દેશમાં વક્ફ (સુધારા) કાયદાને લઈને ઘણું રાજકારણ થઈ રહ્યું છે. વિપક્ષી દળો અને મુસ્લિમ સમુદાયના સંગઠનો આ બિલ અંગે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) એક મોટી જાહેરાત કરી છે. TMCએ 9 એપ્રિલે જાહેરાત કરી છે કે, રાજ્યમાં વક્ફ (સુધારો) કાયદો (Waqf Amendment Law) લાગુ કરવામાં આવશે નહીં. કોલકાતામાં જૈન સમુદાયના એક કાર્યક્રમને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ લઘુમતી લોકો અને તેમની સંપત્તિનું રક્ષણ કરશે.
CM મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “હું જાણું છું કે તમે વક્ફ એક્ટના અમલીકરણથી નાખુશ છો. વિશ્વાસ રાખો, બંગાળમાં એવું કંઈ નહીં થાય જે કોઈને ભાગલા પાડીને શાસન કરવા સક્ષમ બનાવે.” TMC સુપ્રીમોએ લોકોને અપીલ કરી કે, જેઓ તેમને ઉશ્કેરે છે તેમના પર ધ્યાન ન આપે. મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, બાંગ્લાદેશની પરિસ્થિતિ જુઓ. વક્ફ સુધારા બિલ નહોતું પસાર થવું જોઈતું.
આ ઉપરાંત મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “કેટલાક લોકો પૂછે છે કે હું દરેક ધર્મના સ્થળોની મુલાકાત કેમ લઉં છું. હું આખી જિંદગી જઈશ. જો કોઈ મને ગોળી મારે તો પણ મને એકતાથી અલગ નહીં કરી શકે. બંગાળમાં ધર્મના નામે કોઈ વિભાજન થશે નહીં. જીવો અને જીવવા દો, આ જ આમારો રસ્તો છે.”
#WATCH | Kolkata | During 'Navkar Mahamantra Divas' program, West Bengal CM Mamata Banerjee says, ".. .I want to tell the people from the minority community that I know that you are pained by Waqf property but have faith that there will be no divide and rule in Bengal. You should… pic.twitter.com/9QAMBK1EEO
— ANI (@ANI) April 9, 2025
મુખ્યમંત્રી મમતાએ વધુમાં કહ્યું, “કેટલાક લોકો તમને ભેગા થવા અને આંદોલન શરૂ કરવા માટે ઉશ્કેરશે. હું તમને બધાને અપીલ કરું છું કે, ઉશ્કેરાતા નહીં. કૃપા કરીને યાદ રાખો કે જ્યારે દીદી (બેનર્જી) અહીં હશે, ત્યારે તે તમારું અને તમારી સંપત્તિનું રક્ષણ કરશે. આપણે એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ.”
આ દરમિયાન TMC નેતાએ 8 એપ્રિલે મુર્શિદાબાદ જિલ્લામાં વકફ (સુધારા) બિલને લઈને ફાટી નીકળેલી હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “બાંગ્લાદેશના સરહદી વિસ્તારોની પરિસ્થિતિ જુઓ. આ બિલ આ સમયે પસાર થવું જોઈતું ન હતું. બંગાળમાં 33% લઘુમતી છે. તો હું શું કરું એમને કાઢી મુકું?”
બીજી તરફ મમતા બેનર્જીના આ નિવેદનને લઈને ભાજપ તરફથી વળતો પ્રહાર પણ આવ્યો છે. ભાજપ નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીએ કહ્યું છે કે, મમતા બેનર્જી નકલી હિંદુ છે. તેમણે કહ્યું કે, “તેમની ભાષા અને આચરણથી તેમણે સિદ્ધ કરી દીધું છે કે તેઓ નકલી હિંદુ છે. મુર્શિદાબાદમાં હિંદુઓની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી, પોલીસ પર હુમલા થયા. તેમ છતાં મમતા બેનર્જી ચૂપ રહ્યા હતા.”
નોંધનીય છે કે શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ગરમાગરમી વચ્ચે 3 એપ્રિલે લોકસભામાં વક્ફ (સુધારા) બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ પછી રાજ્યસભાએ પણ આ બિલને લીલી ઝંડી આપી દીધી હતી. ત્યારપછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ 5 એપ્રિલે બિલને મંજૂરી આપી દીધા બાદ બિલ કાયદો બની ગયું હતું.