કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI દ્વારા શનિવારે (30 જુલાઈ 2022) દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલ એક રેલીને દિલ્હી પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. PFI દ્વારા ‘સેવ ધ રિપબ્લિક’ નામથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે નવી દિલ્હીના આંબેડકર ભવનથી ઝંડેવાલા વિસ્તાર સુધી આયોજિત કરવામાં આવી હતી. જોકે, આ મામલે ફરિયાદ થયા બાદ પોલીસે સંજ્ઞાન લીધું હતું.
રિપોર્ટ અનુસાર, વિશ્વ હિંદુ પરિષદે દિલ્હી પોલીસને પત્ર લખ્યા બાદ તેને ધ્યાનમાં રાખીને પોલીસે આ કાર્યવાહી કરી છે. પરિષદે દિલ્હી પોલીસને પત્રમાં વિનંતી કરી હતી કે તેઓ PFI દ્વારા આયોજિત રેલી ઉપર રોક લગાવે. 29 જુલાઈના રોજ લખવામાં આવેલ આ પત્રમાં દિલ્હી VHPના પ્રદેશ મંત્રી સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે PFI આખા દેશમાં સંદિગ્ધ ગતિવિધિઓમાં સામેલ રહે છે અને તેને રાજધાનીમાં રેલીની પરવાનગી આપી શકાય નહીં.
VHP દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, 30 જુલાઈએ બપોરે 2:30 વાગ્યાની આસપાસ PFI આંબેડકર ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ સંગઠન આખા દેશમાં શંકાસ્પદ ગતિવિધિઓ કરતું રહે છે. દેશનાં ઘણાં રાજ્યોમાં બનેલા હિંસક બનાવોમાં PFIની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. એક તરફ સ્વતંત્રતા દિવસ પણ નજીક છે ત્યારે રાજધાનીમાં આ સંગઠનની પ્રવૃત્તિઓ વાતાવરણ ખરાબ કરી શકે છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
વધુમાં પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, આ કારણોસર સંગઠન પોલીસને તાત્કાલિક રોક લગાવવા માટે અપીલ કરે છે. જે બાદ આ પાત્ર VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે પણ ટ્વિટર પર શૅર કર્યો હતો. તેમણે લખ્યું કે, વિશ્વ હિંદુ પરિષદ ક્યારેય પણ PFIની દેશવિરોધી ગતિવિધિઓ ચલાવી લેશે નહીં. અમે આ રેલી પર રોક લગાવવા માટે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.
VHP will never allow the anti-national activities of #PFI.
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) July 29, 2022
We have sent letter to @DelhiPolice @CPDelhi to stop it immediately pic.twitter.com/9pd3XNd82t
આ પહેલા ગત 7 જુલાઈના રોજ તેલંગાણા ભાજપ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવવામાં આવી હતી. નિઝામાબાદમાંથી સંગઠનના ચાર નેતાઓની ધરપકડ બાદ તેલંગાણા ભાજપે ગૃહ મંત્રાલયને અપીલ કરીને કહ્યું હતું કે સંગઠન વર્ષોથી મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવવામાં સક્રિયપણે ભાગ ભજવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી દેશમાં બની રહેલી હિંસક ઘટનાઓમાં સતત વિવાદાસ્પદ અને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFIનું નામ સામે આવતું રહ્યું છે. નૂપુર શર્માની કથિત વિવાદિત ટિપ્પણીને લઈને કાનપુરમાં થયેલાં તોફાનોથી માંડીને કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હેની હત્યામાં પણ આ સંગઠન તપાસ હેઠળ આવ્યું હતું. આ ઉપરાંત, તાજેતરમાં કર્ણાટકમાં થયેલી ભાજપ નેતાની હત્યામાં પણ આરોપીઓ PFI સાથે જોડાયેલા હોવાનું બહાર આવી ચૂક્યું છે.