વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાજ્યો અને ખાનગી ક્ષેત્રને મોટા કોન્સર્ટનું (Concerts) આયોજન કરવા માટે માળખાગત સુવિધાઓ વિકસાવવા અપીલ કરી છે. તેમણે તાજેતરમાં મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લેના કોન્સર્ટની (Cold Paly) પ્રશંસા કરી છે. પીએમ મોદીએ ઓડિશામાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી.
PM મોદી ઉત્કર્ષ ઓડિશા કોન્ક્લેવમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે સંબોધન દરમિયાન કોન્સર્ટને લઈને નિવેદન આપ્યું હતું. PM મોદીએ કહ્યું હતું કે, “જે દેશ પાસે મ્યુઝિક, ડાન્સ અને સ્ટોરી ટેલીંગનો આટલો સમૃદ્ધ વારસો છે અને યુવાનોનો આટલો મોટો સમૂહ છે તે કોન્સર્ટ માટે એક મોટો ગ્રાહક છે. અહીં કોન્સર્ટ ઈકોનોમી માટે ઘણી સંભાવનાઓ છે. છેલ્લા 10 વર્ષોમાં લાઇવ ઇવેન્ટ્સનો ટ્રેન્ડ અને માંગ ઝડપથી વધી છે.”
આ સંબોધન દરમિયાન PM મોદીએ તાજેતરમાં જ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે બેન્ડ કોન્સર્ટનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, “છેલ્લા કેટલાક દિવસોમાં, તમે મુંબઈ અને અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટના અદ્ભુત ફોટોગ્રાફ જોયા હશે. આ એ બાબતનો પુરાવો છે કે ભારતમાં લાઇવ કોન્સર્ટ માટે કેટલો બધો સ્કોપ છે.”
PM મોદીએ એમ પણ કહ્યું હતું કે, વિશ્વના કલાકારો દેશ તરફ આકર્ષાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “દુનિયાના મોટા આર્ટિસ્ટ ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે. કોન્સર્ટ ઈકોનોમીથી નોકરીઓનું સર્જન થાય છે અને પ્રવાસનને પણ વેગ મળે છે. હું રાજ્યો અને ખાનગી ક્ષેત્રને વિનંતી કરું છું કે તેઓ કોન્સર્ટ ઈકોનોમી માટે જરૂરી માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે.”
તેમણે રોજગારી ઉભી થવાની શક્યતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ઇવેન્ટ મેનેજમેન્ટ, સિક્યોરીટી અને આર્ટિસ્ટ ગ્રૂમિંગ વગેરેમાં ઘણી સંભાવનાઓ ઉભી થઈ રહી છે. સંબોધન દરમિયાન PM મોદીએ WAVES સમિટની પણ ચર્ચા કરી. જે ફેબ્રુઆરી 2025માં યોજાશે.
નોંધનીય છે કે, કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે. જેનો 27 જાન્યુઆરીએ અમદાવાદમાં કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં 1.34 લાખ લોકોએ હાજરી આપી હતી. 21મી સદીમાં યોજાયેલ દરેક કોન્સર્ટની સંખ્યાનો એક રેકોર્ડ છે. અમદાવાદમાં કરવામાં આવેલી વ્યવસ્થાને સોશિયલ મીડિયા પર પણ ઘણી પ્રશંસા મળી હતી. આ પહેલાં આ કોન્સર્ટ મુંબઈમાં યોજાયો હતો ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. નોંધનીય છે કે કોલ્ડપ્લેના આર્ટિસ્ટ ક્રિસ માર્ટીન કોન્સર્ટ બાદ મહાકુંભની મુલાકાતે પહોંચ્યા હતા.