મધ્ય પ્રદેશ હાઇકોર્ટ (Madhya Pradesh High Court) બાર એસોશિએશને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ ફરિયાદ કરતો એક પત્ર ભારતના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને લખ્યો છે. ફરિયાદ કરવામાં આવી છે કે મુખ્ય ન્યાયાધીશે તેમના બંગલાના પરિસરમાં બનાવવામાં આવેલું એક વર્ષો જૂનું મંદિર (Temple) હટાવી દીધું છે. આ મામલે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ફરિયાદ MP હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુરેશ કુમાર કૈત સામે કરવામાં આવી છે, જેઓ બૌદ્ધ ધર્મ પાળે છે. બાર એસોશિએશનની ફરિયાદ છે કે મુખ્ય ન્યાયાધીશના સત્તાવાર નિવાસસ્થાનમાં આવેલા એક મંદિરને તેમણે હટાવડાવી દીધું છે. જ્યારે વાસ્તવમાં તો એ સરકારી સંપત્તિમાં હોવાના કારણે સરકારના આદેશ વગર કે કોઈ લેખિત રેકર્ડ વગર ત્યાંથી હટી શકે નહીં. સાથે સનાતનીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી.
The Madhya Pradesh High Court Bar Association has written a letter to the President, Prime Minister, and Chief Justice of India, protesting the removal of a Hanuman temple from Justice Kait’s official residence.
— LawChakra (@LawChakra) December 27, 2024
For More Details Visit: https://t.co/1EPeX2CXzU #MadhyaPradesh… pic.twitter.com/sK2rbC92fd
પત્રમાં જણાવવામાં આવ્યું કે, હાઇકોર્ટ મુખ્ય ન્યાયાધીશના સરકારી નિવાસસ્થાનના પરિસરમાં એક મંદિર આવેલું હતું અને તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ ઘણું છે. ભૂતકાળમાં ઘણા મુખ્ય ન્યાયાધીશો આ બંગલામાં રહી ગયા અને તમામ મંદિરમાં પૂજા કરતા હતા. જેમાં પૂર્વ CJI એસએ બોબડે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો એએમ ખાનવિલકર અને હેમંત ગુપ્તા વગેરે પણ સામેલ છે. ઉપરાંત, CJI નિવાસસ્થાને જે કર્મચારીઓ પૂજાપાઠ કરતા તેઓ પણ અહીં નિયમિત પૂજા કરતા હતા.
બાર એસોશિએશનની રજૂઆતમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, ભૂતકાળમાં આ બંગલામાં અમુક મુસ્લિમ ચીફ જસ્ટિસ પણ રહ્યા છે, પરંતુ તેમણે પણ ક્યારેય મંદિર સામે વાંધો ઉઠાવ્યો ન હતો અને ત્યારે પણ મંદિર ખુલ્લું જ રહેતું હતું.
‘બંગલો સરકારની સંપત્તિ, આમ જ મંદિર ન હટાવી શકાય’
બાર બોડીએ પત્રમાં કહ્યું કે, “આ બંગલો અને મંદિર એ સરકારની સંપત્તિ છે. બંગલાની સાથે-સાથે સમયાંતરે આ મંદિરનું સમારકામ પણ થતું રહ્યું છે અને ભૂતકાળમાં જેટલા પણ ન્યાયાધીશો અને કર્મચારીઓ આવ્યા તેઓ સનાતનીઓ હતા. ન્યાયાધીશો નિવાસસ્થાનની બહાર જ પૂજા-અર્ચના કરી શકતા હતા અને તેમનો સમય પણ બચી જતો. આમ ઘણી રીતે આ મંદિર મહત્ત્વનું છે.”
લેટર જણાવે છે કે, મંદિર હટાવવું એ સનાતન ધર્મમાં માનનારાઓનું અપમાન જેવું છે અને સરકારી સંપત્તિ હોવાના કારણે લેખિત આદેશ વગર તેને હટાવી જ ન શકાય.
‘બાર એન્ડ બેન્ચ’ MP હાઇકોર્ટ બાર એસોશિએશનના પ્રમુખ ધન્ય કુમાર જૈનને ટાંકીને જણાવે છે કે, જજ બૌદ્ધ ધર્મ પાળતા હોવાના કારણે મંદિર હટાવ્યું હોવાનું અનુમાન છે. બાર એસોશિએશન પ્રમુખે કહ્યું કે, “આ તો સત્તાવાર નિવાસસ્થાન છે. જે મામલો ગંભીર છે, જેની તપાસ થવી જોઈએ. જજ બૌદ્ધ ધર્મ પાળતા હોય તો સારી વાત છે અને અમને તેમનાથી કોઈ વાંધો પણ નથી, પરંતુ મંદિર હટાવવું એ યોગ્ય નથી.”
(અપડેટ: આ મામલે થોડા દિવસ બાદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આરોપોનો રદિયો આપતાં કહ્યું હતું કે, બંગલામાં મંદિર ક્યારે હતું જ નહીં અને આ આરોપો પાયાવિહોણા અને ખોટા છે. જે વિશે અહીંથી વાંચી શકાશે.)