પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાનો પરિવાર છેલ્લા થોડા સમયથી વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. પહેલાં પુત્ર એચડી રેવન્ના અને પૌત્ર પ્રજ્વલ રેવન્ના પર યૌનશોષણના આરોપ લાગ્યા બાદ હવે અન્ય એક પૌત્ર સૂરજ રેવન્ના પર એક પાર્ટી કાર્યકર્તાનું શોષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે મામલે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સૂરજ રેવન્ના JD(S)નો MLC (વિધાન પરિષદ સભ્ય) છે અને પ્રજ્વલ રેવન્નાનો મોટો ભાઈ છે. તેની ઉપર પાર્ટીના એક પુરૂષ કાર્યકર્તા સાથે સમલૈંગિક સંબંધ બાંધીને શોષણ કરવાનો આરોપ છે.
પહેલાં સૂરજ રેવન્નાની અટકાયત કરીને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો, પછી તેની ધરપકડ પણ કરી લેવામાં આવી. કર્ણાટક પોલીસે શનિવારે તેની વિરુદ્ધ પાર્ટી કાર્યકર્તાના શોષણના આરોપ સાથે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ રવિવારે કાર્યવાહી કરવામાં આવી. સૂરજ સામે IPCની કલમ 377, 342, 506 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
JDSના એક પાર્ટી કાર્યકર્તાએ આરોપ લગાવ્યો હતો કે, 16 જૂનની સાંજે સૂરજ રેવન્નાએ તેની સાથે સૂરજના એક ફાર્મહાઉસ પર બળજબરીપૂર્વક સમલૈંગિક સંબંધો બાંધ્યા હતા. તેણે જણાવ્યું કે, તે સૂરજને એક કાર્યક્રમમાં મળ્યો હતો. ત્યારબાદ તેણે પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને તેને મેસેજો પણ કરતો રહેતો હતો. આરોપ છે કે ઘટનાના દિવસે પણ સૂરજે જ તેને ફાર્મહાઉસ પર બોલાવ્યો હતો.
સૂરજ રેવન્નાના સાથીએ પીડિત સામે નોંધાવી ફરિયાદ
બીજી તરફ, સૂરજ રેવન્નાએ આ આરોપો સદંતર નકારી દીધા છે. તેમણે આરોપ લગાવ્યો કે, પીડિત વ્યક્તિએ ખોટા આરોપો સાથે આ ફરિયાદ કરી છે અને તે પાછળનો આશય પોતાની પાસેથી ₹5 કરોડ રૂપિયા ઉઘરાવવાનો છે. બીજી તરફ, સૂરજ રેવન્નાના એક સાથીદારની ફરિયાદ પર પીડિત અને તેના સાથી સામે ખંડણીનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.
સૂરજના સાથીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, સૂરજ રેવન્ના સામે ખોટા આરોપો લગાવીને પૈસા ઉઘરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, આરોપીએ સૂરજને ધમકી આપીને કહ્યું હતું કે જો તેઓ તેને ₹5 કરોડ રૂપિયા નહીં આપે તો તે શારીરિક શોષણનો કેસ નોંધી દેશે. પોલીસે IPCની કલમ 384 અને 584 હેઠળ બે સામે ગુનો નોંધ્યો છે.
કર્ણાટકના ગૃહપ્રધાને જણાવ્યા અનુસાર, સૂરજ રેવન્નાનો કેસ પણ CIDને ટ્રાન્સફર કરવામાં આવશે. નોંધવું જોઈએ કે પ્રજ્વલ રેવન્ના હાલ જેલમાં બંધ છે, જેની સામે પણ મહિલાઓના યૌન શોષણનો આરોપ છે. તેના પિતા એચડી રેવન્ના હાલ જામીન ઉપર બહાર છે.