પટના હાઇકોર્ટે 17 સપ્ટેમ્બર, 2025ના રોજ કોંગ્રેસ પાર્ટીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં દિવંગત માતા હીરાબેન મોદીનો એક AI જનરેટેડ વિડીયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો છે. આ વિડીયો બિહાર કોંગ્રેસ દ્વારા તેમના અધિકૃત X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, તેમાં હીરાબાને મોદીની રાજનીતિની ટીકા કરતાં દર્શાવવામાં આવ્યાં હતાં.
કોર્ટે આગામી સુનાવણી સુધીમાં વિડીયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવા માટે આદેશ આપીને રાહુલ ગાંધી તેમજ એક્સ, ગૂગલ, ફેસબુક વગેરે માધ્યમોને નોટિસ પણ મોકલાવી છે. ઉલ્લેખનીય છે કે અરજીમાં રાહુલ ગાંધી, કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને પણ રિસ્પોન્ડન્ટ બનાવવામાં આવ્યાં હતાં.
બિહાર કોંગ્રેસે 10 સપ્ટેમ્બર, 2025ના રોજ એક 36-સેકન્ડનો AI-જનરેટેડ વિડીયો X પ્લેટફોર્મ પર શેર કર્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્વપ્નમાં માતા હીરાબેન મોદી સાથે વાતચીત કરતા દર્શાવવામાં આવ્યા હતા. વિડીયોમાં હીરાબેન મોદી વડાપ્રધાનની રાજનીતિ, ખાસ કરીને બિહારની ચૂંટણીઓ અને નોટબંધી જેવી નીતિઓની ટીકા કરતાં દર્શાવવામાં આવ્યાં હતાં. વિડીયો સાથેનું કેપ્શન હતું: “સાહેબ કે સપનોં મેં આયી માં. દેખિયે રોચક સંવાદ.”
નોંધનીય છે કે ઑગસ્ટમાં RJD અને કોંગ્રેસ દ્વારા આયોજિત રાહુલ અને તેજસ્વીની એક રેલીમાં વડા પ્રધાન મોદી અને તેમનાં માતાને જાહેરમાં અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને એલફેલ ગાળો ભાંડવામાં આવી હતી. ત્યારપછી ફરીથી આવો વિડીયો કોંગ્રેસનાં સોશિયલ મીડિયા માધ્યમો પરથી વાયરલ કરવામાં આવ્યો, જેમાં ફરીથી PM મોદીનાં સ્વર્ગસ્થ માતાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ વિડીયો વ્યાપક પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ટીકા પણ બહુ થઈ હતી, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસે શરમ મૂકી દઈને સ્વબચાવ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં મામલો કોર્ટ પહોંચી ચૂક્યો હતો.
આ વિડીયોને લઈને પટના હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે સુનાવણી કરીને 17 સપ્ટેમ્બર, 2025ના રોજ એક્ટિંગ ચીફ જસ્ટિસ પી.બી. બાજંત્રીની બેન્ચે આદેશ આપ્યો કે આ વિડીયોને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવી લેવામાં આવે. કોર્ટે ફેસબુક, X, યુટ્યુબ અને ગૂગલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પણ આ વિડીયોનું પ્રસારણ રોકવા માટે નિર્દેશ આપ્યા.
એ પણ નોંધનીય છે કે આ વિડીયોના વિવાદ બાદ દિલ્હી પોલીસે ભાજપના કાર્યકર સંકેત ગુપ્તાની ફરિયાદના આધારે 14 સપ્ટેમ્બર, 2025ના રોજ નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં બિહાર કોંગ્રેસના નેતાઓ સામે એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆર ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 18(2), 336(3), 336(4), 340(2), 352, 356(2) અને 61(2) હેઠળ નોંધવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન અને તેમનાં માતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.


