Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગૌપૂજા કરતા જોવા મળ્યા બ્રિટનના પીએમ ઉમેદવાર ઋષિ સુનક, વાયરલ થયો વિડીયો:...

    ગૌપૂજા કરતા જોવા મળ્યા બ્રિટનના પીએમ ઉમેદવાર ઋષિ સુનક, વાયરલ થયો વિડીયો: અગાઉ કહ્યું હતું- હિંદુ હોવાનો મને ગર્વ

    બ્રિટનના પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે પત્ની સાથે ગૌશાળામાં જઈને ગાયની પૂજા કરી હતી.

    - Advertisement -

    યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન પદના ઉમેદવાર ભારતીય મૂળના ઋષિ સુનક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહે છે. હવે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. જેમાં તેઓ પત્ની સાથે ગૌપૂજા કરતા જોવા મળે છે. 

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષત મૂર્તિ ગૌપૂજા કરતાં જોવા મળે છે. તે બંને ગૌશાળા ગયા હતા, જ્યાં આ પૂજા કરી હતી. યુકેમાં રહેતા ભારતીયો આ વિડીયોને ખૂબ શૅર કરી રહ્યા છે અને ઋષિ સુનકની પ્રશંસા કરી રહ્યા છે. 

    વિડીયોમાં ઋષિ સુનક હાથમાં પિત્તળનો કળશ લઈને ગાયને પવિત્ર જળ અર્પણ કરતા જોવા મળે છે. જે બાદ તેઓ પત્ની સાથે ગાયની આરતી કરે છે અને વિધિ અનુસાર પૂજા સંપન્ન થયા બાદ ગૌમાતાના આશીર્વાદ લે છે. 

    - Advertisement -

    આ પહેલાં તાજેતરમાં જ ઋષિ સુનક લંડનમાં જન્માષ્ટમીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સુનક કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે લંડનના બહારના વિસ્તારમાં આવેલા ભક્તિવેદાંત મનોર ખાતે ગયા હતા. ત્યાં ઉજવણીની કેટલીક તસ્વીરો પણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શૅર કરી હતી. તેમણે સાથે લખ્યું હતું કે, આજે હું પત્ની અસખતા સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે ભક્તિવેદાંત મંદિર ગયો. જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે, જે એક લોકપ્રિય હિંદુ તહેવાર છે.”

    ઋષિ સુનક અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમને હિંદુ ધર્મમાં અપાર આસ્થા છે, અને આ આસ્થા થકી જ તેમને શક્તિઓ મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ ભલે બ્રિટિશ નાગરિક હોય પરંતુ એક હિંદુ પણ છે. ગત વર્ષે દિવાળીના દિવસે પણ તેમણે પોતાના સત્તાવાર નિવાસસ્થાને ઉજવણી કરી હતી અને દીવડા પ્રગટાવ્યા હતા. ઋષિ સુનક નોર્ધન ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં રિચમંડ બેઠક પરથી સાંસદ છે. તેઓ જ્યારે ‘હાઉસ ઑફ કોમન્સ’ના સાંસદ બન્યા ત્યારે તેમણે ‘ભગવદ ગીતા’ના નામે શપથગ્રહણ કર્યા હતા. 

    યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોનસને રાજીનામું આપી દીધા બાદ હવે નવા વડાપ્રધાનની નિયુક્તિ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઋષિ સુનકનું નામ પણ કાયમ ચર્ચામાં રહ્યું છે. તેમની સ્પર્ધા બ્રિટનનાં વિદેશ મંત્રી લિઝ ટ્ર્સ સાથે છે. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી આગામી 5 સપ્ટેમ્બરના રોજ નેતા માટે અંતિમ ચૂંટણી કરશે. જે બાદ નવા વડાપ્રધાનનું નામ નક્કી થશે અને જે ઓક્ટોબર મહિનામાં કાર્યભાર સંભાળશે. 

    ઋષિ સુનકની ગણતરી બ્રિટનના મોટા રાજનેતાઓમાં થાય છે. તેમનો જન્મ સાઉથેમ્ટનમાં ભારતીય માતા-પિતાને ત્યાં થયો હતો. તેઓ ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ પણ છે. ઋષિ અને અક્ષત સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં એકબીજાને મળ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં