Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મ આદિપુરુષે દર્શકોને કર્યા નિરાશ: સોશિયલ મીડિયા પર લોકોએ ખરીખોટી સંભળાવી, ક્રિટિક્સે...

    ફિલ્મ આદિપુરુષે દર્શકોને કર્યા નિરાશ: સોશિયલ મીડિયા પર લોકોએ ખરીખોટી સંભળાવી, ક્રિટિક્સે પણ વખોડી

    તાજેતરમાં ટ્રેલર અને ભરપૂર પ્રમોશનના કારણે ફિલ્મ ચર્ચામાં આવી હતી અને માહોલ બનાવ્યો હતો. પરંતુ આજે રિલીઝ થયા બાદ તે દર્શકોની આશા પર ખરી ઉતરી ન હોય તેવું લાગી રહ્યું છે.

    - Advertisement -

    ફિલ્મ ‘આદિપુરુષ’ આજે દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. વિવાદો અને ચર્ચાની વચ્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ બહુમતી દર્શકોને પસંદ આવી નથી અને સોશિયલ મીડિયા પર ટીકા-ટિપ્પણીઓ ચાલુ થઇ ગઈ છે. ફિલ્મ જોઈને આવેલા દર્શકો તેમાંના ડાયલૉગ અને પાત્રોના ચિત્રણને લઈને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ મોટાભાગના ક્રિટિક્સે પણ ફિલ્મને વખોડી કાઢી છે. 

    જાણીતા ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે એક શબ્દના રિવ્યૂમાં આ ફિલ્મને ‘નિરાશાનજનક’ ગણાવી છે. તેમણે પાંચમાંથી દોઢ સ્ટાર આપ્યા અને લખ્યું કે, ફિલ્મ આશાઓને પહોંચી વળી નથી અને ડાયરેક્ટર ઓમ રાઉત પાસે સારા અભિનેતાઓ અને તગડું બજેટ હોવા છતાં તેમણે બાજી બગાડી નાંખી છે. 

    આદિપુરુષનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે પણ લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી અને VFXની મજાક ઉડાવી હતી. ત્યારબાદ તાજેતરમાં ટ્રેલર અને ભરપૂર પ્રમોશનના કારણે ફિલ્મ ચર્ચામાં આવી હતી અને માહોલ બનાવ્યો હતો. પરંતુ આજે રિલીઝ થયા બાદ તે દર્શકોની આશા પર ખરી ઉતરી ન હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આવી ફિલ્મ બનાવવા બદલ નિર્માતા અને ડાયરેક્ટને ભાંડી રહ્યા છે તો ડાયલૉગ્સ લખનારા મનોજ મુન્તશિરે પણ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. 

    - Advertisement -

    પૂજા સાંગવાને લખ્યું કે, રાવણ એ ખીલજી જેવો વધુ દેખાય છે અને તેને ત્રિપુન્ડ વગર દર્શાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રાવણનું પાત્ર સૈફ અલી ખાને ભજવ્યું છે. અગાઉ ટીઝર લૉન્ચ થયું હતું ત્યારે પણ રાવણના ઇસ્લામિક આક્રાંતા જેવા દેખાવની લોકોએ ટીકા કરી હતી. 

    એક યુઝરે હનુમાનજીના પાત્રના એક ડાયલૉગની ક્લિપ શૅર કરી અને લખ્યું કે, આદિપુરુષ આપણા ઇતિહાસનું ગૌરવગાન કરવા કરતાં તેને નુકસાન વધુ કરે છે. હનુમાનજી ભગવાન શ્રીરામના મહાન ભક્ત હતા અને તેઓ ક્યારેય ‘તેરા બાપ…’ જેવા શબ્દોનો ઉપયોગ કરે નહીં. તેમણે મનોજ મુન્તશિરને ટેગ કરીને લખ્યું કે, તેમણે આવા ડાયલૉગ લખવા બદલ શરમ કરવી જોઈએ. જે ક્લિપ શૅર કરી હતી તેમાં હનુમાનજી બનેલ વ્યક્તિ ‘તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી..’ જેવો સંવાદ બોલતો નજરે પડે છે. 

    ટ્વિટર પર ફિલ્મ રિવ્યૂઅર અને યુ-ટ્યુબર શાન પ્રાશરનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ આદિપુરુષ પર ટિપ્પણી કરે છે. તેઓ કહે છે કે, “આ લોકોએ એટલી ગંદી ફિલ્મ બનાવી છે, ઓમ રાઉત પોતાને વાલ્મિકી સમજે છે પણ છે તે છઠ્ઠી નાપાસ. તેણે એટલી પણ કાળજી ન લીધી કે રામાયણ વિશે પ્રાથમિક માહિતી મેળવી લે. તેમણે કહ્યું કે આ ફિલ્મમાં રામાયણને ‘સેક્સ્યુલાઈઝ’ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, ફિલ્મમાં એક નહીં પરંતુ અનેક મોટી-મોટી ભૂલો છે. તેમણે લોકોને ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.  

    ઘણાએ રામાનંદ સાગર નિર્મિત ધારાવાહિક રામાયણનાં પાત્રો સાથે આદિપુરુષની સરખામણી કરી હતી.

    ઘણા લોકોએ ફિલ્મના નબળા VFXની પણ મજાક ઉડાવી તો એક વ્યક્તિએ કહ્યું કે, તેના કરતાં કાર્ટૂન છોટાભીમનું VFX સારું હોય છે. 

    આ સિવાય પણ ઘણા લોકોએ ફિલ્મની ટીકા કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં