Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆજથી અધિકારીક રીતે શરૂ થઇ 5G સર્વિસ: પીએમ મોદીએ કર્યું લોન્ચિંગ, કહ્યું-...

    આજથી અધિકારીક રીતે શરૂ થઇ 5G સર્વિસ: પીએમ મોદીએ કર્યું લોન્ચિંગ, કહ્યું- ભારતે આજે ઇતિહાસ રચ્યો

    પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી 5G સર્વિસનો આરંભ કરાવ્યો, 2023 સુધીમાં આખા દેશમાં મળતી થઇ જશે સેવાઓ.

    - Advertisement -

    આજથી દેશમાં 5G સર્વિસની અધિકારીક શરૂઆત થઇ ગઈ છે. પીએમ મોદીએ ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરાવી 5G સર્વિસ પણ લૉન્ચ કરી હતી. જેની સાથે દેશનાં ઘણાં શહેરોમાં આ સેવાઓ મળવાની શરૂ થઇ જશે. વર્ષ 2023 સુધીમાં આખા દેશમાં 5G સર્વિસનો લાભ મળવાનો શરૂ થઇ જશે. 

    દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આજથી (1 ઓક્ટોબર 2022) ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત થઇ છે. જે કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે. જ્યાં પીએમ મોદીએ પહેલા દિવસે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી લેટેસ્ટ જનરેશન ટેલિકોમ સર્વિસનું લૉન્ચિંગ કર્યું હતું. 

    લૉન્ચિંગ પહેલાં વડાપ્રધાન મોદીએ 5G નેટવર્ક પર વિડીયો કોલની મદદથી મહારાષ્ટ્રની એક શાળાનાં બાળકો સાથે વાતચીત પણ કરી હતી. ત્યારબાદ વિવિધ કંપનીઓના સ્ટોલ પર ઉપકરણો વિશે પણ જાણકારી મેળવી હતી. તેમણે 5Gના કારણે મળવા જઈ રહેલી સુવિધાઓ તેમજ તેનાથી ડિફેન્સ, કૃષિ વગેરે ક્ષેત્રોમાં કેવા મહત્વપૂર્ણ ફેરફારો આવશે તેની પણ જાણકારી મેળવી હતી. 

    - Advertisement -

    5G સર્વિસ આજે લૉન્ચ થયા બાદ દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ જેવાં મોટાં શહેરોમાં મળવાની શરૂ થઇ જશે. ત્યારબાદ તબક્કાવાર રીતે વર્ષ 2023 સુધીમાં આખા દેશમાં તેનો લાભ મળવાનો શરૂ થઇ જશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. 

    5G સર્વિસ લૉન્ચ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, 2G, 3G અને 4G સમયે ભારત ટેક્નોલાજી માટે અન્ય દેશો પર નિર્ભર રહેતું હતું. પરંતુ 5જી સાથે દેશે નવો ઇતિહાસ રચ્યો છે. જેની સાથે ભારતે પહેલી વખત ટેલિકોમ ટેક્નોલોજીમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. 

    તેમણે કહ્યું કે, જેવી રીતે સરકારે દરેક ઘરે વીજળી પહોંચાડી, દરેક ઘરે સ્વચ્છ પાણી પહોંચાડવાના મિશન પર કામ કર્યું, ગરીબ માણસોના ઘરે સિલિન્ડર પહોંચાડ્યાં તેવી જ રીતે હવે સરકાર ‘ઇન્ટરનેટ ફોર ઑલ’ના મિશન પર કામ કરી રહી છે. 

    વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકારના પ્રયાસોના કારણે ભારતમાં ડેટાની કિંમત બહુ ઓછી થઇ છે. એ વાત અલગ છે કે અમે ક્યારેય હોબાળો નથી મચાવ્યો કે મોટી જાહેરાતો નથી આપી. પરંતુ અમે દેશવાસીઓને સરળતા કઈ રીતે થાય તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને જેનું આ પરિણામ છે.

    5G સર્વિસ શરૂ થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ વધશે તેમજ વધુ સારી ટેલિકોમ સર્વિસ અને કૉલ કનેક્ટિવિટી પણ મળશે. તેમજ 5G લેટેન્સીમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે. 

    દેશની તમામ મુખ્ય ટેલિકોમ કંપનીઓ જિયો, રિલાયન્સ, એરટેલ અને Vi આ સેવાઓ પૂરી પાડશે. રિલાયન્સ જિયો પહેલેથી જ દિવાળી પહેલાં દેશનાં મુખ્ય શહેરોમાં 5G સેવાઓ લૉન્ચ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જોકે, શરૂઆતમાં અમુક જ જિયો ગ્રાહકોને આ સેવાઓ મળશે. 

    બીજી તરફ, એરટેલે અને Vi જેવી કંપનીઓએ પણ પણ ગ્રાહકોને આ સર્વિસ પૂરી પાડવા માટે તૈયારીઓ કરી લીધી છે. કંપની ‘નૉન સ્ટેન્ડ અલોન નેટવર્ક’ પૂરું પાડશે એટલે કે 4Gના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જ 5G રોલઆઉટ કરવામાં આવશે. જેથી ગ્રાહકોને પણ 4G સિમ પર જ લેટેસ્ટ સેવાઓનો લાભ મળશે. જોકે, તેના માટે 5G મોબાઈલ ફોન હોવો અને તેમાં પણ જરૂરી બેન્ડ્સ હોવા જરૂરી છે. 

    જિયો સ્ટેન્ડ અલોન નેટવર્ક ઉભું કરશે, એટલે કે 5G સેવાઓ માટે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. બીજી તરફ, બાકીની કંપનીઓ હાલના 4G ફારાસ્ટ્રક્ચરની જ મદદ લેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં