Thursday, July 18, 2024
More
  હોમપેજગુજરાત'બોલ માડી અંબે, જય જય અંબે': શક્તિપીઠ અંબાજીમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો,...

  ‘બોલ માડી અંબે, જય જય અંબે’: શક્તિપીઠ અંબાજીમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો, લાખો માઈભક્તો કરશે પદયાત્રા, જાણો તેનું મહત્વ

  આ અંબા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભક્તો ઉમંગ અને હોંશથી જોડાય છે. દેશભરમાંથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહે છે. સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. આ સિવાય કચ્છ, રાજકોટ, મુંબઈ, નાગપુર, ભાવનગર, અમદાવાદથી પણ સંઘો આવે છે.

  - Advertisement -

  આસ્થા, શક્તિ અને ભક્તિનું ત્રિવેણી સંગમ ગણાતા પવિત્ર અંબાજી શક્તિપીઠ યાત્રાધામમાં ભાદરવી પૂનમનો મેળો ભરાવા જઈ રહ્યો છે. આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટ વરુણકુમાર બરનવાલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્રે મેળાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલે પણ સૌ ભક્તોને મેળામાં આવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.

  ભાદરવી પૂનમના દિવસે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે મેળો ભરાય છે. મા અંબાના ભક્તો મેળાનો ભરપૂર આનંદ લઈને મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. માઈભક્તો માટે આ એક પવિત્ર અવસર ગણાય છે. લાખો લોકો દરવર્ષે આ મેળામાં જોડાય છે. ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને અંબાજી આવી પહોંચે છે. ત્યારે આ વર્ષના મેળાની પણ જાહેરાત થઈ ચૂકી છે. મંગળવારે (19 સપ્ટેમ્બરે) અંબાજી ખાતે યોજાયેલી મિટિંગમાં 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મેળો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આપણે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાના મહત્વ વિશે જાણીશું.

  શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો?

  દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન મા શક્તિના શક્તિપીઠમાં મા નું હ્રદય વસે છે. જેના કારણે દરવર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

  - Advertisement -

  ભારતીય પંચાંગ મુજબ ભાદરવા મહિના બાદ આસો મહિનો આવે છે. જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસની નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળાનું મહત્વ એ છે કે નવરાત્રી નિમિત્તે મા અંબાના શક્તિપીઠે ધજા ચડાવી લોકો પોતાના ગામે લઈ જાય છે અને ધન્યતા અનુભવે છે. આ સિવાય બીજી એક માન્યતા અનુસાર મા અંબાના ભક્તો આસો મહિનાની નવરાત્રી શરૂ થયા પહેલાં મા અંબાને નોતરું (આમંત્રણ) પાઠવે છે અને પોતાના ઘરે બોલાવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ લાખો લોકો ભાદરવી પૂનમના દિવસે મા આદ્યશક્તિને આમંત્રણ પાઠવવા આવે છે.

  અહી મેળામાં ભક્તો ઊંચા સ્વરે ‘શક્રાદય સ્તુતિ’નું પઠન કરી માતાજીને પ્રાથના કરે છે. જ્યારે બ્રાહ્મણો ‘સપ્તશતી’નું પઠન કરી માતાજીની આરાધના કરે છે. આ મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂંજા કરવામાં આવતી નથી પણ મા શક્તિના ‘શ્રી વિસાયંત્ર’ની પૂંજા કરવામાં આવે છે. પોષી પૂનમના દિવસે માતાજી પ્રગટ થયા હોવાનું મનાય છે. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને આવતા વિવિધ સંઘો દ્વારા ભવાઈ અને ચાચર ચોકમાં રાસગરબાનું અદભૂત આયોજન કરવામાં આવે છે.

  ક્યારથી થઈ હતી મેળાની શરૂઆત?

  એવું કહેવાય છે કે ઘણા વર્ષો અગાઉ અમદાવાદમાં પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા મા અંબાની માનતા રાખવામાં આવી હતી કે જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તે ભાદરવી પૂનમના દિવસે નગરના બ્રાહ્મણોનો સંઘ લઈને મા અંબાના દર્શન માટે આવશે. આ સંઘ દ્વારા મેળાની પ્રથમ શરૂઆત થઈ હોવાનું મનાય છે. આ સંઘને લાલ દંડા સંઘ તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયે પણ આ લાલ દંડા સંઘ અંબાજીની પગપાળા યાત્રા કરે છે.

  દાંતાના રાજવી પરિવાર વર્ષોથી આ પરંપરાને જાળવી રાખતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ પૂરી પાડે છે. આજેપણ આ પરંપરા અકબંધ છે. જ્યારે પણ સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર તેનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરે છે. રાજવી પરિવારના જૂના મહેલમાં તે મા અંબાની પૂજા કરી અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે.

  દેશભરમાંથી ઉમટી પડે છે માઈભક્તો

  હાલના સમયમાં પણ લોકોની આસ્થા અકબંધ છે. લાખો લોકો મા અંબાના આશીર્વાદ માટે અને નવરાત્રિ માટે માતાજીને આમંત્રણ પાઠવવા માટે દૂર-દૂરથી પગપાળા અંબાજી શક્તિપીઠ ખાતે આવે છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં 30 લાખથી વધુ માઈભક્તો મા અંબાના દર્શન કરીને આમંત્રણ પાઠવે છે.

  શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા આવતા પદયાત્રીઓ

  આ અંબા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભક્તો ઉમંગ અને હોંશથી જોડાય છે. દેશભરમાંથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહે છે. સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. આ સિવાય કચ્છ, રાજકોટ, મુંબઈ, નાગપુર, ભાવનગર, અમદાવાદથી પણ સંઘો આવે છે. હાથમાં ધજા અને માતાજીના જયઘોષ સાથે પદયાત્રીઓ અલગ આધ્યાત્મિક અનુભવ મેળવે છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં