51 શક્તિપીઠ પૈકીના એક એટલે અંબાજી ધામ ખાતે આમ તો દર પૂનમે મેળા જેવું વાતાવરણ હોય છે પરંતુ કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહીં મોટા મેળા યોજાય છે. તેમ પણ ખાસ કરીને ભાદરવી પૂનમના મેળાનું મહત્ત્વ ઘણું છે. એક સપ્તાહ સુધી ચાલતા આ મેળામાં ગુજરાતભરમાંથી ભક્તો અને શ્રદ્ધાળુઓ ચાલતા પગપાળા સંઘ લઈને આવતા હોય છે. પરંપરાને જાળવી રાખતાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં સંઘો અંબાજી પહોંચી રહ્યા છે. ઑપઇન્ડિયાએ આવા જ અમુક સંઘ સાથે વાતચીત કરી હતી. જેમાં રાજકોટથી માંડીને વડનગરના સંઘો સામેલ છે.
રાજકોટથી 200 મહિલાઓ-પુરુષો અને બાળકો સાથેનો એક સંઘ 400 કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ભાદરવી પૂનમના મેળામાં અંબાજી માતાના દર્શને પહોંચે છે. સંઘના આયોજક સાથે ઑપઇન્ડિયાએ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લગભગ 24 વર્ષથી તેઓ આ સંઘ લઈને આવે છે અને કોઈ પણ સમાજનો વ્યક્તિ રહી ન જાય એના માટે એક જેવા કપડાં પહેરીને તેઓ સંઘમાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે પહેલાં તેમને ભાદરવી પૂનમના મેળાનું મહત્વ ખબર નહોતું પરંતુ તેમના ગુરુજીએ તેમને આ મેળાનું અને અંબાજી માતાના મંદિરે પગપાળા જવાનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારપછી લગભગ 24 વર્ષથી તેઓ આ રીતે રાજકોટથી ચાલતા અંબાજી માતાના મંદિરે આવે છે. ઑપઇન્ડિયાએ જ્યારે આયોજક સાથે વાત કરી ત્યારે તેમને રાજકોટથી નીકળ્યાનો 11મો દિવસ હતો.
આયોજકે જણાવ્યું કે તેમને એવું લાગે છે કે તેઓ કોઈ યાત્રામાં નહીં પરંતુ કોઈ તહેવારમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે જમણવારથી લઈને નાસ્તા-પીણાં સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને ક્યારેય કોઈ ખોટ પડતી નથી. તેઓ માને છે કે માતાજીએ ભક્તોની સેવા કરવા માટે જ સ્વયંસેવકોને મોકલ્યા છે. નોંધનીય છે કે આ સંઘને રાજકોટથી અંબાજી જતા 13થી 15 દિવસનો સમયગાળો લાગતો હોય છે.
40 વર્ષથી વડનગરથી અંબાજી જતો સંઘ
આ સિવાય વડનગરથી અંબાજી જતા શ્રીજી સેવા સંઘ સાથે પણ ઑપઇન્ડિયાએ વાતચીત કરી હતી. સંઘના આયોજકે જણાવ્યું હતું કે તેઓ 1985થી વડનગરથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળામાં જાય છે. તેમણે કહ્યું કે પહેલાં તેઓ ધજા લઈને મંદિરે જતા હતા પરંતુ 2000ની સાલથી તેમણે માતાજીનો રથ બનાવ્યો અને આ રથ લઈને તેઓ મેળામાં જાય છે.
આ સંઘમાં પણ લગભગ 150-200 ભક્તો અને શ્રદ્ધાળુઓ હોય છે. તેમણે જણાવ્યું કે PM મોદીના ગામમાંથી નીકળીને અમે માતાના મંદિર સુધી જઈએ છીએ. વધુમાં તેમણે કહ્યું કે આમ તો ગામના ઘણા લોકો અલગ-અલગ જગ્યાએ રહેવા ગયા છે પરંતુ આ સમયગાળામાં બધા વડનગર પહોંચી જાય છે અને ત્યાંથી જ સંઘમાં જોડાઈને માતાના મંદિર સુધી પહોંચે છે.
અન્ય એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે પહેલાં તેઓ થોડાક લોકો જ ચાલતા જતા હતા, પછી ધીમે-ધીમે અન્ય લોકો પણ તેમની સાથે જોડાયા અને ત્યારબાદ રથ બનાવીને મંદિરે જવા લાગ્યા. તેમણે કહ્યું કે માતાજીની ભક્તિ, શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે લોકોને ચાલતા જોવાનો અનુભવ એકદમ અલગ જ છે. તેમણે જણાવ્યું કે ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ બાધા કરવા જતા હોય છે જે તેમની સાથે સંઘમાં જોડાય છે.
ક્યારથી થઈ હતી મેળાની શરૂઆત?
એવું કહેવાય છે કે ઘણાં વર્ષો અગાઉ અમદાવાદમાં પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા મા અંબાની માનતા રાખવામાં આવી હતી કે જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તે ભાદરવી પૂનમના દિવસે નગરના બ્રાહ્મણોનો સંઘ લઈને મા અંબાના દર્શન માટે આવશે. આ સંઘ દ્વારા મેળાની પ્રથમ શરૂઆત થઈ હોવાનું મનાય છે. આ સંઘને લાલ દંડા સંઘ તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયે પણ આ લાલ દંડા સંઘ અંબાજીની પગપાળા યાત્રા કરે છે.
દાંતાના રાજવી પરિવાર વર્ષોથી આ પરંપરાને જાળવી રાખતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ પૂરી પાડે છે. આજેપણ આ પરંપરા અકબંધ છે. જ્યારે પણ સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર તેનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરે છે. રાજવી પરિવારના જૂના મહેલમાં તે મા અંબાની પૂજા કરી અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે.
ભાદરવી પૂનમના મેળા વિશે અહીંથી વિગતવાર વાંચી શકાશે.


