Wednesday, January 29, 2025
More
    હોમપેજદેશISROએ લોન્ચ કરેલ SpaDeX મિશનથી બે ઉપગ્રહો અંતરિક્ષમાં જ કરી શકશે પુરવઠા...

    ISROએ લોન્ચ કરેલ SpaDeX મિશનથી બે ઉપગ્રહો અંતરિક્ષમાં જ કરી શકશે પુરવઠા સહિતની આપ લે: અવકાશયાત્રીઓ માટે અવર-જવર બનશે સરળ, જાણો કેવી કરશે ડોકિંગ-અનડોકિંગની પ્રક્રિયા

    અવકાશ સંશોધનમાં સ્પેસ ડોકિંગ બે અવકાશયાન વચ્ચે ક્રૂ સભ્યો, સાધનો અને અન્ય પુરવઠાના સપ્લાયની સુવિધા પ્રદાન કરે છે. જેના માધ્યમથી અવકાશયાત્રીઓ અવકાશમાં લાંબો સમય પસાર કરી શકે છે. જ્યારે કોઈ લાંબા સમયગાળાનું મિશન લૉન્ચ કરવામાં આવ્યું હોય ત્યારે આ પ્રક્રિયા ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

    - Advertisement -

    ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ISRO દ્વારા સોમવાર 30 ડિસેમ્બરે દેશનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ SpaDeX Mission સફળતાપૂર્વક લૉન્ચ (Launch) કરવામાં આવ્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે SpaDeX મિશનમાં ઉપયોગમાં લેવાયેલ ટેક્નોલોજી અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી કિંમતની છે. આ મિશનની શરૂઆત સાથે, ભારતે સસ્તી ટેક્નોલોજી દ્વારા અવકાશમાં ઊંડાણપૂર્વક સંશોધન કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું હતું. આ મિશનના માધ્યમથી સ્પેસમાં અંતરિક્ષયાનોનું ડોકિંગ (Docking) અને અનડોકિંગ કરી શકાશે. આ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ ભારત વિશ્વનો એવો ચોથો દેશ બનશે જેણે આ પ્રક્રિયા પૂર્ણ કરી હશે.

    નોંધનીય છે કે, ISROએ સોમવારે રાત્રે 10 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી PSLV C-60 રોકેટના માધ્યમથી કુલ 24 સેટેલાઈટ લૉન્ચ કર્યા છે. જેમાં 220 કિલો વજનના SDX-01 (ચેઝર) અને SDX-02 (ટાર્ગેટ) એમ બે ઉપગ્રહો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા આ ટેક્નોલોજીનો ઉપયોગ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર અવકાશયાન મોકલવા અને પરત લાવવા માટે કરે છે. SpaDeX મિશનની સફળતા સાથે ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી આવી ડોકિંગ અને અનડોકિંગ કરવાની ટેક્નોલોજી ધરાવતો ચોથો દેશ બની જશે.

    કેવી રીતે થાય છે ડોકિંગ?

    ISRO દ્વારા લોન્ચ કરાયેલ SpaDeX મિશનનો ઉદ્દેશ્ય એ છે કે, બે યાન વચ્ચે ડોકિંગ કરી શકાય. જ્યારે બે યાન પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા હોય ત્યારે વધુ ઝડપે ચેઝર યાન બીજા યાનનો પીછો કરીને ઝડપથી એકબીજા સાથે ડોક કરશે. ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકાયા બાદ બંને અવકાશયાન વચ્ચે 20 કિમીનું અંતર સ્થાપિત કરવામાં આવશે. ત્યારપછી ડોકિંગની પ્રક્રિયા શરૂ થશે. બળતણનો ઉપયોગ કરીને, ચેઝર યાન ધીમે ધીમે લક્ષ્ય સુધીનું અંતર ઘટાડશે. ધીમે ધીમે આ અંતર ઘટાડીને 5 કિમી, 1.5 કિમી, 500 મીટર, 225 મીટર, 15 મીટર અને અંતે 3 મીટર કરશે, જ્યાં ડોકિંગ થશે.

    - Advertisement -
    ડોકિંગની પ્રતીકાત્મક તસ્વીર (ફોટો: જાગરણ)

    ત્યારપછી બંને અવકાશયાનને જોડવા માટે ડોકિંગ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવશે. ડોકિંગ મિકેનિઝમમાં લેચ, હુક્સ અને સીલ વગેરે ઉપકરણોની જરૂર પડે છે. આ ઉપકરણોથી બે યાનને એકબીજા સાથે જોડવામાં આવે છે જેને ડોકિંગ કહે છે. એક વાર ડોકિંગ પૂર્ણ થઈ જાય પછી અવકાશયાત્રીઓ એક પ્રેશરાઈઝ ટનલ દ્વારા સરળતાથી એક અવકાશયાનથી બીજામાં અવર-જવર કરી શકે છે.

    નોંધનીય છે કે, જો બે ઉપગ્રહોને યોગ્ય રીતે જોડવાની ગણતરી કે સંકલનમાં સહેજ પણ ખામી સર્જાય તો ડોકિંગ પ્રક્રિયા નિષ્ફળ થવાની સંભાવના રહેલી છે. આ પ્રક્રિયા દરમિયાન અવકાશયાત્રીઓ બે અવકાશયાન વચ્ચે કેટલું અંતર છે, તે યોગ્ય રીતે અને યોગ્ય અંતરમાં ગોઠવાયેલા છે કે કેમ તે જોઈ શકતા નથી પરિણામે વિઝિબિલિટી અને કમ્યુનિકેશનનો પડકાર ઉભો થાય છે. તેથી આ પ્રક્રિયા કરવા માટે અવકાશયાત્રીઓને તાલીમ આપવામાં આવતી હોય છે.

    શું છે આ મિશનનું મહત્વ?

    અવકાશ સંશોધનમાં સ્પેસ ડોકિંગ બે અવકાશયાન વચ્ચે ક્રૂ સભ્યો, સાધનો અને અન્ય પુરવઠાના સપ્લાયની સુવિધા પ્રદાન કરે છે. જેના માધ્યમથી અવકાશયાત્રીઓ અવકાશમાં લાંબો સમય પસાર કરી શકે છે. જ્યારે કોઈ લાંબા સમયગાળાનું મિશન લૉન્ચ કરવામાં આવ્યું હોય ત્યારે આ પ્રક્રિયા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત, સ્પેસ ડોકિંગ અવકાશમાં પોતાનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ કરે છે. આ પ્રક્રિયાની મદદથી સ્પેસ સ્ટેશનની સ્થાપના પણ સરળતાથી કરી શકાય છે જેના માધ્યમથી અવકાશયાત્રીઓ ત્યાં રહેવા અને કામ કરવા માટે જગ્યા તૈયાર કરી શકે છે. ઉપરાંત, સ્પેસ ડોકિંગ દ્વારા, અવકાશયાનની જાળવણી અને સમારકામ પણ અવકાશ મિશનમાં ખલેલ પહોંચાડ્યા વિના કરી શકાય છે.

    ભારત માટે કેમ છે મહત્વપૂર્ણ?

    સ્પેસ મિશન માટે સ્પેસ ડોકિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત આ પ્રયોગમાં સફળ થશે તો 2035 સુધીમાં અંતરિક્ષમાં ભારતીય સ્પેસ સ્ટેશન (BAS) સ્થાપવાની મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ શકે છે. ISRO આ ટેકનીકનો ઉપયોગ આગામી ચંદ્ર મિશન જેમાં ચંદ્રના નમૂનાઓ પાછા લાવવાની યોજના છે તેમાં કરી શકશે. જો આ મિશન સફળ રહ્યું તો ભારતના આગામી અંતરિક્ષ મિશન ચંદ્રયાન-4, ગગનયાન અને BAS માટે તે મહત્વપૂર્ણ રહેશે.

    નોંધનીય છે કે, સ્પેસ ડોકિંગ પ્રક્રિયાના માધ્યમથી બે ઉપગ્રહો વચ્ચે ક્રૂ મેમ્બર, સામાન અને સાધનોની સપ્લાય કરી શકાશે. અવકાશયાત્રીઓ અવકાશમાં સંશોધન કરી શકે તે માટે ડોકિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયાના માધ્યમથી અવકાશયાત્રીઓ માટે અલગ-અલગ અવકાશયાનમાં મુસાફરી કરવાનું સરળ બનશે. તથા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જઈને અવકાશને લગતા વિવિધ પ્રયોગો અને સંશોધન પણ કરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં