Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક: ભાજપ કાર્યકરની હત્યા મામલે મોહમ્મદ શફીક અને ઝાકીરની ધરપકડ, PFI-SDPI કનેક્શન...

    કર્ણાટક: ભાજપ કાર્યકરની હત્યા મામલે મોહમ્મદ શફીક અને ઝાકીરની ધરપકડ, PFI-SDPI કનેક્શન સામે આવ્યું

    આ બંને આરોપીઓ કટ્ટરપંથી વિવાદાસ્પદ સંગઠનો PFI અને SDPI સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    કર્ણાટકમાં ભાજપ કાર્યકરની હત્યા મામલે બેની ધરપકડ કરવામાં આવી છે. પ્રવીણ નેતારૂની હત્યા મામલે દક્ષિણ કન્નડ જિલ્લામાંથી કર્ણાટક પોલીસે બે આરોપીઓને પકડી લીધા છે. જેમની ઓળખ ઝાકીર અને મોહમ્મદ શફીક તરીકે થઇ છે. દક્ષિણ કન્નડના એસપીએ આ બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે. 

    કર્ણાટકના ADGP આલોક કુમારે જણાવ્યું કે, ભાજપ કાર્યકરની હત્યા મામલે બેલ્લારેના રહેવાસી મોહમ્મદ શફીક અને ઝાકીર નામના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેમના PFI સાથેના શંકાસ્પદ સબંધોને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે, તેઓ આરોપીઓની સંગઠનો સાથેની લિંકને લઈને તેમજ હત્યા પાછળના ઉદ્દેશ્યને લઈને તપાસ કરી રહ્યા છે.

    એક રિપોર્ટ અનુસાર, આ બંને આરોપીઓ પર પ્રવીણ નેતારૂની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. જ્યારે હત્યાને અંજામ આપનારા આરોપીઓની શોધખોળ હજુ ચાલી રહી છે. આ મામલે અત્યાર સુધીમાં 21 લોકોની અટકાયત કરવામાં આવી ચૂકી છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    આ બંને આરોપીઓ કટ્ટરપંથી વિવાદાસ્પદ સંગઠનો PFI અને SDPI સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આરોપી શફીકની પત્નીએ શફીક PFI સાથે જોડાયેલો હોવાની વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તે સંગઠનના કાર્યક્રમોમાં ભાગ પણ લેતો હતો. તેની પત્નીએ એમ પણ કહ્યું કે, ઘટના બની તે દિવસે તે ઘરે ન હતો. 

    પોલીસે જણાવ્યું કે, કોઈ પણની વિરુદ્ધ પુરાવા મળશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે. જેમની અટકાયત કરવામાં આવી છે તેઓ SDPI અને PFI સંગઠનોના સભ્યો છે. અમે આ તમામની પૂછપરછ અને તપાસ કરી રહ્યા છે તેમજ તેમના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યાં છે. જો કેસમાં સંડોવણી નહીં હોય તો તેમને છોડી મૂકવામાં આવશે. 

    આ ઉપરાંત, પોલીસને પ્રવીણની જ્યાં હત્યા થઈ તેની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે છે. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, હત્યા અગાઉ એક સંદિગ્ધ વ્યક્તિ રસ્તાની બાજુ પર બાઈક ઉભી રાખીને લગભગ 30 મિનિટ સુધી બેઠો રહ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે (26 જુલાઈ 2022) કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવીણ નેતારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યારાઓ બાઈક પર આવ્યા હતા અને ધારદાર હથિયાર વડે પ્રવીણ પર હુમલો કર્યો હતો. જે બાદ તેમનું મોત થઇ ગયું હતું. પ્રવીણ નેતારૂ પોલ્ટ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમના ચિકન ફાર્મ પાસે જ તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 

    ભાજપ નેતાની હત્યા બાદ કર્ણાટકમાં પાર્ટી અને યુવા મોરચાના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાર્યકરોએ સામૂહિક રાજીનામાં પણ આપવાના શરૂ કર્યા છે. આક્રોશિત કાર્યકરોએ બુધવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષની કાર પણ ઘેરી લીધી હતી. બીજી, તરફ આ મામલે કર્ણાટક રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે અને ઘટનાની કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં