Monday, January 20, 2025
More
    હોમપેજદુનિયાલંડનમાં કંગનાની ફિલ્મ 'Emergency'નું સ્ક્રીનિંગ રોકવા કટ્ટરપંથીઓ સિનેમા હોલમાં ઘુસ્યા, મચાવ્યો ભારે...

    લંડનમાં કંગનાની ફિલ્મ ‘Emergency’નું સ્ક્રીનિંગ રોકવા કટ્ટરપંથીઓ સિનેમા હોલમાં ઘુસ્યા, મચાવ્યો ભારે હોબાળો: પ્રેક્ષકો સાથે કર્યો ઝગડો, લગાવ્યા ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા

    ઘટના બાદ સ્થાનિક પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને સિનેમા હોલના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. જોકે, અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

    - Advertisement -

    પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ (Indira Gandhi) દેશ પર લાદેલ આપાતકાલ (Emergency) પર બનેલ બોલીવુડ એક્ટર અને ભાજપ સાંસદ કંગના રણૌતની (Kangana Ranut) ફિલ્મ ‘ઇમરજન્સી’નો ઘણો વિરોધ થયો હતો. 17 જાન્યુઆરીએ રિલીઝ થયેલ આ ફિલ્મનું પંજાબમાં (Punjab) સ્ક્રીનિંગ અટકાવવામાં આવ્યું હતું. હવે આવી જ એક ઘટના લંડનથી સામે આવી છે. લંડનમાં હેરો સિનેમામાં (Harrow cinema London) કંગના રણૌતની ‘ઇમર્જન્સી’ ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ હોબાળો મચાવ્યો હતો.

    અહેવાલ મુજબ યુકેની રાજધાની લંડનમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓનું એક ટોળું સ્ક્રીનિંગ દરમિયાન અચાનક એક સિનેમા હોલમાં ઘૂસી ગયું અને ‘ઇમર્જન્સી’ ફિલ્મનો વિરોધ કર્યો. દરમિયાન ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ હોબાળાને કારણે સિનેમા હોલમાં ભાગ-દોડ મચી ગઈ હતી. નોંધનીય છે કે પંજાબમાં પણ આ જ રીતે આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.

    અહેવાલો અનુસાર, હોબાળો મચાવી રહેલ ખાલિસ્તાની સમર્થકો ફિલ્મને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી રહ્યા હતા. તેમનો આરોપ હતો કે આ ફિલ્મ શીખ સમુદાયને નકારાત્મક રીતે દર્શાવી રહી છે. આ દરમિયાન, તેમણે સિનેમા હોલમાં હાજર દર્શકો સાથે ઉગ્ર દલીલ પણ કરી. કટ્ટરપંથી સમર્થકો ફિલ્મ બંધ કરવા માટે દબાણ કરી રહ્યા હતા, જ્યારે દર્શકોએ તેમનો વિરોધ કર્યો અને ફિલ્મ ચાલુ રાખવાની માંગ કરી હતી.

    - Advertisement -

    આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખાલિસ્તાની સમર્થકો સિનેમા હોલની અંદર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને દર્શકો સાથે ઝગડા કરી રહ્યા છે. આ હોબાળા છતાં, સિનેમા હોલ પ્રશાસને હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. જોકે, ઘટના બાદ સિનેમા હોલ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે.

    ઘટના બાદ સ્થાનિક પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને સિનેમા હોલના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. જોકે, અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે ગુનેગારોને ઓળખવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટે તપાસ ચાલી રહી છે. દરમિયાન, યુકેમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળોએ ફિલ્મ ‘ઇમર્જન્સી’નું પ્રદર્શન અટકાવવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

    શું છે ફિલ્મની વાર્તા

    નોંધનીય છે કે કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સાચી ઘટનાઓ અને 1970ના દાયકામાં લાદવામાં આવેલી કટોકટી પર આધારિત ફિલ્મ ‘ઇમર્જન્સી‘ શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. શીખ સંગઠનોએ ફિલ્મની પટકથાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મમાં શીખ સમુદાયને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યો છે. આ કારણોસર, પંજાબના ઘણા સિનેમા હોલએ આ ફિલ્મ રિલીઝ કરવાનો ઇનકાર કર્યો હતો.

    કંગના રણૌતની આ ફિલ્મ અગાઉ સપ્ટેમ્બર 2024માં રિલીઝ થવાની હતી, જોકે સેન્સર બોર્ડે તેને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, ફિલ્મના નિર્માતાઓએ કેટલાક ફેરફારો અને સીન્સમાં કાપ મૂક્યા પછી તેને ફરીથી સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરવી પડી. આ ફિલ્મ આખરે 17 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં