Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશત્રણ મુસ્લિમ શખ્સોએ મંદિરમાં વહેંચ્યાં ઇસ્લામનો પ્રચાર કરતાં પેમ્ફલેટ, FIR થઈ તો...

    ત્રણ મુસ્લિમ શખ્સોએ મંદિરમાં વહેંચ્યાં ઇસ્લામનો પ્રચાર કરતાં પેમ્ફલેટ, FIR થઈ તો કર્ણાટક હાઇકોર્ટે રદ કરી દીધી, કહ્યું–‘આ ધર્માંતરણનો પ્રયાસ નથી, ગુનો ન બને’

    ફરિયાદીએ ધર્મપરિવર્તનના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો, હાઇકોર્ટે ગ્રાહ્ય ન રાખી દલીલો. FIR અને ચાર્જસીટ રદ કરવામાં આવ્યાં.

    - Advertisement -

    કર્ણાટક હાઇકોર્ટે (Karnataka High Court) તાજેતરમાં એક ચુકાદામાં ત્રણ મુસ્લિમ વ્યક્તિઓ સામે નોંધાયેલી FIR રદ કરી દીધી. આરોપ એવો હતો કે આ ત્રણેયે એક હિંદુ મંદિરમાં (Hindu Temple) જઈને ઇસ્લામના ઉપદેશોનો પ્રચાર કરતા પેમ્ફલેટ વહેંચ્યાં હતાં અને ત્યાં આવતા હિંદુઓએ જ્યારે તેમની પ્રવૃત્તિ વિશે પૂછપરછ કરી તો જવાબમાં ધર્મ વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. જોકે કોર્ટે એમ કહીને ત્રણેય સામેનો કેસ રદ કરી દીધો છે કે માત્ર પેમ્ફલેટ વહેંચવાથી ગુનો બન્યો ન કહેવાય અને આરોપીઓએ ધર્માંતરણનો કે કોઈને ઇસ્લામ અપનાવવા માટે દબાણ કર્યું નથી. 

    આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 299, 351(2) અને 3(5) તેમજ કર્ણાટક પ્રોટેક્શન ઓફ રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ, 2022ની કલમ 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતે નિર્દોષ હોવાની દલીલો કરી. આ મામલે સુનાવણીના અંતે કોર્ટે બુધવારે (23 જુલાઈ) ચુકાદો આપ્યો અને ત્રણેય સામે દાખલ કરવામાં આવેલી FIR રદ કરી દીધી. 

    શું છે સમગ્ર મામલો

    ફરિયાદીના આરોપ મુજબ, 4 મે, 2025ના રોજ બપોરે 4:30 વાગ્યે જ્યારે તેઓ જમખંડીના રામતીર્થ મંદિરની મુલાકાતે ગયા હતા ત્યારે એક જૂથ ત્યાં ઇસ્લામના ઉપદેશોનું પ્રચાર કરતાં પેમ્ફલેટ વહેંચી રહ્યું હતું અને મૌખિક રીતે તેમના મજહબી વિચારો સમજાવી રહ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું કે મંદિરમાં હાજર ભક્તોએ આ વ્યક્તિઓની પ્રવૃત્તિ અંગે પૂછપરછ કરી, જેના જવાબમાં આરોપીઓએ હિંદુ ધર્મની ટીકા કરીને ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી. 

    - Advertisement -

    આ ઉપરાંત, ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ લોકોને ઇસ્લામમાં પરિવર્તિત કરવા માટે વાહનો અને દુબઈમાં નોકરીની તકો જેવી સુવિધાઓની લાલચ આપી હતી.

    આરોપીઓની FIR રદ કરવાની માંગ અને દલીલ

    કેસ દાખલ થયા બાદ આરોપીઓએ FIR રદ કરવાની અરજી કરી અને દલીલ કરી કે તેઓ માત્ર અલ્લાહ અને પયગંબર મોહમ્મદના ઉપદેશોનો પ્રચાર કરી રહ્યા હતા. ફરિયાદમાં એવો કોઈ આરોપ નથી કે તેઓએ કોઈ વ્યક્તિના ધર્માંતરણનો પ્રયાસ કર્યો હોય. દલીલ આપવામાં આવી કે આ બધાં કારણોસર FIRમાં લગાવેલા આરોપો કર્ણાટક પ્રોટેક્શન ઓફ રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન એક્ટની કલમ 5 હેઠળ ગુનો બનતા નથી.

    વધુમાં, તેમણે દલીલ કરી કે એક્ટની કલમ 4માં ફરિયાદ નોંધાવવા માટે યોગ્ય વ્યક્તિઓની યાદી આપવામાં આવી છે અને આ કેસમાં ફરિયાદી ત્રીજી વ્યક્તિ હોવાથી, તેની ફરિયાદ કાયદેસર રીતે ટકાઉ નથી.

    જોકે, સરકારી વકીલે આ અરજીનો વિરોધ કર્યો અને દલીલ કરી કે FIRમાં લગાવેલા આરોપો કલમ 5 હેઠળ ગુનો દર્શાવે છે. તેમણે એવું પણ જણાવ્યું કે આરોપીઓની પ્રવૃત્તિઓથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ થયો હોવાનું સ્પષ્ટ થાય છે, જે કાયદાનું ઉલ્લંઘન છે.

    કોર્ટની ટિપ્પણી

    કર્ણાટક હાઇકોર્ટે કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક પ્રોટેક્શન ઓફ રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ, 2022ની કલમોનું વિશ્લેષણ કર્યું. કોર્ટે નોંધ્યું કે, કલમ 3 ખોટી રજૂઆત, બળ, છેતરપિંડી, અયોગ્ય પ્રભાવ, દબાણ, લાલચ અથવા લગ્નના વચન દ્વારા એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન પર પ્રતિબંધ મૂકે છે. કલમ 4 ફરિયાદ નોંધાવવા માટે યોગ્ય વ્યક્તિઓને નિર્ધારિત કરે છે, જેમાં પરિવર્તિત વ્યક્તિ, તેના માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહી, લગ્ન, દત્તક અથવા સંગઠન દ્વારા સંબંધિત અન્ય સંબંધીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત કલમ 5 કલમ 3નું ઉલ્લંઘન કરનારાઓ માટે સજાની જોગવાઈ કરે છે.

    કોર્ટે જણાવ્યું કે આ કેસમાં ફરિયાદ ત્રીજી વ્યક્તિ દ્વારા નોંધવામાં આવી છે, જે કલમ 4માં નિર્દિષ્ટ વ્યક્તિઓની શ્રેણીમાં આવતી નથી. આથી ફરિયાદીની કાનૂની સ્થિતિ (લોકસ સ્ટેન્ડી) નબળી હોવાથી FIR નોંધવી કાયદેસર રીતે અમાન્ય છે. વધુમાં, કોર્ટે એ પણ નોંધ્યું કે FIRમાં લગાવેલા આરોપોને તેની ફેસ વેલ્યુ પર સ્વીકારી પણ લઈએ તોપણ, તે કલમ 3 હેઠળ ગુનાનાં આવશ્યક તત્વોને પૂર્ણ કરતા નથી, કારણ કે આરોપીઓએ કોઈ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાનો કોઈ આરોપ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં