Friday, April 4, 2025
More

    ગૃહના બંને સદનમાં પસાર થયા બાદ કાયદો બનવાથી એક પગલું દૂર: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તાક્ષર બાદ વક્ફ બિલ કહેવાશે ‘અધિનિયમ’

    વક્ફ સંશોધન બિલ 2025 (Waqf Amendment Bill 2025) સંસદના બંને ગૃહો લોકસભા (Lok Sabha) અને રાજ્યસભા (Rajya Sabha) બંનેમાં પસાર થઈ ચૂક્યું છે. હવે તેને કાયદાનું રૂપ લેવા એક જ ચરણમાંથી પસાર થવાનું બાકી છે. બિલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના (Droupadi Murmu) હસ્તાક્ષર બાદ કાયદા તરીકે અમલમાં આવશે.

    નોંધનીય છે કે રાજ્યસભામાં લગભગ 12 કલાક સુધી આ બિલ પર ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ 3 એપ્રિલના રોજ આ બિલ 128 સાંસદોના સમર્થન અને 95 સાંસદોના વિરોધ સાથે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત લોકસભામાં પણ લગભગ 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. 2 એપ્રિલના રોજ આ બિલ પર લોકસભામાં ચર્ચા થઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બિલના તથ્યો રજૂ કર્યા હતા.

    લોકસભામાં ચર્ચા બાદ 2 એપ્રિલની મધ્યરાત્રિએ 288 સાંસદોના સમર્થન અને 232 સાંસદોના વિરોધ બાદ આ બિલ પસાર થઈ ગયું હતું. હવે રાજ્યસભામાં પણ આ બિલ પસાર થઈ ચૂક્યું છે. ત્યારે પ્રક્રિયા અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આ બિલ પર તેમના હસ્તાક્ષર કરે પછી બિલ કાયદાના સ્વરૂપમાં અમલમાં આવશે.