ભારતે અંતરિક્ષ ક્ષેત્રે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠનને (ISRO) ‘સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ’ મિશન હેઠળ બે ઉપગ્રહો વચ્ચેની ડોકિંગ (Docking) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ISROએ પ્રથમવાર SpaDaX મિશન હેઠળ બે ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા હતા જેના કારણે ડોકિંગ પ્રક્રિયા સફળ બની હતી. આ સફળતાની સાથે જ અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત ચોથો દેશ બન્યો છે. આ સફળતાને લઈને PM મોદીએ (PM Narendra Modi) પણ ISROને અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે ISROએ 12 જાન્યુઆરીના રોજ બે અવકાશયાનને ત્રણ મીટરના અંતરે લાવીને અને પછી તેમને સુરક્ષિત અંતરે પાછા મોકલીને ઉપગ્રહોનું ડોકિંગ પરીક્ષણ કર્યું હતું. ISROએ 30 ડિસેમ્બર 2024ના રોજ SpaDaX મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. જેમાં PSLV C60 રોકેટના માધ્યમથી બે નાના ઉપગ્રહો, SDX01 (ચેઝર) અને SDX02ને(ટાર્ગેટ) શ્રીહરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટરના પહેલા લોન્ચપેડ પરથી લોન્ચ કર્યા હતા.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 16, 2025
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
ત્યારે હવે ISROએ સફળતાપૂર્વક ડોકિંગની પ્રક્રિયા પૂર્ણ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ અંગે ISROએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં લખ્યું હતું કે, “ડોકિંગ પૂર્ણ થયું, અવકાશયાન ડોકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું! એક ઐતિહાસિક ક્ષણ.” આ ઉપરાંત ડોકિંગ પ્રક્રિયા અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. આગળ લખ્યું હતું કે “ભારત સફળતાપૂર્વક અવકાશ ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો. આખી ટીમને અભિનંદન! ભારતને અભિનંદન!”
Congratulations to our scientists at @isro and the entire space fraternity for the successful demonstration of space docking of satellites. It is a significant stepping stone for India’s ambitious space missions in the years to come.
— Narendra Modi (@narendramodi) January 16, 2025
PM નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ISROને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ઉપગ્રહોના અવકાશ ડોકિંગના સફળ પ્રદર્શન બદલ ISROના આપણા વૈજ્ઞાનિકો અને સમગ્ર અવકાશ સમુદાયને અભિનંદન. આ આવનારા વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.”
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 16, 2025
Post docking, control of two satellites as a single object is successful.
Undocking and power transfer checks to follow in coming days.
#SPADEX #ISRO
આ ઉપરાંત ISROએ આપેલી માહિતી અનુસાર આવનારા દિવસોમાં અનડોકિંગ અને પાવર ટ્રાન્સફર અંગેનું પરીક્ષણ કરવામાં આવશે. નોંધનીય છે કે 30 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવેલા આ મિશનમાં 2 ઉપગ્રહો સામેલ હતા જેમાંથી પ્રત્યેકનો વજન 220 કિલોગ્રામ હતો. આ મિશનની સફળતાએ આગામી સમયમાં યોજાનાર ઘણા મિશનોના દરવાજા ખોલી દીધા છે, જેમાં ચંદ્રયાન-4થી લઈને ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના સહિતના મિશનોનો સમાવેશ થાય છે.