થોડા દિવસથી સોશિયલ મીડિયા પર એક વિડીયો (Video) વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડાયપર (Diaper) બનાવતી એક કંપનીના ડાયપર પર પયગંબર મોહમ્મદનું નામ લખવામાં આવ્યું છે. કંપની પેમ્પર્સને બોયકૉટ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ આ વિડીયો ફરી રહ્યો છે.
વિડીયોમાં એક વ્યક્તિ કહે છે કે, પેમ્પર્સના ડાયપરની અંદર પયગંબરનું નામ લખવામાં આવ્યું છે. વિડીયો શેર કરીને અરમાન મલિક નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, “વાયરલ વિડીયો ભોપાલનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં એક મુસ્લિમ વ્યક્તિએ ડાયપર બનાવતી કંપનીનું ડાયપર ખોલ્યું અને તેમાં જોયું તો ‘મોહમ્મદ સાહેબ’નું નામ લખેલું જોવા મળ્યું. તેની ઓળખ વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. તમામ મુસ્લિમ દુકાનદાર ભાઈઓએ આ કંપનીનાં ઉત્પાદનો વેચવાનું બંધ કરી દેવું જોઈએ. પોતાના શહેરોમાં આ કંપનીના વિતરકોને ફરિયાદ કરો.
ઇન્ફોર્મ્ડ ડોટ ઇન નામના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલે આ જ વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “ભોપાલથી વાયરલ થયેલા એક વિડીયોમાં મુસ્લિમ વ્યક્તિએ દાવો કર્યો કે એક ખાસ કંપની દ્વારા બનાવવામાં આવતા ડાયપરની અંદર ‘મોહમ્મદ સાહેબ’નું નામ લખ્યું છે. અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં વૉલમાર્ટ દ્વારા ભગવાન ગણેશની તસવીરોવાળાં અંડરગારમેન્ટ વેચવા બદલ ટીકા કરવામાં આવી હતી. આ દર્શાવે છે કે કેવી રીતે મલ્ટિનેશનલ કંપનીઓ કથિત રીતે ધાર્મિક ભાવનાઓ સાથે ખિલવાડ કરી રહી છે, જે સામાજિક સદ્ભાવ માટે પણ હાનિકારક છે.
2018માં પણ વાયરલ થયા હતા વિડીયો
આ પ્રકારનો વિડીયો વર્ષ 2018માં પણ વાયરલ થયો હતો. તે સમયે આવા સમાચારો મીડિયામાં પણ સામે આવ્યા હતા. 2018ના ફેબ્રુઆરીમાં હૈદરાબાદમાં અમુક મુસ્લિમોએ બેબી ડાયપર બ્રાન્ડ પેમ્પર્સ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે મુસ્લિમોના પયગંબરનું અપમાન કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ડાયપર પર બિલાડીનાં નાક, મોં, મૂંછ અને ડાબી આંખની છબી અરબીમાં પયગંબર મોહમ્મદના વર્ણન જેવી છે.
આ ઘટના બાદ અનેક ઠેકાણે પેમ્પર્સનાં ડાયપર સળગાવીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યાં હતાં. એક મુસ્લિમ વ્યક્તિએ ત્યારે કહ્યું હતું કે, બજારથી ડાયપર લાવીને તપાસ કરી તો જાણવા મળ્યું કે વાત સાચી છે. પછીથી અમુક લોકો પેમ્પર્સનાં પેકેટ જમીન પર ફેંકીને આગ લગાવતા પણ જોવા મળ્યા હતા.
પછીથી હૈદરાબાદના એક પોલીસ મથકમાં અમુક મુસ્લિમ સમુદાયની વ્યક્તિઓએ ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ડાયપર પર બનાવવામાં આવેલું બિલાડીનું કાર્ટૂન ઉર્દૂ અને અરબીમાં પયગંબર મોહમ્મદ માટે વાપરવામાં આવતા શબ્દો સાથે મેળ ખાય છે અને નરી આંખે દેખાય એવી વાત છે. ફરિયાદમાં કંપની પર જાણીજોઈને મુસ્લિમોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જોકે, 6 વર્ષ બાદ ફરી આ વિડીયો શા માટે વાયરલ થઈ રહ્યો છે, તેની પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ન કોઈ સમાચાર જોવા મળ્યા છે કે ન આ મામલે નવો કોઈ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ ઑક્ટોબર, 2024થી આ પ્રકારના વિડીયો ફરી જોવા મળ્યા છે.