કેટલાય મહિનાઓથી શંભૂ અને ખાનૌરી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલ ખેડૂતોને (Farmers) પંજાબ સરકારે (Punjab Government) હટાવી દીધા હતા. આ દરમિયાન ખેડૂત નેતાઓએ પંજાબ સરકાર પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા કારણ કે આ દરમિયાન બુલડોઝર એક્શન સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર, ખેડૂતોએ પંજાબ સરકાર, પોલીસ અને AAP નેતાઓ પર તેમનો સામાન લૂંટ્યો હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, BKUના (એકતા સિદ્ધપુર) સચિવ ગુરદીપ સિંઘ ચહલે આરોપ લગાવ્યો છે કે, “પોલીસની દેખરેખ હેઠળ મૂકવામાં આવેલો સામાન AAP ધારાસભ્યો અને સમર્થકોના ઘરોમાંથી મળી આવ્યો છે. આ સમાનમાં ટ્રેક્ટર, ટ્રેલર, ફ્રીજ, એ.સી, ઇનવર્ટર, પથારીઓ અને ગેસ સિલીન્ડર જેવી વસ્તુનો સમાવેશ થાય છે.”
નોંધનીય છે કે, ખેડૂત નેતાઓએ પંજાબ સરકાર પાસે તેમને થયેલ નુકસાનનું વળતર પણ માંગ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પોલીસની મિલીભગતથી ચોરાયેલા ટ્રેક્ટર અને ટ્રોલી ખુલ્લેઆમ સસ્તા ભાવે વેચવામાં આવ્યા છે. DSP ઘનૌર હરમનપ્રીત સિંઘના જણાવ્યા અનુસાર, પોલીસે અત્યાર સુધીમાં છ ચોરાયેલા ટ્રેક્ટર જપ્ત કર્યા છે, જેમાં ત્રણ લોહ સિમ્બલી ગામમાંથી અને એક-એક સુહારોન અને ખંડોલી ગામમાંથી મળી આવ્યા છે.
આખા દેશમાં પ્રદર્શનનું આહ્વાન
પોલીસે આ મામલે ચોરીના ત્રણ કેસ પણ નોંધ્યા છે. પંજાબ પોલીસના દમન પર નિશાન સાધતા સંયુક્ત કિસાન મોરચાની રાષ્ટ્રીય સમન્વય સમિતિએ 28 માર્ચે આખા દેશમાં પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ભગવંત સિંઘ માનના નેતૃત્વવાળી સરકારના નિર્દેશ પર પંજાબ પોલીસે જગજીત સિંઘ ડલ્લેવાલ અને સરવન સિંઘ પંધેર સહિત 200થી વધુ ખેડૂત નેતાઓની ધરપકડ કરી જેલમાં નાખી દીધા હતા.”
ત્યારે સરકારી દમન સામે પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવવા માટે, તેમણે 19 માર્ચની સાંજથી જ પાણી પીવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન તેમની તબિયત લથડતા પંજાબ પોલીસે 23 માર્ચે કડક સુરક્ષા વચ્ચે SKMના (બિન-રાજકીય) વડા 70 વર્ષીય ડલ્લેવાલને પટિયાલાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ડલ્લેવાલ ગયા વર્ષે 26 નવેમ્બરથી MSP અને અન્ય ખેડૂતોના અધિકારો માટે કાનૂની ગેરંટીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન પર છે. ખેડૂત નેતાઓએ લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. ચહલે કહ્યું છે કે, “સરકારે એવું ન વિચારવું જોઈએ કે આ વિરોધ સમાપ્ત થઈ ગયો છે. ખેડૂતોના હક્કો માટેની લડાઈ છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેશે.”