Wednesday, December 25, 2024
More
    હોમપેજગુજરાત1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં સંજીવ ભટ્ટ ‘પુરાવાના અભાવે’ નિર્દોષ જાહેર, પણ રહેશે...

    1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં સંજીવ ભટ્ટ ‘પુરાવાના અભાવે’ નિર્દોષ જાહેર, પણ રહેશે જેલમાં જ: અન્ય બે ગુનાઓમાં કાપે છે સજા, ગુજરાત રમખાણોના કેસમાં પણ છે આરોપી

    આ પહેલાં સંજીવ ભટ્ટને 1990માં જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એટલે હાલ પણ તેમણે રહેવું તો જેલમાં જ પડશે. આ ઉપરાંત સંજીવ ભટ્ટને પાલનપુરમાં પણ રાજસ્થાનના વકીલને 1996માં ખોટા કેસમાં ફસાવવા મામલે 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

    - Advertisement -

    પોરબંદર કોર્ટે 1997ના એક કસ્ટોડિયલ ટૉર્ચર કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને (Sanjiv Bhatt) નિર્દોષ જાહેર કર્યા છે. ફરિયાદી પક્ષ જરૂરી પુરાવા રજૂ ન કરી શકતાં કોર્ટે આ નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, “ફરિયાદી પક્ષ યોગ્ય શંકા સિવાય કેસને સાબિત કરી શક્યો નથી.” આ કારણે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, અન્ય બે કેસમાં તેઓ દોષિત ઠર્યા હોવાથી હાલ પણ તેઓ જેલમાં જ રહેશે. તે સિવાય પણ ભટ્ટ પર અનેક કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.

    એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડયાએ શનિવારે (7 ડિસેમ્બર) પોરબંદરના તત્કાલીન SP સંજીવ ભટ્ટને પુરાવાના અભાવે IPCની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નિર્દોષ જાહેર કર્યા છે. જોકે, અન્ય કેસમાં હાલ પણ સંજીવ ભટ્ટ જેલબંધ છે. હાલમાં તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. કોર્ટે સ્વીકાર્યું કે, ફરિયાદી પક્ષ ‘યોગ્ય શંકાથી પરે કેસને સાબિત ન કરી શક્યા કે, ફરિયાદીને ગુનો કબૂલવા માટે ટૉર્ચર કરવામાં આવ્યા હતા.’

    શું આદેશ આપ્યો કોર્ટે?

    કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદીને ગુનાની કબૂલાત કરવાની ફરજ પાડીને, વ્યાજબી શંકાની બહાર કેસ સાબિત કરવામાં ફરિયાદી પક્ષ સફળ થઈ શક્યો નથી. આ સિવાય જોખમી હથિયારોનો ઉપયોગ કરીને તેમને આત્મસમર્પણ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનો આરોપ પણ તેઓ સાચો સાબિત કરી શક્યા નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, “આરોપી જાહેર નોકર તરીકે ફરજ બજાવતા હતા, તેથી જાહેર નોકર સામે ફરિયાદ દાખલ કરતાં પહેલાં મંજૂરી મેળવવી જરૂરી હોય છે. હાલના આ કેસમાં આરોપી બનાવ સમયે જાહેર નોકર તરીકે ફરજ બજાવતા હતા. ઉપરાંત આવી કોઈ મંજૂરી મેળવવામાં આવેલ હોય તેવું રેકોર્ડ પરના પુરાવામાં જણાતું નથી.”

    - Advertisement -

    કોર્ટે અંતિમ આદેશ આપતા કહ્યું હતું કે, “આ કેસના આરોપીને IPCની કલમ 326, 330, 34 મુજબ શિક્ષાપાત્ર ગુનાના ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 248(1) હેઠળ પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે.” આ સાથે જ કોર્ટે જણાવ્યું હતું કે, હાલ આરોપી અન્ય ગુનામાં સજા ભોગવી રહ્યા હોવાથી અપીલ સમય સુધીના જામીન આપી શકાશે નહીં. કોર્ટ ઓર્ડરની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    શું છે કેસ?

    આ કેસ 1997નો છે. તે સમયે સંજીવ ભટ્ટ પોરબંદરના SP તરીકે ફરજ બજાવી રહ્યા હતા. કેસની વિગતો અનુસાર, ફરિયાદી નારણ પોસ્તરીયા એક કેસમાં સાબરમતિ જેલમાં સજા ભોગવતા હતા. દરમિયાન ત્યાંથી તેમનો કબ્જો મેળવી તપાસના પોલીસ વાહનમાં બેસાડીને LCB ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમની છાતી, જીભ, મોં અને ગુપ્તાંગો પર કરન્ટ આપવામાં આવ્યો હોવાનો આરોપ હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ વજુભાઈ ચાંઉ આ ગુનાના આરોપી હતા. તેમનો આરોપ એવો પણ હતો કે, અધિકારી પીડિતના સગીર પુત્ર ચેતન અને તેમના ભાઈને પણ ઉઠાવી લાવ્યા અને તેમને પણ કરન્ટના ઝાટકા આપ્યા હતા. સાથે જ તેમને મોં બંધ રાખવા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    જોકે, આ કેસની સમગ્ર સુનાવણી દરમિયાન જ આ કેસના બીજા નંબરના આરોપી વજુભાઈનું કુદરતી મૃત્યુ થયું હતું. જેથી તેમના પરથી આ કેસનો ગાળિયો હટી ગયો હતો. જે બાદ સંજીવ ભટ્ટ અને ફરિયાદી પક્ષ વચ્ચે આ મામલે લડત ચાલી રહી હતી. જોકે, ફરિયાદી પક્ષ જરૂરી તમામ પુરાવાઓ રજૂ ન કરી શકતા કોર્ટે સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કરવા પડ્યા હતા.

    સંજીવ ભટ્ટ અન્ય કેસમાં ભોગવી રહ્યા છે સજા

    નોંધવા જેવું છે કે, આ પહેલાં સંજીવ ભટ્ટને 1990માં જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એટલે હાલ પણ તેમણે રહેવું તો જેલમાં જ પડશે. આ ઉપરાંત સંજીવ ભટ્ટને પાલનપુરમાં પણ રાજસ્થાનના વકીલને 1996માં ડ્રગ્સ રાખવાના કેસમાં 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સંજીવ ભટ્ટે રાજસ્થાનના વકીલને ખોટી રીતે કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પણ 20 વર્ષની કેદ સંભળાવવામાં આવી હતી. એટલે માત્ર પોરબંદર કસ્ટોડિયલ ટૉર્ચર કેસ મામલે જ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. બાકીના તમામ ગુનાઓ માટે તેમણે સજા ભોગવવી અનિવાર્ય છે.

    તીસ્તા સેતલવાડ અને શ્રીકુમાર વિરુદ્ધ નોંધાયેલા કેસમાં પણ છે આરોપી

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, સંજીવ ભટ્ટ પર તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર સાથે 2002ના રમખાણો દરમિયાન ખોટા પુરાવા ઘડીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવાનું ષડ્યંત્ર ઘડવામાં પણ સામેલ હોવાનો આરોપ છે. ઝાકિયા જાફરી કેસમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણીમાં કહ્યું હતું કે, અમુક વ્યક્તિઓએ ખોટા પુરાવાઓ ઊભા કરીને સરકારને ઉથલાવવાનું અને તપાસને અસર કરવાનું કાવાતરું રચ્યું હતું.

    કોર્ટના અવલોકનો જાહેર થયાનાં તુરંત બાદ જ ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને અનુક્રમે મુંબઈ અને ગાંધીનગરથી પકડી લીધા હતા, જ્યારે થોડા જ દિવસોમાં સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ઝાકિયા ઝાફરીની વિનંતીની અંતિમ સુનાવણી કરતી વખતે નોંધ્યું હતું કે, SIT દ્વારા કરવામાં આવેલી વ્યાપક તપાસ એ જણાવે છે કે, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ‘તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાનોને ચાલવા દેવાનો નિર્દેશ આપ્યો હતો, તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ તે સમયે નિષ્ક્રિય રહ્યા હતા’, જે સંપૂર્ણપણે ખોટા છે.

    કોર્ટના આ અવલોકન બાદ ક્રાઈમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની વિરુદ્ધ ડોક્યુમેન્ટ ફેબ્રિકેશનનો કેસ દાખલ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની (IPC) કલમ 468, 471 (બનાવટ), 194 (કોઈને મહત્તમ સજા મળે એ હેતુથી ખોટા પુરાવાઓ આપવા અથવા તો ઉભા કરવા), 218 (સરકારી કર્મચારી દ્વારા કોઈ વ્યક્તિને સજા ન મળે અથવા તો તેની સંપત્તિ જપ્ત ન થાય તે માટે ખોટા રેકોર્ડ ઉભા કરવા અથવા તો લખાણ લખવા), તેમજ 120 B (ગુનાહિત કાવતરું કરવું) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં તીસ્તા અને શ્રીકુમારને જામીન મળી ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં