મનીએ ભારતની ટીકા કરી હતી. 1974 અને 1998 ના પરમાણુ પરીક્ષણો પછી જર્મનીએ સહાય અટકાવી દીધી હતી અને ભારત પર NPTમાં (પરમાણુ અપ્રસાર સંધિ) સામેલ થવા માટે દબાણ કર્યું હતું.

    જર્મન રાજનીતિનું ‘શટિફ્ટુંગ’ મોડેલ

    જર્મનીની રાજકીય વ્યવસ્થામાં એક અનોખી બાબત છે Stiftung એટલે કે રાજકીય ફાઉન્ડેશનો. આ ફાઉન્ડેશનો પક્ષો સાથે જોડાયેલા હોય છે, સરકારી ફંડ લે છે અને વિશ્વભરમાં ‘લોકશાહી શીખવવા’ નીકળે છે. ભારતમાં તેમની કાર્યપદ્ધતિને કારણે ગૃહ મંત્રાલયે અનેકવાર કડક વલણ અપનાવ્યું છે. આ પ્રક્રિયામાં CPR અને Oxfam India જેવી સંસ્થાઓના FCRA લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

    જર્મનીની આ વ્યૂહરચનાના ત્રણ મુખ્ય સ્તંભો તેના રાજકીય ફાઉન્ડેશન મોડેલ ‘શટિફ્ટુંગ’ માં જોવા મળે છે.

    પહેલું છે ફ્રીડરિષ એબર્ટ શટિફ્ટુંગ (Friedrich Ebert Stiftung – FES): આ સંસ્થા જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD) સાથે જોડાયેલી માનવામાં આવે છે. આરોપ છે કે FES એવા બિન-સરકારી સંગઠનોને (NGOs) ફંડ આપે છે, જે ‘લેબર રાઈટ્સ’ના (શ્રમ અધિકારો) નામે ઔદ્યોગિક અશાંતિને પ્રોત્સાહન આપે છે અને વિકાસ પ્રોજેક્ટ્સનો વિરોધ કરે છે. વર્ષ 2022માં FESના એક રિપોર્ટને લઈને વિવાદ થયો હતો, જેમાં ભારતની તુલના આપખુદ શાસન (authoritarian regimes) સાથે કરવામાં આવી હતી અને ગૌરક્ષકો (cow vigilantes) જેવા શબ્દોનો પ્રયોગ થયો હતો.

    બીજું છે હાઇનરિષ બોએલ શટિફ્ટુંગ (Heinrich Böll Stiftung – HBS): આ સંસ્થા જર્મનીની ગ્રીન પાર્ટી સાથે જોડાયેલી છે. ભારત પ્રત્યે સૌથી આક્રમક વલણ આ જ સંસ્થાનું હોવાનું કહેવાય છે. કોલસાના પ્રોજેક્ટ્સ, ન્યુક્લિયર એનર્જી, અદાણી જેવા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સથી લઈને આરોગ્ય સેતુ એપ સુધી, HBSએ અનેક મુદ્દાઓ પર વાંધો ઉઠાવ્યો છે. જ્યારે તપાસ એજન્સીઓ દ્વારા અનેક કિસ્સાઓમાં ‘મની ટ્રેલ’ (નાણાકીય વ્યવહારોની તપાસ) તપાસવામાં આવી, ત્યારે કેટલાક કિસ્સાઓમાં તેના છેડા આ જર્મન ફાઉન્ડેશનો સુધી પહોંચ્યા હોવાની વાત સામે આવી હતી.

    ત્રીજું છે કોનરાડ આડેનાઉઅર શટિફ્ટુંગ (Konrad Adenauer Stiftung – KAS): આ સંસ્થા જર્મનીની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) સાથે જોડાયેલી છે. KASનું ધ્યાન મુખ્યત્વે યુવાનો, પોલિસી મેકર્સ અને શૈક્ષણિક જગત પર હોવાનું કહેવાય છે. આ સંસ્થા સર્વેક્ષણો, ફેલોશિપ અને વિવિધ કાર્યક્રમો દ્વારા સરકાર વિરોધી વિચારધારાઓને વૈચારિક સ્વરૂપ આપવાનું કામ કરે છે. મીડિયા, રિસર્ચ અને ટ્રેનિંગ—આ ત્રણેય ક્ષેત્રોમાં KAS એકસાથે સક્રિય રહે છે.

    ફેમિનિસ્ટ ફોરેન પોલિસી: નૈતિકતા કે દરમિયાનગીરી?

    જર્મનીની વિદેશ નીતિમાં તાજેતરના વર્ષોમાં એક નવો શબ્દ વારંવાર સામે આવ્યો છે— Feminist Foreign Policy (નારીવાદી વિદેશ નીતિ). જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેયરબોકે તેને ‘મહિલાઓના અધિકાર અને સમાનતા’ના નામે રજૂ કરી હતી. પરંતુ ભારતના સંદર્ભમાં આ નીતિને લઈને સવાલો ઉભા થવા લાગ્યા છે. ભારતના કિસ્સામાં જર્મનીની આ નીતિ હેઠળ આપવામાં આવેલા અનેક નિવેદનો વિવાદોમાં રહ્યા છે. કાશ્મીર મુદ્દે જર્મનીએ પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવતા સંયુક્ત રાષ્ટ્રના (UN) હસ્તક્ષેપની વાત કરવી, મણિપુર હિંસાને ‘હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી’ના ફ્રેમમાં રજૂ કરવી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જાહેર ટિપ્પણી કરવી—આ બધું ભારતની ‘રેડ લાઇન’ ઓળંગવાના ઉદાહરણો તરીકે જોવામાં આવ્યું છે.

    નિષ્ણાતોનું કહેવું છે કે જર્મની માત્ર રાજદ્વારી નિવેદનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેણે ભારતમાં ડિજિટલ અને ઇન્ફોર્મેશન વૉર (Information War) માટે પણ અનેક મોરચા તૈયાર કર્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય મીડિયા અને સોશિયલ મીડિયાની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. જર્મનીની સરકારી મીડિયા સંસ્થા ડૉયચે વેલેનું (DW) નામ અગાઉ પણ આ ચર્ચાઓમાં આવી ચૂક્યું છે.

    આ ઉપરાંત, કેટલાંક ભારતીય ડિજિટલ પ્લેટફોર્મ અને મીડિયા સંસ્થાઓના જર્મની સાથે જોડાયેલા નેટવર્ક પણ ચર્ચામાં છે. ‘ધ કારવાં’ જેવી મીડિયા સંસ્થાનું નામ ‘કોનરાડ આડેનાઉઅર શટિફ્ટુંગ’ના (KAS) ‘મીડિયા પ્રોગ્રામ એશિયા’ નેટવર્ક સાથે જોડાયેલું છે. આરોપ છે કે જર્મની બદલાતા સમય સાથે તેની માહિતી યુદ્ધની વ્યૂહરચના અને પેકેજિંગ બંનેમાં ફેરફાર કરતું રહ્યું છે.

    આ જ શ્રેણીમાં કેટલાક ડિજિટલ ઈન્ફ્લુએન્સર્સ પર પણ સવાલો ઉઠે છે, જેઓનો પ્રભાવ 2019ની સામાન્ય ચૂંટણી પહેલા અચાનક વધ્યો હતો. ઉદાહરણ તરીકે, ધ્રુવ રાઠી, જે પહેલાં એટલો પ્રચલિત નહોતો, પરંતુ બાદમાં BBC અને NDTV જેવા મંચો પર જાતિ, અનામત, ગંગા, ચૂંટણી અને EVM જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જોવા મળ્યા અને યુટ્યુબ પર ઝડપથી લોકપ્રિય થયો.

    જર્મની ભારત-વિરોધી ડિજિટલ ઈન્ફ્લુએન્સર્સ માટે એક પ્રકારનું સલામત આશ્રયસ્થાન (Safe Haven) બની ગયું છે. જર્મનીના કડક પ્રાઈવસી (નિજતા) અને ફ્રી સ્પીચના (વાણી સ્વાતંત્ર્ય) કાયદા તેમને ભારતીય કાનૂની કાર્યવાહીથી બચવામાં મદદ કરે છે.

    જર્મનીની ‘નોર્મેટિવ પાવર’ (Normative Power)

    વિશ્લેષકોના મતે આ બધું જર્મનીની એ વ્યૂહરચનાનો ભાગ છે જેને Normative Power કહેવામાં આવે છે. એક બહુધ્રુવીય વિશ્વમાં જર્મની સૈન્ય શક્તિને બદલે નેરેટિવ, સંસ્થાઓ અને વિચારધારાઓ દ્વારા પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. જર્મની એ નક્કી કરવાની ભૂમિકા પોતાના હાથમાં રાખવા માંગે છે કે કયો દેશ ‘લોકશાહી’ છે અને કયો નથી.

    ભારત આજે જર્મનીનું એક મહત્વનું આર્થિક ભાગીદાર છે, પરંતુ જર્મનીનો રાજકીય અને બૌદ્ધિક વર્ગ ભારતને એક ઉભરતા સિવિલાઇઝેશનલ સ્ટેટ તરીકે સ્વીકારવામાં અસહજ દેખાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ટોપ-3 ની દોડમાં ભારત આગળ વધવાથી જર્મની પાછળ રહી જવાની આશંકા છે.

    શું આપણે આ રમતને ઓળખી રહ્યા છીએ કે આજનું યુદ્ધ સરહદ પર નહીં પણ સંસ્થાઓ, વિચારો અને નેરેટિવ્સમાં લડાઈ રહ્યું છે? ઑપઈન્ડિયાની આ બધા પર નજર બનેલી છે અને તેથી જ અમે CSDSની જેમ જ જર્મનીના બાકીના આવ ફ્રન્ટ્સ પર પણ ટૂંક સમયમાં એક વધુ મોટું સંશોધન (research) લઈને આવીશું, જેથી આ આખા નેક્સસની બારીકીઓ અને તેની મોડસ ઓપરેન્ડી તમે પણ જાણી શકો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં