Tuesday, October 8, 2024
More
    હોમપેજદુનિયા10 વર્ષનો સિરાજ ભારત આવીને 22 વર્ષ બાદ પાકિસ્તાન ગયો તો તેના...

    10 વર્ષનો સિરાજ ભારત આવીને 22 વર્ષ બાદ પાકિસ્તાન ગયો તો તેના જ લોકોએ ‘કાફર’ કહીને પ્રતાડિત કર્યો: પત્નીએ કહ્યું- ભારતમાં ક્યારેય મુસ્લિમ હોવાના કારણે તકલીફ ન પડી

    વાત છે 38 વર્ષના સિરાજ મોહમ્મદ ખાનની. તાજેતરમાં જ તેણે પાકિસ્તાની સમાચાર પોર્ટલ 'Dawn'ને પોતાની આપવીતી જણાવી છે, કે કેવી રીતે તે મુસ્લિમ હોવા છતાં તેના જ દેશ પાકિસ્તાનમાં પ્રતાડિત છે અને ભારતે તેમને અને પરિવારને શું આપ્યું છે.

    - Advertisement -

    22 વર્ષ પહેલાં એક દસ વર્ષનું બાળક ભૂલથી ટ્રેનમાં બેસીને પાકિસ્તાનથી આવી જાય અને જીવનનાં 22 વર્ષ ભારતમાં વીતાવે તો? વળી પાછું તે પોતાના પરિવાર પાસે પરત ફરે અને તેને પ્રતાડિત કરી હડધૂત કરવામાં આવે તો? આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ વાસ્તવમાં ઘટેલી એક ઘટના છે. વાત છે 38 વર્ષના સિરાજ મોહમ્મદ ખાનની. તાજેતરમાં જ તેણે પાકિસ્તાની સમાચાર પોર્ટલ ‘Dawn’ને પોતાની આપવીતી જણાવી છે, કે કેવી રીતે તે મુસ્લિમ હોવા છતાં તેના જ દેશ પાકિસ્તાનમાં પ્રતાડિત છે અને ભારતે તેમને અને પરિવારને શું આપ્યું છે.

    રિપોર્ટ અનુસાર, સિરાજ છેલ્લાં છ વર્ષથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બટ્ટગ્રામમાં એક ભાડાની નાનકડી ખોલીમાં રહે છે. તેની પત્ની અને ત્રણ બાળકો પણ સાથે જ રહે છે. સિરાજ પાસે પાકિસ્તાની ઓળખ તો છે, પણ તકલીફ તે છે કે તેનો પરિવાર ભારતીય છે. તેના જણાવ્યા અનુસાર તેનો જન્મ 1986માં મનસેહરા જિલ્લાના બાહપી ખાતે આવેલા કોંશ શરકૂલ ગામમાં થયો હતો. તે 10 વર્ષનો થયો ત્યારે એક એવી ઘટના ઘટી કે તનું આખું જીવન જ બદલાઈ ગયું.

    કરાચી જવા નીકળેલો સિરાજ ભારત પહોંચી ગયો

    વર્ષ હતું 1996નું, 10 વર્ષનો સિરાજ તેના ઘરેથી નીકળે છે ને બસમાં બેસીને લાહોર પહોંચી જાય છે. બસ સ્ટેશનથી તે ચાલીને રેલવે સ્ટેશન પર જાય છે અને કરાંચી જવા માટે થઈને એક ટ્રેન પકડે છે. ઘણા લાંબા સમય સુધી ટ્રેન એમ જ ચાલતી રહી અને છેલ્લું સ્ટોપ આવ્યું અને તે ઉતરી ગયો. થોડો સમય તો તેને કશું જ ન સમજાયું, પણ ધીમે-ધીમે માહોલ અને માણસો જોઇને તે ગભરાયો. વાસ્તવમાં તે જે ટ્રેનમાં બેઠો હતો તે કરાંચી નહીં, ભારત આવી રહી હતી અને ટ્રેનનું નામ હતું- સમજૌતા એક્સપ્રેસ. તે સવા દસ વર્ષનો હતો, આથી ઈમિગ્રેશનની માથાકૂટ વગર જ તે સીધો ભારત પહોંચી ગયો.

    - Advertisement -

    પહેલાં તો એને લાગ્યું કે તે કરાંચીમાં જ છે, પરંતુ ધીમે-ધીમે તેને ખ્યાલ આવ્યો કે આ કરાંચી શું પાકિસ્તાન પણ નથી અને તે ભૂલથી ભારત પહોંચી ગયો છે. શરૂઆતની હેરાનગતિ બાદ તેને સારા ભારતીયો મળતા ગયા. ભારતમાં લોકોએ એને એટલો પ્રેમ અને દયા દાખવી કે તેને મુશ્કેલીઓ મોટી ન લાગી. કોઈએ તેની તકલીફ સાંભળીને તેને પૈસાની મદદ કરી દિલ્હી પહોંચાડ્યો, તો કોઈએ આશરો આપવા અમદાવાદ મોકલ્યો. તેને મદદ કરવા માટે થઈને શિમલા અને કાશ્મીર સુધી લોકો તેને લઇ ગયા. પાકિસ્તાન સ્થિત તેના પરિવારને પત્રો પણ લખવામાં આવ્યા અને બીજું ઘણું બધું થયું.

    મુંબઈની ખોલીમાં રહેતા સિરાજે નિકાહ કરી લીધા

    તાત્કાલિક પાકિસ્તાન પહોંચવું અઘરું હતું, તો સિરાજે નાનાં-મોટાં કામ કરવાનું શરૂ કરી દીધું. થોડા રૂપિયા ભેગા થતાં જ તેણે મુંબઈમાં વિજયનગર ખાતે એક ખોલી ભાડે રાખી લીધી. સમય વીતતો ગયો ને તેની મુલાકાત સજીદા નામની એક યુવતી સાથે થઈ. ત્યારબાદ વર્ષ 2005માં બંનેએ નિકાહ કરી લીધા. પહેલા ખોળે દીકરી અને બાદમાં વર્ષ 2010માં તેને બે જોડકા દીકરા થયા અને એકલો સિરાજ હવે ઘર-પરિવારવાળો થઈ ગયો. 2009માં જ તેને ભારતની નાગરિકતા મળી ગઈ હતી, આથી આધારકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ બધું મળી ગયું. આ બધા સાથે સરકારી લાભો પણ મળતા ગયા.

    એક રીતે કહીએ તો સિરાજ હવે એક ભર્યા-ખીલ્યા પરિવાર સાથે ભારતમાં ખુશ હતો. પરંતુ થોડા સમય બાદ જ તેને તેના વતન અને પરિવારની યાદ આવી. તેને લાગવા લાગ્યું કે તેનું અસલ પરિવાર પાકિસ્તાનમાં છે તો તેનો આ પરિવાર કેમ તેના પાકિસ્તાના પરિવારથી દૂર છે? આ બાબતથી તે અકળાયો અને સરકારી કચેરી ગયો અને પોતાની કહાણી સંભળાવી અને પાકિસ્તાન પહોંચવા માટે મદદ માંગી. પરંતુ તેની વાત સાંભળીને તેને ગેરકાયદેસર ભારતમાં ઘૂસીને રહેવા માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો.

    પાકિસ્તાન પહોંચ્યો ને પરિસ્થિતિઓ બદલાઈ ગઈ

    થોડા જ સમય બાદ તેને પાકિસ્તાન ડિપોર્ટ કરી દેવામાં આવ્યો. બોર્ડર ક્રોસ થયા બાદ પણ તેની પૂછપરછ કરવામાં આવી અને અંતે તેને તેના મૂળ ઘર સુધી જવાની પરવાનગી મળી ગઈ. ઘરે પહોંચવાના હરખમાં તે વિચારી રહ્યો હતો કે હવે બધું ઠીક થઈ જશે, તે તેના પરિવારને મળશે. અમ્મી-અબ્બુ, ભાઈ, મિત્રો, સગા-સંબંધીઓ તેને જોઇને ખુશ થઇ જશે. પરંતુ તેના નસીબમાં કંઇક બીજું જ લખેલું હતું. પરિસ્થિતિ તેણે વિચારી હતી, તેનાથી સાવ વિપરીત નીકળી.

    વાસ્તવમાં 22 વર્ષે સિરાજને ઘરે પરત ફરેલો જોઈ તેનો પરિવાર ખુશ થવાની જગ્યાએ ઉકળી ઉઠ્યો. તેના ભાઈએ તેને રાજી થવાના બદલે સંપત્તિ માટે પરત આવ્યો હોવાનાં મેણાં માર્યાં. તેના અમ્મી-અબ્બુ તેને શંકાની નજરથી જોતાં હતાં. તેના ઓળખીતા અને આસપાસના લોકો તેને ભારતનો જાસૂસ, હિંદુ, કાફર ને ખબર નહીં શું-શું કહેવા લાગ્યા. પરિસ્થિતિ એ હદે પહોંચી કે તેને તેના પાકિસ્તાન આવવાના નિર્ણય પર પસ્તાવો થવા લાગ્યો. જે પરિવાર અને દેશ માટે થઈને તેણે આટલું વેઠયું, એ જ પરિવાર અને દેશના લોકોએ તેને ધુત્કારી દીધો હતો.

    પરિવાર પાકિસ્તાન આવ્યો ને શરૂ થઈ પ્રતાડનાઓ

    બીજી તરફ તેનો પરિવાર ભારતમાં તેની પાછળ ટળવળી રહ્યો હતો. રહી જતું હતું તો તેની પત્ની સાજીદા પણ સિરાજ પાછળ પાકિસ્તાન જઈ ચડી. પત્ની અને બાળકોને જોઇને તેને થોડી રાહત મળી. પરંતુ સજીદાએ પણ સિરાજ જેવી જ પ્રતાડના સહન કરવી પડી. અહીં તેને પણ તેના ભારતીય હોવા પર પ્રતાડિત કરવામાં આવી. તેના રંગરૂપ અને રહેવાની પદ્ધતિને લઈને ગંદી ટિપ્પણીઓ કરવામાં આવી. સાજીદાએ આ બધાથી કંટાળીને કહ્યું કે, “લોકો કહે છે કે ભારતમાં મુસ્લિમોને રહેવું મુશ્કેલ છે, પરંતુ વાસ્તવિકતા તે છે કે તેણે જેટલી પ્રતાડના અને નફરત પાકિસ્તાનમાં સહન કરી છે, તે પૈકીનું ભારતમાં નેમની સાથે કોઈ જ વર્તન નથી કરવામાં આવ્યું.”

    માત્ર આ મિયાં-બીવી જ નહીં, તેમનાં બાળકો પણ પાકિસ્તાની મુસ્લિમોની માનસિકતાથી ન બચી શક્યાં. તેમની પણ વારંવાર મજાક બનાવવામાં આવી. અનેક વાર તેમને પ્રતાડિત કરવામાં આવે છે. આટલું જ નહીં, સિરાજે તેમને ભણવા માટે સ્કૂલમાં એડમિશન અપાવ્યું તો તેમણે ત્યાં પણ પ્રતાડના સહન કરવી પડી. સિરાજનો આરોપ છે કે તેના બાળકોને સ્કૂલમાં બહિષ્કૃત કરવામાં આવ્યા હતા. આખો પરિવાર પાકિસ્તાનમાં ડરી-ડરીને જીવી રહ્યો હતો. તેઓ ત્યાં માત્ર એક નાનકડી ઓરડીમાં રહેતા હતા. તેમને લાગતું હતું કે આ પ્રતાડનાઓ આમ જ પૂરી નહીં થાય અને તેમની સાથે હજુ પણ વધુ ખરાબ થશે.

    મુસ્લિમ હોવા છતાં ભારતમાં ક્યારેય તકલીફ ન પડી, પણ પાકિસ્તાનમાં રહેવું નરક સમાન

    સજીદાએ તેની સાથેના વ્યવહાર વિશે જણાવતાં કહ્યું કે, સિરાજનો પરિવાર તેમને પોતાનાં વાસણ પણ અલગ રાખવા માટે કહેતો હતો. તેમની સાથે અછૂત જેવું વર્તન કરવામાં આવતું. તેમણે સિરાજને પણ તેના વિરુદ્ધ કાન ભર્યા અને તેને છોડી દેવા માટે દબાણ કર્યું. આ બધું એટલા માટે થઇ રહ્યું હતું, કારણ કે સાજીદા ભારતીય હતી. સજીદાએ ‘ડોન’ને જણાવ્યું કે ભારતમાં મુસ્લિમ હોવા પર તેની સાથે ક્યારેય આ પ્રકારનું વર્તન નથી થયું, પરંતુ પાકિસ્તાનમાં તેની જ કોમના લોકો તેને મુસ્લિમ નથી માનતા અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે.

    અંતે જ્યારે પરિસ્થિતિઓ નિયંત્રણ બહાર ગઈ, તો સજીદાએ થોડા સમય માટે ભારત પરત આવી જવું પડ્યું. તેણે પાકિસ્તાનમાં પોતાના અનુભવોને નરક સમાન ગણાવ્યા હતા. તેના બાળકો સિરાજ પાસે હોવાના કારણે કમને તેને પાકિસ્તાન પરત જવું પડ્યું. હાલ તેઓ બધા સાથે રહી રહ્યાં છે, પરંતુ હાલત તેવી છે કે સજીદાના વિઝા પૂરા થવા આવ્યા છે અને પાકિસ્તાની પ્રશાસન તેના વિઝાનો સમયગાળો વધારવા માટે લાંચ માંગી રહ્યું છે. સજીદાને નથી સમજાઈ રહ્યું કે તે શું કરે. જે પરિવારને તેણે ભારતમાં બનાવ્યો તેની સાથે રહે અને મુસ્લિમ હોવા છતાં પાકિસ્તાનની પ્રતાડના સહન કરતી રહે કે પછી ભારત પરત આવી જાય. હાલ તો તેઓ માંગ કરી રહ્યા છે કે તેમના પરિવારના વિઝાનો સમયગાળો વધારી દેવામાં આવે, તે પણ ‘ચા-પાણી’ના પૈસા લીધા વગર.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં