Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાતસુરતમાં ડ્રગ્સ ઘૂસાડનાર ટોળકી ઝડપાઈ: પોલીસે રાબીયા, સફિક સહિત 7ની ધરપકડ કરાઈ,...

    સુરતમાં ડ્રગ્સ ઘૂસાડનાર ટોળકી ઝડપાઈ: પોલીસે રાબીયા, સફિક સહિત 7ની ધરપકડ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને આપી માહિતી

    સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમેં વોચ ગોઠવીને 23 જૂન 2024ના રોજ રાબીયા નામની મહિલા અને તેના સાથી સફીકની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ પાસેથી 252.34 ગ્રામ ડ્રગ્સનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અનેક ઠેકાણે ડ્રગ્સ ઝડપવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં સુરત પોલીસે ખાસ ઓપરેશન ચલાવીને નશાનો વેપલો કરતા એક મહિલા સહિત 7ની ધરપકડ કરી છે. પોલીસને તેમની પાસેથી લાખોની મતાનું ડ્રગ્સ મળી આવ્યું છે આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.

    ગૃહમંત્રીએ આ મામલે પોતાના આધિકારિક X હેન્ડલ પર ‘ગુજરાતમાં ડ્રગ્સને નો એન્ટ્રી’ના મથાળા સાથે પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, “રાજ્યને નશાથી મુક્ત કરવા એક ડગલું આગળ વધતા ગુજરાત પોલીસે એક સફળ ઓપરેશન પર પડ્યું છે. પોલીસે રાબિયા અબ્દુલ રજાક શેખ, સફીકખાન બાબુ ખાન પઠાણની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય 5ની પણ ધરપકડ કરવામાં અવી છે.” ગૃહમંત્રીએ સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડવા બદલ પોલીસને શુભેચ્છા પણ પાઠવી હતી.

    મળતી માહિતી અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને 23 જૂન 2024ના રોજ રાબીયા નામની મહિલા અને તેના સાથી સફિકની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ મુંબઈથી સૂર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ બાંદ્રા જોધપુર ટ્રેનમાં સુરત આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રેલ્વે સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી અને મૂળ મહારાષ્ટ્રના ગોવંડીની રાબિયા તેમજ ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી સફિકખાન પઠાણની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 252.34 ગ્રામ ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત 25,23,400 જેટલી છે.

    - Advertisement -

    રાબિયા અને સફિકખાનની પૂછપરછ બાદ ધરપકડનો દોર શરૂ થયો. પોલીસને જાણવા મળ્યું હતું કે તે સુરતમાં જ રહેતા મોહસીન શેખ, સરફરાજ અને ફૈસલને ડ્રગ્સ વેચવા આપતી હતી. માહિતી મળ્યા બાદ તમામ આરોપીને શોધવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે રાંદેર ખાતે આવેલ કાસા મરીના હોટલમાંથી સરફરાજ ઉર્ફે સલમાનને ઝડપી લીધો હતો. સરફરાજ મૂળ ભરૂચના જંબુસરનો રહેવાસી છે અને તે હાલ રાંદેર ખાતે આવેલા રામનગરમાં રહે છે. પોલીસે સરફરાજ સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટનો ગુનો રજીસ્ટર કરાવ્યો છે. તેની પાસેથી 2,8,900ની કિંમતની 28.790 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે.

    ત્યાર બાદ પોલીસે બાતમીના આધારે ફૈસલ અને યાસીન મુલ્લા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 31.55 ગ્રામ એટલે કે 3,15,500નું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ આરોપીઓ સામે પણ રાંદેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય આરોપી મોહસીન શેખ તેના મિત્ર અશફાકના ઘરે છુપાયો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમી મળતા જ પોલીસે રુદરપુરા કુંભારવાડ ખાતે દરોડા પાડતા ત્યાંથી મોહસીનનો મિત્ર અશફાક ઝડપાયો હતો.

    આ આખા ઓપરેશનમાં પોલીસના હાથે કૂલ 7 આરોપી ઝડપાયા છે. તમામના નામ રાબીયાબીબી શેખ, સફિક ખાન પઠાણ, સરફરાજ ઉર્ફે સલમાન, ફૈસલ કચરા, યાસીન મુલ્લા, અશફાક શેખ અને સૈયદ આશિફ ઉર્ફે બાબુ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં 1,પાલ પોલીસ સ્ટેશનમાં 1 , રાંદેર પોલીસ સ્ટેશનમાં 1 અને અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા છે. નોંધનીય છે કે નશાનો વેપલો કરતા સરફરાજ ઉર્ફે સલમાન સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં 7 ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં