Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ-આપનું ગઠબંધન કરીને ચૂંટણી જીતવાના સપનાં જોતા હતા નરેશ પટેલ, સોનિયા ગાંધીએ...

    કોંગ્રેસ-આપનું ગઠબંધન કરીને ચૂંટણી જીતવાના સપનાં જોતા હતા નરેશ પટેલ, સોનિયા ગાંધીએ શરત ન માનતાં પાણી ફરી વળ્યું, ભાજપના MLA તોડવાનો પણ હતો પ્લાન: રિપોર્ટ

    ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ વાત ન બનતાં આખરે માંડવાળ કરી હતી.

    - Advertisement -

    પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે છેક ફેબ્રુઆરીમાં રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી હતી. જે બાદ સતત ચાર મહિના સુધી મીડિયામાં ચર્ચા, સોશિયલ મીડિયા પર અટકળો અને રાજકારણ થયા બાદ આખરે 16 જૂને નરેશ પટેલે કોથળામાંથી બિલાડું કાઢીને પોતે રાજકારણમાં નહીં જોડાય તેવી જાહેરાત કરી દીધી હતી. જોકે, હવે જાણકારી બહાર આવી છે કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની અમુક શરતો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ માન્ય રાખતાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા ન હતા.

    અખબાર દિવ્ય ભાસ્કરે એક અહેવાલમાં આ અંગે ખુલાસા કર્યા છે. જે અનુસાર, નરેશ પટેલની યોજના કોંગ્રેસમાં જોડાવાની હતી અને એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન કરીને ચૂંટણી લડી ભાજપના પણ અમુક ધારાસભ્યોને પોતાના પક્ષે કરવાની હતી. ઉપરાંત, ગુજરાત ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો પણ પ્રવેશ કરાવવાની યોજના હતી. 

    રિપોર્ટ અનુસાર, નરેશ પટેલનો કોંગ્રેસ પ્રવેશ પ્રશાંત કિશોર કરાવવાના હતા અને તેમણે કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન કરી નરેશ પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવાની યોજના મૂકી હતી. આ ઉપરાંત, ભાજપના 3 કેબિનેટ મંત્રી સહિત 17 ધારાસભ્યોને કોંગ્રેસમાં પ્રવેશ કરાવવાનું પણ તેમણે વિચારી લીધું હતું. 

    - Advertisement -

    જાણવા મળ્યું છે કે, પ્રશાંત કિશોરે કોંગ્રેસ અધ્યક્ષ સમક્ષ ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે સરવે કરાવવાનો તેમજ ચૂંટણી માટેની કોર કમિટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે મુજબ, સરવે કરી જે ધારાસભ્યનો રિપોર્ટ નબળો આવે તેને રિપીટ ન કરવી તેમજ કોર કમિટીમાં ગાંધી પરિવારના ત્રણ સભ્યો, ‘આપ’ના કેજરીવાલ અને અન્ય એક નેતા અને પ્રશાંત કિશોર-નરેશ પટેલને રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 

    રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ પણ હાર મળે તો તે માટે જવાબદારી ગાંધી પરિવાર ઉપર આવી પડે તે માટે સોનિયા ગાંધીએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ઉપરાંત, સમિતિમાં માત્ર ત્રણ જ સભ્યો રાખવાની વાત પર પણ તેઓ સહમત ન હતાં તેમ કહેવાય છે. જેથી તેની ઉપર પણ વાત બની શકી ન હતી. 

    કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બંને પ્રસ્તાવોનો વીંટો વાળી દેતાં આખરે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા પર પણ પ્રશ્નાર્થ સર્જાયું હતું. નરેશ પટેલ દિલ્હીની પણ મુલાકાત લઇ આવ્યા હતા, પરંતુ વાત ન બનતાં આખરે રાજકોટ આવીને રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરી દીધી હતી. જે બાદ આમ આદમી પાર્ટીએ પણ એકલા જ ચૂંટણી લડવા માટે તૈયારી કરવા માંડી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં