મુખ્ય ન્યાયાધીશ બી. આર ગવઈ નવેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે અને નિયમો અને પરંપરા અનુસાર તેમણે આગામી મુખ્ય ન્યાયાધીશનું નામ કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે. સામાન્ય રીતે સિનિયોરિટીમાં બીજા ક્રમે આવનાર જજનું નામ જ મોકલવામાં આવે છે અને આ વખતે પણ એમ જ થયું છે. જસ્ટિસ સૂર્યકાંતનું નામ જસ્ટીસ બી. આર ગવઈએ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ જસ્ટિસ કાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ (CJI) બનશે.
સામાન્ય રીતે ભલામણ મંત્રાલયને પહોંચ્યા પછી કાયદા મંત્રી ઔપચારિકતાઓ પૂર્ણ કરીને રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ ગેઝેટ પ્રકાશિત કરીને જે-તે જજને મુખ્ય ન્યાયાધીશ નીમે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે ઝડપી હોય છે અને કોઈ વિવાદ વિના પૂર્ણ થાય છે. એકવાર મંજૂરી મળ્યા પછી નવા CJIનો શપથ સમારોહ યોજાય છે. આ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ વર્તમાન CJIની નિવૃત્તિના એક દિવસ પછી 24 નવેમ્બર 2025ના રોજ જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે.
તેઓ ભારતીય ન્યાયાધીશો માટેની નિયત ઉંમર એટલે કે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. જસ્ટિસ કાંતનો કાર્યકાળ 24 નવેમ્બર 2025થી લઈને 9 ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે, જે લગભગ 14 મહિનાનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન તેઓ સુપ્રીમ કોર્ટના વહીવટી અને ન્યાયિક કાર્યોનું નેતૃત્વ કરશે, જેમાં કેસોનું ડિસ્પોઝલ, જજોની નિમણૂક અને કાનૂની સુધારણાઓનો સમાવેશ થાય છે.
કોણ છે જસ્ટિસ સૂર્યકાંત?
સૂર્યકાંત 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લાના પેટવાર ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ્યા હતા. તેમણે 1981માં હિસારની ગવર્નમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ 1984માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાંથી વકીલાતની ડિગ્રી (એલએલબી) મેળવી. 2011માં તેમણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ડિરેક્ટોરેટ ઓફ ડિસ્ટન્સ એજ્યુકેશનમાંથી કાયદાની માસ્ટર્સ ડિગ્રી (LLM) પ્રાપ્ત કરી.
તેમણે 1984માં હિસાર જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1985માં તેઓ ચંડીગઢ ખાતે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં શિફ્ટ થયા, જ્યાં તેમણે બંધારણીય, સેવા અને નાગરિક મામલાઓમાં વિશેષજ્ઞ તરીકે કામ કર્યું હતું. 7 જુલાઈ 2000ના રોજ તેઓ હરિયાણાના એડવોકેટ જનરલ તરીકે નિમાયા, જે સમયે તેમની ઉંમર 38 વર્ષની હતી. આ પદ પર બિરાજનાર તેઓ સૌથી યુવા વ્યક્તિ હતા. માર્ચ 2001માં તેમને સિનિયર એડવોકેટ તરીકેની ઓળખ મળી હતી.
9 જાન્યુઆરી 2004માં તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કાયમી જજ તરીકે નિયુક્ત થયા, જ્યાં તેમણે 14 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી. 2007થી 2011 સુધી તેઓ નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના (NLSA) ગવર્નિંગ બોડીના સભ્ય રહ્યા હતા. તેઓ ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યુટની વિવિધ સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે. 5 ઓક્ટોબર 2018માં તેઓ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.
24 મે 2019થી તેઓ સુપ્રીમ કોર્ટના જજ છે. હાલમાં 12 નવેમ્બર 2024થી તેઓ સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસિસ કમિટીના અધ્યક્ષ પણ છે.
નૂપુર શર્મા કેસમાં ટિપ્પણીઓ
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રહેતાં જસ્ટિસ સૂર્યકાંત અનેક મહત્ત્વના કેસોનો હિસ્સો રહ્યા છે, પરંતુ સૌથી વધુ ચર્ચા આજ સુધી કોઈ કેસની થઈ હતી તો એ નૂપુર શર્મા સંબંધિત કેસ છે, જેમાં નૂપુરે દેશભરમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR એક ઠેકાણે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી પારડીવાલાની બેન્ચ સમક્ષ મામલો પહોંચ્યો ત્યારે ન્યાયાધીશ સૂર્યકાંતે નૂપુર વિશે અમુક ટિપ્પણીઓ કરી હતી, જેની પછીથી ટીકા પણ ખૂબ થઈ હતી.
જસ્ટિસ સૂર્યકાંતે FIR ક્લબ કરવાની માગ સાથે પહોંચેલાં ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને દેશભરમાં થતી હિંસા માટે જવાબદાર ઠેરવી દીધાં હતાં. એક તરફ નૂપુરના ‘સર તન સે જુદા’ની માગ સાથે ઇસ્લામી કટ્ટરપંથીઓ દેશભરમાં ઉત્પાત મચાવી રહ્યા હતા, હિંસા ફેલાવી રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે સંપૂર્ણપણે જવાબદાર હોય તો આ મહિલા છે. તેમણે જીભ પર કાબૂ રાખ્યો હોત તો દેશ ભડકે બળ્યો ન હોત તેવું પણ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે કહ્યું હતું.
જોકે પછીથી જ્યારે લેખિત આદેશ આવ્યો ત્યારે આ ટિપ્પણીઓને તેમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું અને માત્ર મૌખિક ટિપ્પણીઓ બનીને રહી ગઈ. છતાં પણ સુનાવણીનું લાઇવ રિપોર્ટિંગ થવાના કારણે પછીથી સોશિયલ મીડિયા પર જજોની ટિપ્પણીઓની ભારે ટીકા થઈ હતી. લોકોની દલીલ હતી કે FIR ક્લબ કરવા જેવા કેસમાં આ ટિપ્પણીઓ બિનજરૂરી હતી અને કોર્ટે સીધી એક મહિલાને જવાબદાર ઠેરવવા કરતાં મામલાને બૃહદ દૃષ્ટિકોણથી જોવો જોઈતો હતો. ન્યાયાધીશોની ત્યારે ટીકા એટલી થઈ હતી કે વાત મહાભિયોગની માગ સુધી પણ પહોંચી હતી.
અન્ય અગત્યના કેસ
આ સિવાય પણ ઘણા કેસમાં જસ્ટિસ સૂર્યકાંત હિસ્સો રહ્યા છે. એક કેસમાં તેમણે દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલા અંગે એક કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છે કે ગુંડાઓનો અડ્ડો?” આરોપી વિભવ કુમારને સંબોધતાં તેમણે પૂછ્યું હતું કે, “તમને એક મહિલા સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં શરમ નથી આવતી? જ્યારે એક મહિલા રડી રહી હતી અને પોતાની શારીરિક સ્થિતિનું વર્ણન કરી રહી હતી, ત્યારે પણ આરોપી રોકાયો નહીં કે અટક્યો નહીં– આ નિંદનીય છે.” હકીકતમાં સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કેજરીવાલના નજીકના સહયોગી વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી.
‘ફેક્ટ-ચેકર’ હોવાનો દાવો કરતા ઑલ્ટ ન્યૂઝવાળા મોહમ્મદ ઝુબૈરના કેસમાં 2022માં જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે કહ્યું હતું કે, “કોઈ નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અટકાવવા એ ગેરબંધારણીય છે. તેમને સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતા અટકાવવા એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન હશે.” મોહમ્મદ ઝુબૈરે હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ધાર્મિક લાગણીઓ ભડકાવવા બદલ હાલ પણ તેની સામે અનેક રાજ્યોમાં કેસ પણ ચાલી રહ્યા છે.
યુટ્યુબર સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અભદ્ર ટિપ્પણી કરનારા યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ સૂર્યકાંતે તેને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું, “આ વ્યક્તિના મગજમાં ગંદકી ભરાયેલી છે જે સમાજમાં ફેલાઈ રહી છે. તે માતાપિતાનું પણ અપમાન કરી રહ્યો છે. કોર્ટ શા માટે તેનો પક્ષ લે?” તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સસ્તી લોકપ્રિયતા માટે સામાજિક ધોરણો તોડવાનો કોઈને અધિકાર નથી. આ કેસથી દેશભરમાં સોશિયલ મીડિયા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
જસ્ટિસ કાંત એ બંધારણીય બેન્ચનો પણ ભાગ રહી ચૂક્યા છે જેણે ડિસેમ્બર 2023માં કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપતો ચુકાદો આપ્યો હતો. કેન્દ્રના નિર્ણય બાદ 5 ઓગસ્ટ 2019 ના રોજ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ હતી જોકે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને બંધારણાય ગણીને મહોર મારી દીધી હતી. તે સમયે જસ્ટિસ ચંદ્રચૂડ CJI હતા.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ લીકર પોલિસી કેસમાં જામીન આપવાની બેન્ચમાં પણ જસ્ટિસ કાંત હતા. જસ્ટિસ કાંતે CBI દ્વારા તેમની ધરપકડની વૈધતાને પડકારતી કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી અને ધરપકડને વ્યાજબી ગણાવી હતી. જોકે પછીથી જસ્ટિસ કાંત અને જસ્ટિસ ઉજ્જલ ભૂયાંની ડિવિઝન બેન્ચે અરવિંદ કેજરીવાલને જામીન પણ આપ્યા હતા.
જસ્ટિસ કાંત સુપ્રીમ કોર્ટની એ બેન્ચનો પણ ભાગ હતા જેણે 2022માં પંજાબની મુલાકાત દરમિયાન PM મોદી 20 મિનિટથી વધુ સમય માટે હાઇવે પર ફસાયેલા હોવાની ઘટનાની તપાસ માટે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળ પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી. બેન્ચે કેસમાં તમામ મુદ્દાઓની અસરકારક રીતે સમીક્ષા કરીને ખામીઓ પર વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો.
જસ્ટિસ કાંત એ સાત સભ્યોની સુપ્રીમ કોર્ટની બેન્ચનો ભાગ હતા જેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા અંગેના 1967ના નિર્ણયની સમીક્ષા માટે માર્ગ મોકળો કર્યો હતો. અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં મુસ્લિમ ઉમેદવારો માટે 50% બેઠકો અનામત રાખવાના AMUના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે 4:3 બહુમતીથી અભિપ્રાય લખ્યો હતો, જ્યારે ન્યાયાધીશ કાંત, દીપાંકર દત્તા અને સતીશ ચંદ્ર શર્માએ અલગ-અલગ ડિસેન્ટ નોટ લખી હતી.
2021માં વિપક્ષોએ સંસદનું સત્ર શરૂ થવા પહેલાં વિદેશી મીડિયા અહેવાલોના જોરે પેગાસસનો મુદ્દો બહુ ચગાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ કોર્ટે સાયબર નિષ્ણાતોની ત્રણ સભ્યોની એક પેનલની નિમણૂક કરી હતી. આ બેન્ચનો પણ જસ્ટિસ સૂર્યકાંત હિસ્સો રહી ચૂક્યા છે. એ પણ નોંધવું જોઈએ કે આ પેનલે પછીથી કેન્દ્ર સરકારને ક્લીન ચિટ આપી હતી અને કહ્યું હતું કે ક્યાંય પેગાસસ મળ્યું નથી. પેગાસસ એ ઇઝરાયેલી કંપની દ્વારા નિર્મિત સ્પાયવેર છે, જેનો દાવો છે કે તે માત્ર સરકારો સાથે જ વ્યવહાર કરે છે. સ્પાયવેર કોઈ પણ ડિવાઇસમાં નાખીને જાસૂસી કરી શકાય છે. ભારત સરકાર પર આરોપ હતો, પણ સાબિત ક્યારેય થઈ શક્યો નહીં, જેમ ભૂતકાળમાં આવા કોઈ આરોપો ટકી શક્યા નથી.


