ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ISRO દ્વારા સોમવારે (30 ડિસેમ્બર 2024) દેશનો અતિ મહત્વકાંક્ષી પ્રયોગ SpaDeX Mission સફળતાપૂર્વક લોન્ચ કરી દેવામાં આવ્યો. આ મિશન સાથે જ ISROએ અન્ય 24 અતિરિક્ત પ્રયોગ પણ સફળતાપૂર્વક પાર પાડ્યા. એજન્સીએ શ્રીહરીકોટાના સતીષ ધ્વન અંતરીક્ષ કેન્દ્રથી 220 કિલોગ્રામ વજનના બે ઉપગ્રહો સાથે સફળતાપુર્વક PSLV લોન્ચ કર્યું. આ ઓપરેશન મારફતે સ્પેસમાં અંતરીક્ષયાનોનું ડોકિંગ (એક બીજા સાથે જોડવું) અને અનડોકિંગ (Docking undocking) કરી શકાશે. મહત્વનું છે કે આમ કરનાર ભારતનો ચોથો દેશ બન્યો છે.
નોંધનીય છે કે ભારત વિશ્વનો ચોથો એવો દેશ બની ગયો છે કે જે સ્પેસમાં અંતરીક્ષયાનનું ડોકિંગ અને અનડોકિંગ કરવા સક્ષમ હોય. ISROએ મોકલેલા યાન આગામી 10 દિવસમાં સ્પેસમાં ડોકિંગની દિશામાં આગળ વધશે. ISRO દ્વારા SpaDeX Mission લોન્ચ કરવા પાછળનો હેતુ અંતરીક્ષમાં એડવાન્સ સ્પેસ ડોકિંગ ટેકનોલોજી ડેવલોપ કરીને વિશ્વ સામે ભારતને આગવું સ્થાન અપાવવાનો છે. આ મિશન ભારતના આગામી સ્પેસ મિશન માટે પણ અત્યંત મહત્વના સાબિત થવાના છે. મિશન ચંદ્રયાન અને ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS) માટે પણ આ મિશન મહત્વનું સાબિત થશે.
ISROએ કરેલી સત્તાવાર જાહેરાત અનુસાર હાલ SDX01 (ચેઝર) અને SDX02 (ટાર્ગેટ) એમ બે ઉપગ્રહો એકબીજા વચ્ચે ઓછા સાપેક્ષ વેગ સાથે લોવર સ્પેસ લાઈનમાં યાત્રા કરી રહ્યા છે. સમાન વેગ સાથે તે બંને ધરતીથી 470 કિલોમીટરની ઊંચાઈ પર એક બીજા સાથે જોડાઈ જશે. મહત્વનું છે કે આ આખા ઓપરેશન માટે સંપૂર્ણ રીતે ભારતીય ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે. જો આ મિશન સફળ રહ્યું તો આગામી ચંદ્રયાન-4, ગગનયાન અને BAS માટે તે અતિ મહત્વનું રહેશે.
SpaDeX કેવીરીતે જોડશે ઉપગ્રહોને?
ઉપર જે SDX01 (ચેઝર) અને SDX02નો (ટાર્ગેટ) ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે વજનમાં લગભગ 220 કિલોગ્રામના છે. તે બંને ઉપગ્રહો પૃથ્વીથી 470 કિલોમીટર ઉપર ઓર્બીટમાં ભ્રમણ કરશે. તે સમયે તેમની ઝડપ લગભગ 28,800 કિલોમીટર પ્રતિ કલાકની હશે. તેવામાં તે બંનેને એક સમાન ઊંચાઈ તેમજ સમાન સ્પીડમાં લાવીને એક બીજા સાથે જોડવાનું કામ કરવામાં આવશે. આટલી ઝડપ સાથે બંનેનો જોડવું એક પડકારજનક મિશન છે. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી વિશેષ ટેકનીકથી આમ કરવું શક્ય બનશે.
ISRO દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર સમાન ગતિ પર લાવ્યા બાદ બંને ઉપગ્રહોને સાવધાનીપૂર્વક મેન્યુઅલી ઓપરેટ કરવામાં આવશે. તે બંને વચ્ચેના સાપેક્ષ વેગને ઘટાડીને માત્ર 0.036 કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવામાં આવશે અને બાદમાં બંનેને એક બીજા સાથે જોડી દેવામાં આવશે. નોંધવું જોઈએ કે આટલા પડકારજનક અને અઘરા મિશન માટે ISRO સંપૂર્ણ ભારતીય ટેન્કોલોજી પર જ નિર્ભર રહેશે.