કર્ણાટકના (Karnataka) ધર્મસ્થળ કેસમાં (Dharmasthala Case) હવે નવો વળાંક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, સામૂહિક દફનનો (Mass burial) દાવો કરનારા ફરિયાદીની જ ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય પોતાની દીકરી ગુમ થઈ ગઈ હોવાનો દાવો કરનાર મહિલાએ પોતાના તમામ દાવા ખોટા હોવાની કબૂલાત કરી દીધી છે. સુજાતા ભટ્ટ નામની મહિલાએ દાવો કર્યો હતો કે, તેમની દીકરી અનન્યા ભટ્ટ 2003માં ધર્મસ્થળ યાત્રા દરમિયાન ગુમ થઈ ચૂકી હતી. જોકે, હવે તે પોતાના દાવા પરથી જ પલટી ગઈ છે.
એક યુ-ટ્યુબ ચેનલ સાથે વાત કરતી વખતે સુજાતા ભટ્ટે કહ્યું કે, તેમને આ જુઠ્ઠા દાવા કરવા માટે ગિરીશ મત્તણાવર અને ટી જયંતીએ ઉશ્કેર્યા હતા. તેમણે જણાવ્યું છે કે, “આ બધી બાબતો ખોટી છે. આ સત્ય નથી. ક્યારેય કોઈ અનન્યા ભટ્ટ નામની પુત્રી હતી જ નહીં. ફોટા પણ નકલી છે. આ બધી જ બાબતોમાં બધુ જ સંપૂર્ણપણે ખોટું છે.” તેમણે એવું પણ કહ્યું છે કે, “કેટલાક લોકોએ આવું કરવા માટે તેમને કહ્યું હતું. આ બધુ જમીનના વિવાદને લઈને થયું હતું. આ જ એકમાત્ર કારણ છે.”
It has now come to light that Sujatha Bhat, who had earlier claimed to be the mother of a fictitious person named Ananya Bhat and alleged that her daughter was subjected to abuse and murder in Dharmasthala, has admitted that her statements were false. She revealed that she was… pic.twitter.com/YyeKu3KCaJ
— Girish Bharadwaj (@Girishvhp) August 22, 2025
સુજાતા અનુસાર, આ વિવાદ તેમના નાનાની જમીનને લઈને હતો, જે કથિત રીતે ધર્મસ્થળ મંદિર પ્રશાસને લઈ લીધી હતી. તેમણે કહ્યું કે, “મેં માત્ર એટલું પૂછ્યું હતું કે, મારા નાનાની જમીન મારી મંજૂરી વગર કઈ રીતે આપી દેવામાં આવી.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ સમગ્ર ઘટનામાં કોઈએ તેમના પાસેથી પૈસા નથી માંગ્યા અને કોઈને પણ તેમણે પૈસા નથી આપ્યા. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, આ ઘટના સંપૂર્ણપણે ખોટી છે.
નોંધનીય છે કે, આ પહેલાં તેમણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તેમની 18 વર્ષની પુત્રી અનન્યા, જે મેડિકલની વિદ્યાર્થિની હતી, તે મે 2003માં ધર્મસ્થળ પર ગઈ હતી અને ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જ્યારે તેમણે પુત્રીને શોધવાનું શરૂ કર્યું, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને મંદિરમાં પાછા ન ફરવા અથવા જાહેરમાં ઘટના વિશે વાત ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
હવે સુજાતા આ આ બધી બાબતોથી પાછળ હટી ગયા છે અને જનતાની માફી માંગી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, “હું કર્ણાટકના લોકો, મંદિરના ભક્તો અને સમગ્ર દેશની માફી માંગુ છું.” આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) તેમને શુક્રવારે (22 ઑગસ્ટ) બેલ્થાંગડી ઓફિસમાં હાજર થવા માટે નોટિસ મોકલી હતી.
ફરિયાદી સફાઈ કર્મચારીની પણ ધરપકડ
આ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે, ‘સામૂહિક દફન’નો દાવો કરીને ફરિયાદ કરનાર સફાઈ કર્મચારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. SIT ચીફ પ્રણબ મોહંતી અને તેમની ટીમે શુક્રવારે (22 ઑગસ્ટ) સફાઈ કર્મચારીની પૂછપરછ કરી હતી. મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલુ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે, ફરિયાદીના નિવેદનો અને દસ્તાવેજોમાં વિસંગતિઓ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. લાંબી પૂછપરછ બાદ તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
#Dharmasthala pic.twitter.com/BR6UkiT9PG
— NDTV (@ndtv) August 23, 2025
ઉલ્લેખનીય છે કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે આ સફાઈ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે, 1998થી 2014 દરમિયાન ધર્મસ્થળમાં અનેક સ્થળોએ તેને સેંકડો મૃતદેહોને દફનાવવાની ફરજ પાડવામાં આવી હતી. આ સફાઈ કર્મચારી ભગવાન મંજુનાથ મંદિરમાં કામ કરતો હતો અને તેણે 3 જૂન 2025ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોતાની ફરિયાદમાં સફાઈ કર્મચારીએ કહ્યું હતું કે, તેણે જે મૃતદેહોને દફનાવ્યા હતા તેમાં મહિલાઓ અને સગીરાઓના મૃતદેહો પણ હતા, જેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જોકે, આ પછી ઘણી જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ મોટાભાગની જગ્યાએ કોઈ માનવ અવશેષો મળ્યા ન હતા. નેત્રાવતી નદીની નજીકના એક સ્થળેથી ફક્ત થોડા હાડકાં મળી આવ્યા હતા, તે પણ પુરુષોના હોવાનું કહેવાય છે. જોકે, હવે SITએ ફરિયાદીની જ ધરપકડ કરી લીધી છે.


