પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદમાં (Murshidabad) ફરી એક વખત મુસ્લિમ ટોળાંઓએ (Muslim Mob) હિંસા (Violence) આચરી હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, જુમ્માની નમાજ બાદ મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયાં હતાં અને વક્ફ કાયદાના (Waqf Act) વિરોધના નામે હિંસા આચરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ટોળાંએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું અને પથ્થરમારો પણ કર્યો હતો. તે સિવાય અનેક વાહનોમાં પણ આગ ચાંપી દીધી હતી. ઉપરાંત ટ્રેનો પર પથ્થરમારો કરીને રેલવે સ્ટેશનમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, શુક્રવારે (11 માર્ચ) જુમ્માની નમાજ બાદ મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધના નામે મુસ્લિમ ટોળાં એકઠા થવા લાગ્યાં હતાં. જોતજોતાંમાં પ્રદર્શનકારીઓએ હિંસા આચરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે સૂતિરના સજૂરમોર ચોક અને શમશેરગંજના નવા પોસ્ટબંગલા ચોક નેશનલ હાઇવે નંબર 12 જામ કરી દીધો હતો. ત્યારબાદ બંને જગ્યાઓ પર સ્થિતિ વણસી ગઈ હતી અને હિંસા શરૂ થઈ હતી.
પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં બળપ્રયોગ કર્યો હતો અને લાઠીચાર્જ કરીને ટિયર ગેસના સેલ છોડ્યા હતા. ત્યારબાદ ટોળાંએ પથ્થરમારો કરીને અનેક પોલીસકર્મીઓને ઘાયલ કરી દીધા હતા. તે સિવાય કેટલાક પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા હતા. આ હુમલામાં ફરક્કાના SDPO પણ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
સ્થિતિ એ હદે વણસી ગઈ હતી હતી કે પ્રદર્શનકારીઓને રોકવા માટે આવેલી પોલીસ પણ જીવ બચાવીને ભાગવા લાગી હતી અને હિંસક ભીડથી બચવા માટે નજીકની એક મસ્જિદમાં શરણ લઈ રહી હતી. ત્યારબાદ મુસ્લિમ ભીડે પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને પેટ્રોલ બૉમ્બ ફેંકીને વાહનોને આગના હવાલે કરી દીધા હતા. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો કે પોલીસે તેમના પર ગોળીઓ ચલાવી હતી. જોકે, પોલીસે આ દાવાનો ઇનકાર કર્યો છે.
મુસ્લિમ ટોળાંએ કેદીઓને લઈને જઈ રહેલી પોલીસ વેન પર પણ હુમલો કરી દીધો હતો. આ સાથે જ સરકારી અને ખાનગી બસો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. મુસ્લિમ ટોળાંઓએ સરકારી કાર્યાલયોને પણ નિશાન બનાવ્યા હતા અને પથ્થર અને ઈંટો ફેંકીને તોડફોડ કરી હતી.
ટ્રેનો અને રેલવે સ્ટેશન પર પણ કર્યો હુમલો
હિંસક ભીડે તે વિસ્તારમાં રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ તોડી પાડ્યું હતું. ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. પથ્થરમારાના કારણે ટ્રેનો અને રેલવે સ્ટેશનનું ઘણું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મુસ્લિમ ટોળાંના ઉત્પાતના કારણે અનેક ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે, પ્રદર્શનકારીઓએ ટ્રેક પર બેસીને ટ્રેનોની અવરજવર અટકાવી દીધી હતી.
#WATCH | Kolkata, West Bengal: Eastern Railway CPRO Diptimoy Dutta says, "Train services have been affected in the Azimganj-New Farakka section as a group of people were squatting on the railway track between Dhulian Ganga and Nimtita stations… They also damaged the gate no 43.… https://t.co/c86EVFvFnF pic.twitter.com/pYl9Dobdqc
— ANI (@ANI) April 11, 2025
પૂર્વીય રેલવે તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વી રેલવેના અઝીમગંજ-ન્યૂ ફરક્કા સેકશનના ધુલિયાનગંગા સ્ટેશન પર લગભગ 5000 લોકોએ ટ્રેનોની અવરજવર રોકી રાખી હતી. આ કારણોસર રેલવેએ અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી હતી અને અનેક ટ્રેનોને વચ્ચે જ અટકાવી દીધી હતી. ટોળાંઓએ બપોરના સમયે ધુલિયાનગંગા પાસે કામાખ્યા-પુરી એક્સપ્રેસને પણ અટકાવી દીધી હતી.
બે કલાકથી વધુના સમય સુધી ટોળાંએ ટ્રેનને અટકાવી રાખી હતી. આ કારણે બરહરવા-અઝીમગંજ પેસેન્જર, સાહિબગંજ-અઝીમગંજ પેસેન્જર, નવદ્વીપ ધામ એક્સપ્રેસ, અઝીમગંજ-માલદા ટાઉન પેસેન્જર સહિત અન્ય પણ ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુર્શિદાબાદ થઈને ઉત્તર બંગાળ તરફ જઈ રહેલી તમામ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા તો રદ કરવામાં આવી હતી. રેલવેએ કહ્યું હતું કે, ભારે ઉત્પાતના કારણે યાત્રિકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા યાત્રિકો પણ ઘાયલ થયા હતા.
બોર્ડર સિક્યુરિટી ફોર્સને કરવી પડી તહેનાત
મુસ્લિમ ટોળાંઓએ ભારે ઉત્પાત મચાવ્યાં બાદ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સને (BSF) વિસ્તારમાં તહેનાત કરવામાં આવી હતી. કારણ કે આ વિસ્તાર ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદના 50 કિલોમીટરના દાયરામાં આવે છે. તાજેતરના સમયમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધના નામે સતત હિંસાનો દોર ચાલી રહ્યો છે. આ પહેલાં મંગળવારે પણ મુસ્લિમ ટોળાંઓએ આ વિસ્તારમાં હિંસા આચરી હતી, જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
વર્તમાન સ્થિતિને જોતાં રાજ્યપાલ સીવી આંદન બોસે હિંસા આચરનારાઓને ચેતવણી આપી છે અને રાજ્ય સરકારને મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગણાના અમતાલા, સુતી, ધુલિયાન અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતિ ફેલાવવા માટે જવાબદાર ઉપદ્રવીઓ વિરુદ્ધ તાત્કાલિક અને પ્રભાવી કાર્યવાહી કરવા માટેના સખત નિર્દેશો આપ્યા છે.