ઇસ્લામી દેશ ઈરાન (Iran) ફરી એકવાર હિજાબને લઈને ચર્ચામાં છે. આ વખતે અહીં એક ગાયિકાને ઓનલાઈન કાર્યક્રમમાં હિજાબ (Hijab) ન પહેરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવી છે. આ કાર્યવાહી શનિવારે (14 ડિસેમ્બર, 2024) કરવામાં આવી હતી. ઈરાની પ્રશાસને રાજધાની તેહરાનથી લગભગ 300 કિલોમીટર દૂર આવેલા માજંદરાનના સારી શહેરમાંથી ગાયિકાની ધરપકડ કરી. હાલ તે કસ્ટડીમાં હોવાનું તેમના વકીલે જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાનમાં જે ગાયિકાને હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવી, તેનું નામ પરાસ્તૂ અહમદી છે. 27 વર્ષીય પરાસ્તૂએ ગુરુવારે પોતાની સત્તાવાર યુ-ટ્યુબ ચેનલ પર એક અડધો કલાકનો કોન્સર્ટ વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તે પોતાના 4 સાથી પુરુષ કલાકારો સાથે ગીત ગાતી જોવા મળી હતી. આ વિડીયોમાં તેણે ગળા અને સ્લીવ વગરનું કાળા રંગનું બોલ્ડ ગાઉન પહેર્યું હતું. વિડીયોમાં તેના વાળ પણ ખુલ્લા જોવા મળે છે.
આ વિડીયો શેર થયા બાદ લોકોએ તેને ખૂબ વખાણ્યો હતો. વિડીયો પર 1.5 મિલિયન વ્યુઝ પણ આવી ચૂક્યા છે. પણ હવે આ જ બાબતને લઈને જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. વિડીયો રીલીઝ થયા બાદ યુવતી વિરુદ્ધ આપત્તિજનક કપડાં પહેરવા બદલ અને હિજાબ ન પહેરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે જ સારી ખાતેથી તેની ધરપકડ કરી લેવામાં આવી.
વિડીયોમાં કાર્યક્રમ પહેલાં કરી હતી સ્વતંત્રતાની વાતો
નોંધવું જોઈએ કે જે વિડીયો પરાસ્તૂ અહમદીએ શેર કર્યો છે, તેની શરૂઆતમાં જ તેણે સ્વતંત્રતાના અધિકારને લઈને વિચારો રજૂ કર્યા હતા. વિડીયોમાં તે ઈરાની ભાષામાં કહી રહી છે કે, “હું પરાસ્તૂ, એક એવી યુવતી છું જે તેને પ્રેમ કરતા હોય તે લોકો માટે ગીતો ગાય છે. આ મારો અધિકાર છે અને હું તેને અવગણી ન શકું. હું આ દેશ માટે ગાવા માંગું છું જેને હું ખૂબ પ્રેમ કરું છુ. અહીં આપણા વ્હાલા ઈરાનના આ ભાગમાં, જ્યાં ઈતિહાસ અને આસ્થા પરસ્પર જોડાય છે, આ ઈમેજનરી કોન્સર્ટમાં મારો અવાજ સાંભળો અને આ સુંદર માતૃભૂમિની કલ્પના કરો.”
પરાસ્તૂ અહમદીના વકીલના જણાવ્યા અનુસાર તેમના બેન્ડના સોહેલ ફગીહ નાસિરી અને એહસાન બેરાધદાર નામના 2 અન્ય સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે કે તેમને કાઈ જગ્યાએ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે તે વાતની તેમની પાસે કોઈ જ જાણકારી ન હોવાનું તેમના વકીલે જણાવ્યું હતું. તેમણે ન્યાય પ્રણાલી અનુસાર કેસની તપાસ કરી વધુ માહિતી મેળવશે તેમ મીડિયાને જણાવ્યું હતું.
ઈરાનમાં હિજાબનો અવારનવાર થતો રહ્યો છે વિરોધ
નોંધવું જોઈએ કે ઇસ્લામી દેશ ઈરાનમાં મહિલાઓને લઈને લાગુ શરિયા કાયદાનો વિરોધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. થોડા સમય અગાઉ જ એક ઈરાની વિદ્યાર્થિનીએ હિજાબના વિરોધમાં જાહેરમાં કપડાં ઉતારી નાખ્યાં હતાં. આ ઘટના ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં બની હતી. યુવતીની આ હરકત બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં તે માનસિક રીતે અસ્થિર હોવાનું કહેવામાં આવ્યું હતું.
ઈરાનમાં 1979ની ક્રાંતિ બાદ નવા કાયદા લાગુ કરવામાં આવ્યા તેમાં મહિલાઓને ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્ત્રી-પુરુષ બંને વર્ગ બેઠા હોય ત્યાં ગાવા અને નૃત્ય કરવા, બંને પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. મહિલાઓ ત્યાં જ ગાઈ શકે જ્યાં માત્ર મહિલાઓ બેઠી હોય, અથવા તો પછી ગાયકવૃંદમાં પરફોર્મ કરી શકે છે. એકલી ગાઈ શકતી નથી. ઉપરાંત, હિજાબને લઈને નિયમ એવો છે કે પોતે ઓળખતી ન હોય તેવા પુરુષો સામે તે હિજાબ વગર જઈ શકે નહીં. 2022માં ઈરાનમાં મોટાપાયે હિજાબવિરોધી આંદોલનો થયાં હતાં, પણ તેનો પણ કોઈ ખાસ ફેર કાયદા પર પડ્યો નથી.