પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના (TMC) રાજ્યસભા સાંસદ અને તથાકથિત એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ (Saket Gokhale) કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીનાં પત્ની અને પૂર્વ ડિપ્લોમેટ લક્ષ્મી પુરીની (Lakshmi Puri) બિનશરતી માફી માંગી છે.
મંગળવારે સવારે 3:28 વાગ્યે સાકેતે પોતાના એક્સ અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી. જેમાં ‘માફી’ (Apology) શીર્ષક સાથે લખવામાં આવ્યું છે–
‘13 અને 23 જૂન 2021ના રોજ એમ્બેસેડર લક્ષ્મી પુરી વિરુદ્ધ મેં કરેલાં ટ્વિટ્સ બદલ હું તેમની બિનશરતી માફી માગું છું. ટ્વિટ્સમાં એમ્બેસેડર પુરીએ ભૂતકાળમાં વિદેશમાં ખરીદેલી સંપત્તિ સંદર્ભે આરોપો લગાવવામાં આવ્યા હતા, જે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા હતા. જે બદલ હું ખેદ વ્યક્ત કરું છું.– સાકેત ગોખલે.’
— Saket Gokhale MP (@SaketGokhale) June 9, 2025
સંભવતઃ પોસ્ટ પર વધુ ધ્યાન ન પડે એ આશયથી સાકેત ગોખલેએ મળસ્કે 3 વાગ્યા જેવો સમય પસંદ કર્યો હોવો જોઈએ, પણ તેમ છતાં પણ સવાર પડતાં સુધીમાં તો તેમની પોસ્ટ વાયરલ થવા માંડી અને તેમાં લોકોએ સમય પર પણ પ્રશ્ન ઉઠાવ્યા.
શું છે કેસ, જેમાં સાકેત ગોખલેએ માફી માંગી?
એક્ટિવિસ્ટમાંથી TMCના રાજ્યસભા સાંસદ બની ગયેલા સાકેત ગોખલે સોશિયલ મીડિયા પર ખાસ્સા સક્રિય છે અને ત્યાં વામપંથી વિચારધારાનો ફેલાવો કરવામાં પોતાનું ‘યોગદાન’ આપતા રહે છે. મોદીવિરોધ પણ તેમનો પ્રિય વિષય છે. વિરોધના નામે સરકાર વિરુદ્ધ ફાલતુ પ્રોપગેન્ડા ફેલાવતા પણ પકડાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં મોરબીમાં ભયાનક પુલ દુર્ઘટના બની ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત સંદર્ભે પણ સાકેતે ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. ઉપરાંત અમદાવાદમાં પણ તેમની સામે નાણાકીય ગેરરીતિ સંદર્ભે એક કેસ દાખલ થયો હતો.
સાકેત ગોખલેએ જૂન 2021માં તત્કાલીન ટ્વિટર–જે હવે એક્સ નામે ઓળખાય છે– પર અમુક ટ્વિટ કર્યાં હતાં. જેમાં તેમણે મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીનાં પત્ની લક્ષ્મી પુરી વિરુદ્ધ અમુક આરોપો લગાવ્યા હતા.
સાકેતે ટ્વિટમાં દાવો કર્યો હતો કે લક્ષ્મી પુરીએ સ્વિત્ઝરલેન્ડમાં અમુક સંપત્તિ ખરીદી છે, જે અપ્રમાણસર મિલકત છે. ટ્વિટ્સમાં ગોખલેએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીનું પણ નામ લખ્યું હતું. સાથે બંનેની આવક પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પૈસા ક્યાંથી આવ્યા એ પૂછ્યું હતું. TMC સાંસદે પોસ્ટમાં લખ્યું હતું કે શું હરદીપ સિંઘ પુરી અને તેમનાં પત્ની સ્વિત્ઝરલેન્ડમાં ઘર ખરીદવા માટે કરોડો રૂપિયા ક્યાંથી લાવ્યાં તે જાણવા માટે નિર્મલા સીતારામન EDને તપાસનો આદેશ આપશે કે કેમ?
આ મામલે પછીથી લક્ષ્મી પુરીએ સાકેત વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો હતો. જુલાઈ 2021માં દિલ્હી હાઇકોર્ટની બેન્ચે વચગાળાનો એક આદેશ પસાર કરીને સાકેત ગોખલેને 24 કલાકમાં તમામ ટ્વિટ હટાવવા માટે અને આગળ લક્ષ્મી પુરી વિશે કોઈ પણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી ન કરવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ ગોખલેએ તમામ ટ્વિટ હટાવી દીધાં હતાં.
કોર્ટે પછીથી 1 જુલાઈ 2024માં ચુકાદો આપ્યો અને સાકેત ગોખલેના પાયાવિહોણા આરોપોના કારણે લક્ષ્મી પુરીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનું ઠેરવીને TMC સાંસદને જાહેરમાં માફી માંગવા માટે અને વળતર પેટે ₹50 લાખ ચૂકવવા માટે આદેશ આપ્યો હતો. જોકે અરજીમાં લક્ષ્મી પુરીએ માનહાનિ બદલ ₹5 કરોડનું વળતર માંગીને તેને પીએમ રિલીફ ફંડમાં જમા કરવા માટે માંગ કરી હતી, જોકે કોર્ટે કહ્યું કે તેઓ આ બાબતમાં હસ્તક્ષેપ નહીં કરે અને સાકેતને પચાસ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. સાથે જણાવ્યું કે સાકેતે પોતાના એક્સ હેન્ડલ પર તેમજ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની દિલ્હી આવૃત્તિમાં ચાર અઠવાડિયાંની અંદર માફી પ્રકાશિત કરવાની રહેશે, જ્યારે વળતર ચૂકવવા માટે 8 અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો હતો.
જોકે મામલો અહીંથી પૂર્ણ ન થયો અને સાકેતે કોર્ટની સૂચનાઓનું યોગ્ય પાલન ન કરતાં લક્ષ્મી પુરીએ કોર્ટમાં એક કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી, જે મામલે ડિસેમ્બર 2024માં કોર્ટે નોટિસ પાઠવી હતી.
મે 2025માં કોર્ટે ફરી એક વખત માફી પ્રકાશિત કરવાનું કહીને સાકેત ગોખલેને આદેશોના ઉલ્લંઘન બદલ ફટકાર લગાવી હતી. કોર્ટે ગોખલેની એ માંગ પણ ફગાવી દીધી હતી, જેમાં તેમણે કોર્ટ સમક્ષ એક સીલબંધ કવરમાં માફી લખી આપવા મંજૂરી માંગી હતી. જોકે લક્ષ્મી પુરીના વકીલે આ માંગનો વિરોધ કરીને દલીલો આપી હતી કે આરોપો જાહેરમાં લગાવવામાં આવ્યા છે, તેથી માફી પણ જાહેરમાં જ માંગવામાં આવે. કોર્ટે પણ પછીથી આ દલીલો ગ્રાહ્ય રાખી અને સાકેતને જાહેરમાં જ માફી માંગવા માટે જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સીલબંધ કવરમાં માફી સ્વીકારવાનું કોર્ટ પાસે કોઈ કારણ નથી.
આખરે સાકેત ગોખલેએ 1૦ જૂનના રોજ માફી માંગી લીધી અને કોર્ટના આદેશ મુજબ એક્સ હેન્ડલ પરથી પણ પોસ્ટ કરી. જોકે તેમણે જે સમય પસંદ કર્યો, તેની ઉપર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
સાકેત ગોખલેએ ભૂતકાળમાં સાવરકર પર કરી હતી ટિપ્પણીઓ
અહીં એક અન્ય પણ અગત્યની બાબતની ચર્ચા જરૂરી છે. જે સાકેત ગોખલેએ લક્ષ્મી પુરી વિરુદ્ધ પાયાવિહોણા આરોપો લગાવીને સાબિત ન કરી શકતાં નાક રગડીને માફી માંગી લીધી, તેઓ ભૂતકાળમાં વિનાયક સાવરકર વિશે અનેક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે અને તેમણે અંગ્રેજોની ‘માફી માંગી’ હોવાનો દાવો કરીને ઢગલેબંધ પોસ્ટ કરી હતી. લોકો હવે આ પોસ્ટો શૅર કરીને TMC સાંસદને યાદ કરાવડાવી રહ્યા છે.
15 ઑક્ટોબર, 2019ની એક પોસ્ટમાં સાકેત લખે છે, “હું માંગ કરું છું કે ‘માફી’ શબ્દના સ્થાને હવે આધિકારિક રીતે ‘સાવરકરજીને સ્મરણાંજલિ’ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે.” સાથે કટાક્ષમાં એમ પણ કહ્યું હતું કે, “આ તેમને સરકાર ભારત રત્ન આપે તે તેના કરતાં પણ વિશેષ સન્માન મળ્યું કહેવાશે.”
I demand that the word “apologizing” be officially replaced with the phrase “paying tribute to Savarkar ji”.
— Saket Gokhale MP (@SaketGokhale) October 15, 2019
It’d be a far greater and fitting honor bestowed by the govt. than the Bharat Ratna.
આ સિવાય પણ અન્ય અનેક પોસ્ટમાં સાકેત ગોખલેએ સાવરકરની મજાક ઉડાડતી, તેમને અપમાનિત કરતી ટિપ્પણીઓ કરી હતી. જૂન 2020ની એક કૉમેન્ટમાં કોઈક પોસ્ટ ડિલીટ થતાં તેમણે લખ્યું હતું– ‘ટ્વિટ ડિલીટ થઈ ગયું. સાવરકરને ગર્વ થયો હશે.’

અહીં એ પણ નોંધવું જોઈએ કે જનમટીમની સજા કાપતી વખતે વિનાયક સાવરકરે ભરપૂર યાતનાઓ ભોગવવી પડી હતી અને અત્યંત કપરા દિવસો જેલમાં ગુજાર્યા હતા. જનમટીપની સજા કાપતી વખતે કેદીઓ હારી-થાકીને આપઘાત કરી ગયા હોય તેવા ઢગલેબંધ કિસ્સાઓ જે-તે સમયે બનતા હતા અને તેમાંથી ઘણા કિસ્સાઓ સાવરકરે પોતાની સ્મરણકથા ‘મારી જનમટીપ’માં પણ ટાંક્યા છે, પરંતુ તેઓ પોતે આ તમામ યાતનાઓ સહન કર્યા બાદ પણ અડીખમ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જે-તે સમયે આજે જેમ આરોપીઓ જામીન અરજી રજૂ કરે છે તેમ અંગ્રેજ સરકાર સમક્ષ પિટિશન દાખલ કરવાની રહેતી. સાવરકરે પણ નિયમાનુસાર અરજીઓ કરી હતી, જેને કોંગ્રેસ ઇકોસિસ્ટમ કાયમ ‘માફી માંગવામાં આવી’ હોવાના દાવા સાથે ફેલાવતી રહે છે. પરંતુ મૂળ વાત એ છે કે આ જ પત્રોમાં સાવરકરે એમ પણ કહ્યું હતું કે અંગ્રેજ સરકાર જો તેમને મુક્ત કરવા ન માંગતી હોય તો તેમને એ પણ મંજૂર છે, પરંતુ તેમના સાથીઓને મુક્ત કરી દેવામાં આવે. ઉપરાંત ઇતિહાસકારોમાં એક મત એવો પણ છે કે આ એક રણનીતિ પણ હતી, જેથી સાવરકર બહાર આવીને ફરી સશસ્ત્ર ક્રાંતિમાં જોડાઈ શકે.
આ ‘માફી’ના વિષય પર સાવરકરને અપમાનિત કરવામાં એક સાકેત ગોખલે પણ હતા. હવે કઠણાઈ એ આવી છે કે તેમણે પોતે પાયાવિહોણા આરોપ બદલ માફી માંગવી પડી છે. હકીકત એ પણ છે કે સાવરકરે ખરેખર માફી માંગી પણ ન હતી, પણ આ એક પ્રોપગેન્ડા છે. જ્યારે ગોખલેએ તો રીતસરની બિનશરતી માફી માંગવી પડી, એ પણ કોર્ટના આદેશ બાદ.