Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાત‘સત્તાનો દુરુપયોગ કર્યો હતો’: 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં વિવાદિત પૂર્વ IPS અધિકારી...

    ‘સત્તાનો દુરુપયોગ કર્યો હતો’: 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં વિવાદિત પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા ફટકારતી પાલનપુર કોર્ટ

    કોર્ટે અંતિમ આદેશમાં કહ્યું કે, સંજીવ ભટ્ટ ઘટના સમયે બનાસકાંઠા જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) હતા અને તેમનું આ પદ પોલીસ બેડામાં વગદાર હોય છે. તેમણે વગનો દુરુપયોગ કરીને વકીલની એક દુકાન લઇ લેવા માટે NDPSના કેસમાં તદ્દન ખોટી રીતે સંડોવી દેવા માટે અફીણ ખરીદીને તેને હોટેલના એક રૂમમાં મૂકાવીને ખોટી રીતે અટકાયત કરી લીધી હતી.

    - Advertisement -

    1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા વિવાદિત પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને પાલનપુરની કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

    2018થી ચાલતા આ કેસમાં પાલનપુર કોર્ટે ગત બુધવારે (27 માર્ચ) ચુકાદો આપીને સંજીવ ભટ્ટને દોષી ઠેરવ્યા હતા. હવે આ મામલે સજાની સુનાવણી કરવામાં આવી. ગુરુવારે તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે સજા સંભળાવી હતી. સંજીવ ભટ્ટને કોર્ટે NDPS એક્ટની કલમ 21(C), 27(A), 29, 58(1) અને 58(2) તેમજ IPCની કલમ 116, 120(B), 167, 204, 343, 465 અને 471 હેઠળ દોષી ઠેરવીને સજા સંભળાવી છે. 

    કોર્ટે આદેશમાં શું કહ્યું?

    કોર્ટે અંતિમ આદેશમાં કહ્યું કે, સંજીવ ભટ્ટ ઘટના સમયે બનાસકાંઠા જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) હતા અને તેમનું આ પદ પોલીસ બેડામાં વગદાર હોય છે. કેસની હકીકતો જોતાં જાણવા મળ્યું કે, તેમણે વગનો દુરુપયોગ કરીને વકીલની એક દુકાન લઇ લેવા માટે NDPSના કેસમાં તદ્દન ખોટી રીતે સંડોવી દેવા માટે અફીણ ખરીદીને તેને હોટેલના એક રૂમમાં મૂકાવીને ખોટી રીતે અટકાયત કરી લીધી હતી. આગળ કોર્ટે ઉમેર્યું કે, વકીલની અટકાયત બાદ ખોટી કેસ ડાયરીઓ બનાવી, ખોટા રેકર્ડ ઉભા કરીને, ધમકાવીને તેમની પાસેથી દુકાનનો કબજો મેળવી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    કોર્ટ આગળ કહે છે, “આરોપીએ તેમના હોદ્દાનો અને સત્તાનો દુરુપયોગ કર્યો પોતાનો હેતુ પાર પાડવા માટે તેમના તાબાના પોલીસકર્મીઓને પણ પોતાની સૂચના આધારિત કામ કરાવીને દુરુપયોગ કર્યો હતો. કોર્ટે અગાઉના કેસો પર ધ્યાન દોરતાં કહ્યું કે, આરોપી સાથી પોલીસકર્મીઓની મદદથી અનેક નિર્દોષ નાગરિકોને હેરાનગતિ પહોંચાડતા હોવાની હકીકત સામે આવી છે અને તેવી જ એક ઘટનામાં તેમની સામે આઈપીસી 302નો ગુનો પણ સાબિત થઈ ચૂક્યો છે. જેથી તેમને NDPS એક્ટની કલમ 21(C) અને 27(A) હેઠળ મહત્તમ સજા અને દંડ ફટકારવાનું કોર્ટ સૂચન કરે છે. 

    સંજીવ ભટ્ટને NDPS એક્ટની કલમ 21(C) હેઠળ 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે NDPS એક્ટની કલમ 27(A) હેઠળ પણ 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. NDPS એક્ટની કલમ 29 હેઠળ 5 વર્ષની સજા અને 50 હજારનો દંડ તેમજ NDPS એક્ટની કલમ 58(1) હેઠળ 6 મહિનાની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ, NDPS એક્ટની કલમ 58(2) હેઠળ 2 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

    આ સિવાય, IPCની કલમ 116 અને 120(B) હેઠળ 1 વર્ષની સજા અને 5 હજારનો દંડ, IPC 167 અને 120(B) હેઠળ 2 વર્ષની સજા અને 5 હજારનો દંડ. IPC 204 હેઠળ 2 વર્ષની સજા અને 5 હજારનો દંડ, IPC 343 અને 120(B) હેઠળ 2 વર્ષની સજા અને 5 હજારનો દંડ, IPC 465 અને 120(B) હેઠળ 2 વર્ષની સજા અને 5 હજારનો દંડ તથા IPC 471 હેઠળ 2 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

    કોર્ટે આદેશ આપ્યા અનુસાર, તેમણે આ તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે. એટલે આ કેસમાં સંજીવ ભટ્ટ 20 વર્ષ જેલમાં રહેશે. નોંધવું જોઈએ કે તેઓ હાલ એક કસ્ટોડિયલ ડેથ કેસ મામલે આજીવન કેદની સજા કાપી રહ્યા છે. કોર્ટે આદેશ કર્યો છે કે તે ગુનાની સજા પૂર્ણ થાય ત્યારબાદ આ ગુનાની સજા ચાલુ થશે. તદુપરાંત, આ કેસમાં ટ્રાયલ ચાલતી હોવાના કારણે તેમને પાલનપુર કોર્ટમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે. 

    શું છે કેસ? 

    આ કેસ વર્ષ 1996નો છે. તે સમયે સંજીવ ભટ્ટ બનાસકાંઠા પોલીસના SP હતા. તેમની પોલીસે દાવો કર્યો હતો કે 30 એપ્રિલ, 1996ના રોજ તેમને બાતમી મળી હતી કે પાલનપુરની એક હોટેલમાં રોકાયેલા રાજસ્થાનના એક વકીલ સુમેરસિંઘ રાજપુરોહિત અફીણના વેપાર સાથે સંડોવાયેલા છે. આ કથિત બાતમીના આધારે LCB PI વ્યાસે હોટેલ પર રેડ પાડી હતી અને જે-તે વકીલના રૂમમાંથી 1 કિલો 15 ગ્રામ અફીણ શોધી કાઢ્યું હતું. 

    પછીથી આ મામલે 3 મે, 1996ના રોજ સુમેરસિંઘની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ પછીથી સામે આવ્યું કે તેમને એક દુકાન ખાલી કરી દેવા માટે દબાણ કરવા માટે ફસાવવામાં આવ્યા હતા અને તે પાછળ SP સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ હતા. ત્યારપછી થયેલી તપાસમાં LCBના ઇન્સ્પેક્ટર વ્યાસ અને SP સંજીવ ભટ્ટની સંડોવણી બહાર આવતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 2018માં હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ બનાસકાંઠામાં કેસ ચલાવવા આવ્યો હતો. 

    2018માં કેસ નોંધાયા બાદ ટ્રાયલ શરૂ થઈ હતી, જેનો ચુકાદો લગભગ 6 વર્ષ બાદ ગુરુવારે (28 માર્ચ, 2024) આપવામાં આવ્યો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં