30 ડિસેમ્બરે (મંગળવાર) કેરળની એક સેશન્સ કોર્ટે વર્ષ 2012માં ABVP કાર્યકર્તા વિશાલ કુમારની થયેલી હત્યા મામલે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવાનો આદેશ પસાર કર્યો. કોર્ટે એ તથ્ય નકાર્યું નથી કે વિશાલની હત્યા થઈ હતી, પણ સાથે કહ્યું કે પ્રોસિક્યુશન એ સાબિત ન કરી શક્યું કે હત્યા થઈ હતી તો કઈ રીતે થઈ હતી અને આટલા મોટા જૂથને (20 માણસો) એક સામૂહિક અપરાધ માટે કઈ રીતે જવાબદાર ઠેરવી શકાય.
કેસનું બેકગ્રાઉન્ડ એવું છે કે વિશાલ કુમાર કોન્નીની એક કોલેજમાં B.SCના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે પણ સંકળાયેલો હતો. 16 જુલાઈ 2012ના દિવસે વિશાળ ક્રિશ્ચિયન કૉલેજમાં એબીવીપી દ્વારા આયોજિત ફ્રેશર્સ માટે ગયો હતો. પ્રોસિક્યુશનના કેસ અનુસાર, કોલેજમાં અમુક કેમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયાના કાર્યકર્તાઓ આવી પહોંચ્યા અને ગાળાગાળી થઈ. પછીથી મામલાએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને હિંસક ઝપાઝપી શરૂ થઈ ગઈ. દરમ્યાન વિશાલને ચાલુ મારવામાં આવ્યું. અન્ય બે એબીવીપી કાર્યકર્તાઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
વિશાલને પ્રથમ ચેંગન્નુરની એક સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ કોટ્ટાયમ મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ 17 જુલાઈના રોજ ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો.
વિશાલની હત્યા કોલેજના ગેટની બહાર થઈ હતી, જ્યાં અનેક વિદ્યાર્થીઓ હાજર હતા. ચુકાદામાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને કહેવાયું છે કે આવી સાર્વજનિક અને રાજકીય રીતે સંવેદનશીલ જગ્યાએ ગુનો બન્યો હોય તેવી આવી સ્થિતિમાં મજબૂત અને સુસંગત જુબાની અતિ મહત્ત્વની સાબિત થાય છે, પણ આ કેસમાં એવું કશું જ પૂરું પાડવામાં આવ્યું નહીં.
છોડી મૂકવામાં આવેલા આરોપીઓ CFI સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું હતું, જે પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની જ એક શાખા છે. PFIને મોદી સરકારે 2022માં પ્રતિબંધિત કરી દીધું હતું. એક આરોપી સગીર વયનો હતો, જેની સામે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કેસ ચાલ્યો. આરોપીઓ વિરુદ્ધ હત્યા, ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળી, રમખાણો, ષડ્યંત્રથી માંડીને ગુનેગારોને શરણ આપવું વગેરે જેવા આરોપ લાગ્યા હતા. બચાવપક્ષની દલીલ હતી કે મામલાને રાજકીય રંગ આપવામાં આવ્યો અને અનેક લોકોને સબૂતો વગર ફસાવી દેવામાં આવ્યા હતા.
આરોપીઓમાં આશિક, શફીક, અન્સાર ફૈઝલ, શફીક, આસિફ મુહમ્મદ, નસીમ, સનુજ, અલથાજ, શમીર, સફીર, રાથર, અબ્દુલ વહાબ, શિબિન હબીબ, શાહજહાં મૌલવી, નવાઝ શરીફ, શમીર, શજીવ અને સલીમનો સમાવેશ થાય છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે બચાવપક્ષનો દરેક તર્ક કોર્ટ માનતી નથી પરંતુ બીજી તરફ ગુનો સાબિત કરવા માટે જે પર્યાપ્ત બાબતો જોઈએ એ રજૂ કરવામાં આવી નથી. કોર્ટે સૌથી પહેલાં FIR પર જ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેના સમય બાબતે સંદેહ છે. FIR ઘણો સમય વીતી ગયા બાદ કે સંભવતઃ દિવસો વીતી ગયા બાદ નોંધાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. જ્યારે FIR જેવી પ્રારંભિક બાબતોમાં જ શંકા ઉત્પન્ન થાય એટલે પછીની તમામ જુબાની નબળી પડી જાય છે.
કોર્ટનું કહેવું છે કે પ્રોસિક્યુશને ઘટનાની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ જણાવ્યા વગર એકપક્ષીય વાર્તા રજૂ કરી અને એ પણ સ્પષ્ટ ન કર્યું કે અન્ય વિદ્યાર્થી સંગઠન કયાં હતાં અને બબાલ કઈ રીતે શરૂ થઈ હતી, જેથી કોર્ટે પ્રોસિક્યુશનની નિષ્પક્ષતા પર પણ પ્રશ્નો ઊભા કર્યા.
સાથે ઈજાગ્રસ્ત પ્રત્યક્ષદર્શીઓની જુબાનીથી પણ કોર્ટને સંતોષ ન થયો. કોર્ટે કહ્યું કે શરૂઆતનાં નિવેદનોમાં આરોપીઓની ઓળખનો ઉલ્લેખ નથી અને પછીથી અમુક નામ જોડવામાં આવ્યાં, જે શંકાસ્પદ છે.
ઓળખ પરેડ ન કરાવાઈ
કોર્ટે નોંધ્યું કે કેસમાં ક્યારેય ઓળખ પરેડ પણ કરાવવામાં આવી ન હતી. અનેક આરોપીઓને સાક્ષીઓ ઓળખતા ન હતા, જેથી તેમની ઓળખ માટે પરેડ કરાવવી આવશ્યક છે, પણ આ પ્રક્રિયા પણ કરવામાં આવી ન હતી. વર્ષો બાદ કોર્ટમાં કરવામાં આવેલી ઓળખને કોર્ટે નકારી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે આવા કેસમાં જ્યાં પ્રોસિક્યુશન કોર્ટને ‘ગેરકાયદેસર મંડળી’ અને ‘સમાન આશયથી થયેલા ગુના’ની કલમો ઉમેરવા માટે કહેતું હોય, તો આરોપીઓની સ્થળ પર ઉપસ્થિતિ સાબિત કરવી પડે છે, જો તેમ ન થાય તો આખા જૂથના પક્ષમાં મામલો જતો રહે છે.
પ્રોસિક્યુશને એમ પણ દલીલ કરી હતી કે વિશાલની હત્યા એટલા માટે કરવામાં આવી, કારણ કે તેણે ‘લવ જેહાદ’નો વિરોધ કર્યો હતો. પરંતુ કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખી અને નોંધ્યું કે શરૂઆતનાં નિવેદનોમાં આ બાબતનો ઉલ્લેખ નથી. કોર્ટે કહ્યું કે સીધા પુરાવાઓ ઉપલબ્ધ હોય તો હત્યાનો આશય શું હતો એમાં જવાની બહુ જરૂર નથી, પણ સીધા પુરાવાઓ નબળા પડી જાય ત્યારે આશયવાળો મુદ્દો અગત્યનો બની જાય છે, પણ જો તેમાં પછીથી કશુંક ઉમેરવામાં આવ્યું હોય તો શંકા ઉત્પન્ન કરે છે.
કોર્ટે તપાસ અને જપ્તીની પ્રક્રિયામાં પણ ખામી શોધી અને કહ્યું કે જે અધિકારીએ મુખ્ય આરોપીના ઘરે તપાસ કરી હતી તેને કોર્ટમાં રજૂ જ કરવામાં ન આવ્યા અને જપ્તી સંબંધિત દસ્તાવેજો પણ મોડેથી કોર્ટમાં પહોંચ્યા, જેથી વિશ્વસનીયતા પર સંદેહ ઉત્પન્ન થયો. ફોરેન્સિક પુરાવાઓ પણ પ્રોસિક્યુશનના પક્ષમાં ન રહ્યા. લોહીનાં સેમ્પલો સાથે પીડિતનો સ્પષ્ટ સંબંધ સ્થાપિત ન થઈ શક્યો.
જ્યારે હત્યાનો આરોપ જ બરાબર સાબિત ન થઈ શક્યો તો ષડ્યંત્રથી માંડીને શરણ આપવા જેવા બાકીના આરોપો પણ ન ટકી શક્યા. કોર્ટે કહ્યું કે પ્રોસિક્યુશને આધાર બનાવ્યા વગર જ કેસને વ્યાપક બનાવવાના પ્રયાસ કર્યા, પણ નિષ્ફળ રહ્યું.
ઉપરની કોર્ટમાં અપીલ કરાશે
હવે જોકે પ્રોસિક્યુશન કહે છે કે તેઓ ઉપરની કોર્ટમાં અપીલ કરશે. હાઇકોર્ટમાં મામલો જાય તો કોર્ટ નવેસરથી એ જોશે કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય યોગ્ય હતો કે કેમ કે તેને પલટાવી શકાય કે કેમ.
એ ત્યારની વાત છે. એક હકીકત એ છે કે 19 વર્ષીય વિશાલની હત્યા કરવામાં આવી હતી. તે કોલેજ ગયો, પછી ઘરે ક્યારેય પરત ન ફર્યો. કોલેજના ગેટ પર માર્યો ગયો. પરિવારે 13 વર્ષ સુધી ન્યાયની રાહ જોઈ અને અંતે પણ કોઈ સમાધાન ન મળ્યું.
આ કેસ દર્શાવે છે કે તપાસ, પ્રોસિક્યુશનનો કેસ, કાયદાકીય પ્રક્રિયાઓ કેટલી જરૂરી છે. FIR બરાબર ન નોંધાય, ઓળખ પરેડ ન થાય, સાક્ષીઓ નિવેદનો બદલે, તપાસ. અધિકારીઓને રજૂ કરવામાં ન આવે કે ફોરેન્સિક પુરાવાઓ બરાબર ન હોય તો કોર્ટે એ જ વલણ અપનાવવું પડે છે જે આ કેસમાં જોવા મળ્યું. આ કેસ ઉદાહરણ છે કે જો તપાસની આ પ્રાથમિક બાબતોમાં જ ધ્યાન આપવામાં ન આવે તો એક સ્પષ્ટ રીતે થયેલી હત્યા પણ કોર્ટમાં ‘ગુનેગારવિહીન’ બની જાય છે.


