વલસાડના ઉમરગામમાં આવેલા સરીગામમાં એક ગર્ભવતી ગાયની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ગામના જ બે મુસ્લિમ શખ્સોએ ગૌહત્યા કરી હતી. પોલીસે સ્થળ પરથી એકની ધરપકડ કરી હતી અને બીજો આરોપી ફરાર થઈ ગયો હતો, જે બાદ પોલીસે તપાસ હાથ ધરીને તેને પણ દબોચી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ પૈકીનો એક આરોપી સગીર છે અને બીજો પુખ્તવયનો છે. હાલ આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું કહેવાયું છે.
ઘટના 24 ડિસેમ્બરના રોજ રાત્રે સરીગામના રોહિતવાસ પાસે આવેલ એક ઔદ્યોગિક એકમની પાછળ બની હતી. ગૌરક્ષકોએ પોલીસને માહિતી આપી હતી કે અહીં બે શખ્સોએ ગૌહત્યા કરી છે અને સ્થળ પર તે હાજર છે. ત્યારબાદ ભીલાડ પોલીસની એક ટીમે રાત્રે જ ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એક બર્બરતાથી કાપેલું ગર્ભવતી ગાયનું માથું મળી આવ્યું હતું અને ઘટનાસ્થળ પરથી ગૌમાંસના અવશેષો પણ મળી આવ્યા હતા.
ઘટનાસ્થળ પર હાજર એક સગીર શખ્સને પકડીને ગૌરક્ષકોએ પોલીસને હવાલે કરી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે આ દરમિયાન સગીર આરોપીના સાથી સદ્દામ શાહબુદ્દીન ખાને તલવારથી ગૌરક્ષકો પર હુમલો કરવાના પ્રયાસો કર્યા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં એ સામે આવ્યું છે કે બંને શખ્સોએ ગાયને ચારો ખવડાવવાના બહાને તેની હત્યા કરી હતી અને ગૌમાંસ કસાઈઓને વેચવાનો તેમનો ઇરાદો હતો.
ભીલાડ પોલીસે ઘટનાસ્થળેથી ગૌમાંસના અવશેષો, છરો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે અને આગળની કાનૂની તથા ફોરેન્સિક કાર્યવાહી ચાલી રહી છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ભીલાડ પોલીસ સ્ટેશનના PI પવારે જણાવ્યું છે કે બીજા ફરાર આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે અને હાલ બંનેની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.
ઑપઇન્ડિયા સાથે વાત કરતા સ્થાનિક હિંદુ સંગઠનના નેતાએ જણાવ્યું હતું કે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને એક આરોપી સગીર છે. પોલીસે આ કેસને ગંભીર ગણ્યો છે અને સંવેદનશીલ હોવાના કારણે માહિતી આપી નથી. પોલીસ પોતે ફરિયાદી બની છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. આ ઘટના બાદ સરીગામ ગ્રામ પંચાયતના કાર્યાલયમાં એક બેઠક પણ બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો, વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીઓ, સ્થાનિક નિવાસીઓ, પોલીસ અધિકારીઓ અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ હાજર રહ્યા હતા. ગૌરક્ષકોએ ગર્ભવતી ગાયની હત્યાને લઈને આક્રોશ અને ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત પોલીસે બંને સમુદાયોને શાંતિ બનાવી રાખવા માટેની અપીલ પણ કરી છે. હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.


